Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

૨૫ લાખ ગ્રાહકને ઓનલાઇન રીફિલ બુકિંગથી લાભ મળે છે

આઈઓસીની ડિજિટલ ટેક્નોલોજીથી કામગીરી : ૩.૪૭ કરોડ પીએમયુવાય ગ્રાહકોના ખાતામાં પ્રથમ રીફિલની આરએસપીની ૨,૭૨૪ કરોડની રકમ જમાં

અમદાવાદ,તા.૧ :      હાલમાં સમગ્ર વિશ્વ કોવિડ-૧૯ મહામારી સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે ડિજિટલ ટેક્નોલોજી પરનું કંપનીઓનું અવલંબન સતત વધી રહ્યું છે. ઈન્ડિયન ઓઈલ માટે પણ ડિજિટલ ટેક્નોલોજી એક મહત્વનું આધારબિંદુ બની રહી છે જેના આધારે આવશ્યક ઈંધણનો પૂરવઠો ઉપલબ્ધ બનાવવાની સમગ્ર સંસ્થાની કામગીરી ન્યૂનતમ અવરોધ સાથે અસ્ખલિત રીતે ચાલી રહી છે. રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના છેલ્લાં ૩૭ દિવસોમાં કંપનીએ કામગીરીના બદલાયેલા માહોલ અને ગ્રાહકોની જરૂરીયાત સાથે અનુકૂળતા સાધવા માટે ઘણાં નવા ચાવીરૂપ પગલાં લીધાં છે. ઉદાહરણ તરીકે લોકડાઉનના સમયગાળામાં રાંધણ ગેસની માગમાં થયેલા તીવ્ર વધારાને પહોંચી વળવા માટે એલપીજી સપ્લાય અને ડિસ્ટ્રીબ્યુશનનું સોફ્ટવેર ઉત્કૃષ્ટ હોવું આવશ્યક છે. પોતાના ૧૩.૧૧ કરોડ એલપીજી ગ્રાહકો માટે ઈન્ડિયન ઓઈલે ઘરે બેઠાં રિફિલ બૂકિંગ માટે કેટલીક સરળ પદ્ધતિઓ અમલમાં મૂકી છે.

               જેમાં એસએમએસ-આઈવીઆરએસ, વોટ્સએપ, ડિજિટલ પેમેન્ટ મોબાઈલ એપ્સના માધ્યમથી વેબસાઈટ્સ તથા ઓનલાઈન રીફિલ બુકિંગનો સમાવેશ થાય છે. આ રીતે દરરોજ આશરે ૨૫ લાખથી વધુ ગ્રાહકો પોતાના ઘરે બેઠાં બેઠાં રીફિલ બુકિંગ કરાવી ઘરઆંગણે એલપીજીની ડિલિવરીનો લાભ મેળવી રહ્યાં છે. જેના પરિણામે લોકડાઉનના આ સમયગાળા દરમિયાન રાજ્ય/જિલ્લા વહીવટીતંત્ર તથા કાનૂની સત્તામંડળો પરનો લોકો પર નિયંત્રણ રાખવાના ભારમાં ઘટાડો થયો છે. કોવિડ-૧૯ની મહામારીના આ સમયમાં ચલણી નોટોના માધ્યમથી રોકડ ચૂકવણી કરવાના બદલે કંપની તેના ગ્રાહકોને એલપીજી માટે ડિજિટલ ચૂકવણી કરવા પ્રોત્સાહિત કરી રહી છે. એલપીજી ઈમરજન્સી હેલ્પલાઈન નંબર ૧૯૦૬ પણ કાર્યરત રખાયો છે. ઈન્ડિયન ઓઈલના વિતતરકો બીપીએલ પરિવારો માટે પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના (પીએમયુવાય) હેઠળ રીફિલની અગ્રતાના ધોરણે ડિલિવરી કરી રહ્યાં છે, જેમના માટે ભારત સરકારે ૩ (ત્રણ) નિઃશુલ્ક એલપીજી રીફિલ સુવિધાની સમયમર્યાદા વધારીને એપ્રિલ, મે, તથા જૂન,૨૦૨૦ કરી છે.

          પીએમયુવાયના અમલીકરણ માટે વિકસાવાયેલા ઉત્કૃષ્ટ સોફ્ટવેરની મદદથી કંપનીએ ૩.૪૭ કરોડ પીએમયુવાય ગ્રાહકોના ખાતામાં પ્રથમ એલપીજી રીફિલની આરએસપીની રૂ. ૨,૭૨૪ કરોડની રકમ ગણતરીના દિવસોમાં જ જમાં કરાવી દીધી હતી. ગ્રાહકો માટે ઈ-રિસિપ્ટ્સ અને સોફ્ટવેરમાં ઈનવોઈસ રજિસ્ટર એ અન્ય સંશોધનો છે. ઈંધણનો પુરવઠો, ખાસ કરીને પરિવારો માટે એલપીજી તથા આવશ્યક/ ઈમરજન્સી / એક્ઝમ્પટેડ સેવાઓ માટે રાષ્ટ્રવ્યાપી ૬૦૦થી વધુ સ્થળોની મદદથી પેટ્રોલ અને ડીઝલ પૂરું પાડવાના મહત્વને ધ્યાનમાં રાખીને ઈન્ડિયન ઓઈલ તેના એસએપી ઈઆરપી સોફ્ટવેર સહિત તમામ બિઝનેસ ક્રિટિકલ એપ્લિકેશન્સ માટે તેના તમામ ડેટા સેન્ટર્સ ૧૦૦ ટકા અપટાઈમ સાથે ૨૪ટ૭ કલાક ચાલુ રાખે છે. ઈન્ટીગ્રેટેડ રિટેલ ઓટોમેશન સિસ્ટમની મદદથી કંપનીના ૨૧,૫૦૦થી વધુ ઓટોમેટેડ ફ્યુઅલ સ્ટેશન સાથે રિઅલ ટાઈમ મોનિટરિંગ તથા ડેટા ટ્રાન્સફરની કામગીરી થાય છે.

(8:47 pm IST)