Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

એસવીપીના પેરામેડિકલ સ્ટાફની હડતાળ સમેટાઇ

મેડિકલ ચેકઅપ સહિતની માંગણીઓ ઉઠાવી હતી : સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા ભારે સમજાવટ, હૈયાધારણ બાદ પેરોમેડિકલ સ્ટાફની હડતાળ સમેટાતાં મોટી રાહત

 એસવીપી હોસ્પિટલમાં કામ કરતા પેરા મેડિકલ સ્ટાફ દ્વારા વિવિધ માગણીઓને લઇને હડતાળ કરવામાં આવી હતી. જોકે હવે આ હડતાળ સમેટાઈ ગઇ છે. કોરોના વાઇરસનની દહેશત વચ્ચે સ્ટાફ દ્વારા મેડિકલ ચેકઅપ સહિતની માગણીઓ કરવામાં આવી હતી જોકે આ માગણીઓ સ્વીકારાઇ ન હોવાના આક્ષેપ સાથે સ્ટાફ દ્વારા હડતાળ કરાઈ હતી. જે દરમિયાન હાજર પોલીસ અધિકારી અને તંત્રના સત્તાધીશોએ પોતાના તરફથી બનતા પ્રયાસો કરીને હોસ્પિટલના વિરોધ કરી રહેલા સ્ટાફને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેમના મેડિકલ ચેક સહિતની બાબતે યોગ્ય હૈયાધારણ આપી હતી. જેને લઇને આખરે પેરામેડિકલ સ્ટાફની હડતાળ સમેટાતાં તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. આજે સવારે હોસ્પિટલ ખાતે હડતાળ કરી રહેલા સ્ટાફ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સ્ટાફ દ્વારા રજૂઆત કરવા માટે હોસ્પિટલની અંદર જતી વખતે હાજર પોલીસ અધિકારીએ વિરોધ કરી રહેલા પેરા મેડિકલ સ્ટાફને સમજાવવાનો બનતો પ્રયાસ કર્યો હતો.

                પોલીસ અધિકારીએ વિરોધ કરી રહેલા સ્ટાફને ત્યાં સુધી સમજાવ્યા હતા કે, હું મારા ખર્ચે તમારા બધાનું મેડિકલ ચેક અપ કરાવીશ. એસવીપીના પેરા મેડિકલ સ્ટાફ દ્વારા  મેડિકલ ચેક અપ, ક્વોરન્ટીન લિવ સહિતની માગ કરવામાં આવી હતી. વિરોધ કરી રહેલા સ્ટાફ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવતા ઉચ્ચ અધિકારીઓએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તંત્ર દ્વારા સમગ્ર મામલે સમાધાન કરીને સ્ટાફની માગ સ્વીકારી લેવાઇ હતી. સાથે જ હોસ્પિટલના કામને રાબેતા મુજબ શરૂ કરવા પ્રયાસો હાથ ધર્યા હતા. પેરામેડિકલ સ્ટાફની હડતાળ સમેટાતાં તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

(8:48 pm IST)