Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

કોરોનાના કહેર વચ્ચે હેન્ડ સેનિટાઈઝર અસલી છે કે નકલી? : GTU ફાર્મસી વિભાગ કરશે પરિક્ષણ

આલ્કોહોલનું પ્રમાણ 60% - 95% હોય તો જ અસરકારક:નહિતર સ્વાસ્થ્ય જોખમાય અને મહામારીનો ફેલાવો વધે છે

અમદાવાદ: કોરોનાના કહેર વચ્ચે સેનિટાઇઝરનો ઉપયોગ વધ્યો છે ત્યારે હેન્ડ સેનિટાઇઝર WHOની ગાઈડલાઈન પ્રમાણે બનેલું છે કે કેમ ? આ સેનિટાઈઝર અસલી છે કે નકલી તેની ચકાસણી GTU કરશે. GTU ફાર્મસી વિભાગ દ્વારા હેન્ડ સેનિટાઈઝરની ચકાસણીના સંશોધનની પહેલ કરી છે. આગામી દિવસોમાં જો સરકારને આવી કોઈ આલ્કોહોલ બેઈજ હેન્ડ સેનિટાઇઝરની ચકાસણી કરવામાં મદદની જરૂર જણાશે તો જીટીયુ દ્વારા તમામ પ્રકારની મદદ કરવામાં આવશે. તેવું GTUના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠએ જણાવ્યું છે.
GTUને રિસર્ચ દરમિયાન જાણવા મળ્યું છે કે જો હેન્ડ સેનિટાઇઝરમાં આલ્કોહોલનું પ્રમાણ 60%-95% હોય તો જ અસરકારક રીતે કામ કરે છે.
કોવિડ-19 જેવી વૈશ્વિક મહામારીના સમયમાં પોતાના સ્વાથ્યનું ધ્યાન રાખવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા મૂળભૂત રક્ષણાત્મક પગલાની ભલામણ કરવામાં આવેલી છે. જેમાં સાબુથી હાથ ધોવા અથવા હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવાથી કોરોના વાઇરસ સામે લડવામાં અસરકારક રીતે મદદરૂપ થાય છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ)ની ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ ફાર્મસીના અધ્યાપકો દ્વારા હેન્ડ સેનિટાઇઝરની ગુણવત્તાની ચકાસણી બાબતે રીસર્ચ મેથડ વિકસાવી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા સૂચવવામાં આવ્યું છે કે, આલ્કોહોલ બેઈજ હેન્ડ સેનિટાઇઝરમાં જો આલ્કોહોલનું પ્રમાણ 60% - 95% હોય તો જ અસરકારક રીતે કામ કરીને વાઇરસનો નાશ કરવામાં મદદરૂપ થાય છે. જો આ પ્રમાણ ઓછું હોય તો, લોકોના સ્વાસ્થ્ય જોખમાય અને મહામારીનો ફેલાવો વધે છે.

(9:26 pm IST)