Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

જીવરાજપાર્ક : પાન મસાલાનું વેચાણ કરતાં ત્રણની ધરપકડ

પાન, મસાલા સહિત ૧.૨૬ લાખનો મુદ્દામાલ જપ્ત : વેજલપુર પોલીસે આરોપીઓ વિરુદ્ધ જાહેરનામાનો ભંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબની કાર્યવાહી કરી

અમદાવાદ,તા.૧ :   લોકડાઉનમાં જો સૌથી વધુ તકલીફ થઈ રહી હોય તો તે પાન મસાલા અને સિગારેટના બંધાણીઓને થઈ રહી છે. પાન મસાલા મેળવવા માટે તેઓ નતનવી યુક્તિ પ્રયુક્તિ અપનાવી રહ્યા છે તેમ છતાં કેટલાક લોકો પોલીસના હાથે ઝડપાઈ જાય છે. તો બીજી તરફ કેટલાક વેપારી ઓ છે કે જે ગરજનો લાભ ઉઠાવી ને બમણા ભાવ વસૂલી રહ્યા છે. ગઇકાલે જીવરાજ પાર્કમાં એક વ્યક્તિ પ્રોવિજન સ્ટોરની આડમાં પણ મસાલાનું વેચાણ કરી રહ્યો હોવાની જાણ થતાં જ વેજલપુર પોલીસે ત્રણ આરોપીઓને પકડી રૂ.૧ લાખ, ૨૬ હજારનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. જેને લઇ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.

            પાન મસાલાના ગેરકાયદે વેચાણ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં એક જાગૃત નાગરિકે ફોન કરીને જાણ કરી હતી કે, તેમની સોસાયટી માં કોરોના પોઝિટિવ કેસ હોવા છતાં પાન મસાલા નું વેચાણ થઈ રહ્યું છે. જેથી પોલીસે મોરારજી પાર્ક નજીક આવેલ આશિષ પ્રોવિઝન સ્ટોરમાં તપાસ કરી હતી. જેમાં પોલીસને પાન મસાલા અને સિગારેટનો રૂ.૧ લાખ ૨૬ હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો. અનિલ પટેલ નામનો વ્યક્તિ પ્રોવિઝન સ્ટોરની આગળ પાન મસાલા નું વેચાણ કરતો હતો. પોલીસે આ સાથે અન્ય બે વ્યક્તિઓને પણ રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ વિરુદ્ધમાં જાહેરનામાનો ભંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી. પોલીસની કાર્યવાહીને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.

(8:47 pm IST)