Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

સાવચેતી એ જ કોરોનાને અટકાવવા માટેનું શસ્ત્ર : રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા

રાજ્યમાં ૧.૧૫ લાખથી વધુ ગુનાઓ દાખલ : ગુજરાતમાં ડ્રોન ફુટેજના આધારે હજુ સુધીમાં લોકડાઉન ભંગના ૧૦૩૯૧ ગુના નોંધી ૨૦૦૪૨ લોકોની ધરપકડ

અમદાવાદ,તા. : ગુજરાતને કોરોનાના સંક્રમણથી બચાવવા માટે અમલી લોકડાઉનના ચુસ્ત પાલન કરાવવાની સાથે રાજ્યની સલામતી, સુરક્ષા અને વિકાસ માટે પોલીસ વિભાગ કટિબદ્ધ છે. ઉનાળાના આકરા તાપમાં પણ કર્તવ્યનિષ્ઠ પોલીસ કર્મીઓ ચેકપોસ્ટ અને કંટેન્મેંટ વિસ્તારોમાં ખડે પગે ફરજ બજાવી રહ્યા છે તેમ રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ ગર્વભેર જણાવ્યું હતું. ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે તમામ નાગરિકોને શુભેચ્છઓ પાઠવતાં ઝાએ મુખ્યમંત્રીએ સુચવ્યા મુજબ દરેક નાગરિકોને માસ્ક પહેર્યા વિના ઘરની બહાર નીકળવા, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અને વારંવાર સાબુથી હાથ ધોવા ત્રણ સંકલ્પ લેવાની અપીલ કરતાં કહ્યું કે સાવચેતીને કોરોનાનું સંક્રમણ અટકાવવા માટેનું શસ્ત્ર બનાવી આપણે સૌ એક થઈને કોરોના સામે લડી રહ્યા છીએ.

         જેમાં અવશ્ય સફળ બની કોરોનાના સંક્રમણને હરાવીશું. લોકડાઉનના કડક અમલ માટે પોલીસદળની સાથે જીઆરડી, હોમગાર્ડસ જવાનો, એનસીસી કેડેટ્સ, એનએસએસના સ્વયંસેવકો તથા આરટીઓ અને વનવિભાગના અધિકારી-કર્મચારીઓ ખંતભેર ફરજ બજાવી રહ્યા છે તેનો ઉલ્લેખ કરી કોરોના સંક્રમણથી લોકોને બચાવવાના પ્રયાસોને સફળ બનાવવા નાગરિકોનો સહયોગ જરૂરી છે તેમ ઝાએ જણાવ્યું હતું. કોરોના સંક્રમણને અટકાવવામાં ફરજ પાલન દરમિયાન જે પોલીસ કર્મીઓ સંક્રમીત થયા હતા તેમાંથી કેટલાક જવાનો જરૂરી તબીબી સારવારથી કોરોનાને હરાવી સ્વસ્થ બનીને તાત્કાલિક પુનઃ ફરજ ઉપર હાજર થઈ પોતાની ફરજ પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવી સૌ માટે પ્રેરણારૂપ બન્યા છે તેમ ઝાએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યુ હતુ કે લૉકડાઉન દરમિયાન જાહેર સ્થળોએ ભીડ થતી હોય અને સોશિયલ ડિસ્ટેન્સિંગનો ભંગ થતો હોય તેવા બનાવોની ૧૦૦ નંબર કે પોલીસ કંટ્રોલરૂમને જાણ થતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

       ગઈકાલે ૧૦૦ નંબર પર મળેલા કોલને આધારે રાજ્યમાં ૮૨ ગુના દાખલ કરાયા છે. લૉકડાઉન દરમિયાન પોલીસ સહિતના કોરોના વોરિયર્સ ઉપર થતાં હુમલાઓને રાજ્યસરકાર અતિગંભીરતાથી લઈ આવા તત્વો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે એમ જણાવી ઝાએ અંગેની વિગતો આપતા  કહ્યું કે, સાબરકાંઠા  જિલ્લામાં હિંમતનગર ખાતે તા. ૨૮ માર્ચના રોજ પોલીસ કર્મી ઉપર થયેલા હુમલા સંદર્ભે એક આરોપી સામે, મોરબી જિલ્લાના હળવદ ખાતે તા.૧૯ એપ્રિલના રોજ પોલીસા ફરજમાં અવરોધ ઉભો કરી પોલીસ ઉપર થયેલા હુમલા સંદર્ભે એક આરોપી સામે ગુનો નોંધી તેની સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરીને જેલ ભેગા કરી દેવાયા છે. લોકડાઉન બાદ અત્યાર સુધી પોલીસ કર્મી ઉપર થયેલા હુમલા સંદર્ભે ૨૦ ગુના નોંધી ૪૬ હુમલાખોરો સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કોરોના : કડક કાર્યવાહી.....

અમૂલ પાર્લરે દંડ ચુકતવા સીલ કરાયું

અમદાવાદ,તા. : અમદાવાદ શહેરમાં કોરોના વાયરસની સ્થિતિ દિન પ્રતિદિન વધુ ગંભીર અને ભયાનક બનતી જાય છે. શહેરના વધુ ત્રણ વિસ્તારો ગોમતીપુર, સરસપુર અને અસારવા વિસ્તાર હવે કોરોના પોઝિટિવના કેસોને લઇ રેડ ઝોનમાં આવી ગયા છે. અમદાવાદમાં તા.૨૯ એપ્રિલની સાંજથી તા.૩૦ એપ્રિલની સાંજ સુધીમાં કોરોનાના ૨૪૯ પોઝિટિવ કેસ નોંધાયા અને ૧૨ના મોત થયા છે. અમદાવાદમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં કુલ દર્દી ૩૦૨૬ અને મૃત્યુઆંક ૧૪૯ થયો છે અને  ૪૧૨ દર્દી સાજા થયા છે.

બોડકદેવમાં આવેલા અમૂલ પાર્લરે દંડ નહી ભરતા સીલ

            આજથી શહેરમાં દુકાનદારો, ફેરિયાઓએ માસ્ક પહેરવું ફરજીયાત બન્યું છે. જે દુકાનદારોએ માસ્ક પહેર્યું હોય તેને રૂ. ૫૦૦૦નો અને ફેરિયાઓને રૂ. ૨૦૦૦ સુધીનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. જ્યારે સુપરમાર્કેટ્સને રૂ.૫૦ હજારનો દંડ ફટકારવાની જાહેરાત મ્યુનિસિપલ કમિશનરે કરી હતી. મ્યુનિસિપલકમિશનરની જાહેરાત બાદ જુદી જુદી ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકીંગ અભિયાન હાથ ધરાયું હતુંજે દરમ્યાન બોડકદેવમાં આવેલા અમૂલ પાર્લર પર નિયમોનો ભંગ કર્યાનું ધ્યાન પર આવતાં તેને દંડ ફટકારાયો હતો પરંતુ અમૂલ પાર્લર સંચાલક તરફથી દંડ નહી ભરાતા તેને તંત્ર દ્વારા સીલ મારવામાં આવ્યું હતું.

સોશિયલ ડિસ્ટન્સ નહિ જાળવે તો લાયસન્સ પણ રદ થશે

            મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા દુકાનદારોને માસ્ક પહેરવા અને જાગૃતિ લાવવા માટે લાઉડસ્પીકરથી જાહેરાત અને બેનરો લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. જો દુકાનદાર માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ નહિ જાળવે તો કોર્પોરેશન તેનું શોપ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળનું લાયસન્સ પણ રદ કરી શકે છે. આજે સવારથી કોર્પોરેશનની ટીમો ચેકિંગમાં નીકળી હતી અને વિવિધ વિસ્તારમાં લાઉડસ્પીકરથી દુકાનદારોએ માસ્ક પહેરવાની જાહેરાત કરવામાં આવી હતી. દુકાનદાર, શાકભાજી, ફેરિયાઓએ માસ્ક નહિ પહેર્યું હોય તેને દંડ ફટકારશે.

(9:49 pm IST)