Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

રાજ્યની દરેક નગરપાલિકાઓ નિયમીત રીતે સેનીટાઇઝેશન કામગીરી આયોજનબદ્ધ રીતે ઉપાડે: મુખ્યમંત્રીની નગરપાલિકા પ્રમુખોને તાકીદ

૧૬૨ નગરોના પ્રમુખ-ઉપપ્રમુખ સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજતા મુખ્યમંત્રી રૂપાણી : નગરોમાં અવરજવરનું મૂવમેન્ટ રજીસ્ટર નિભાવો:નવી આવનારી વ્યકિતની પુરતી ચકાસણી કરો: માસ્ક ન પહેરનારા-જાહેરમાં થૂંકનારા-કચરો ફેકનારા લોકો સામે કડક દંડની કાર્યવાહિ કરો

અમદાવાદ :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની નગરપાલિકાઓના વિસ્તારોમાં કોરોના વાયરસના સંક્રમણના નવા કેસ ઊભા ન થાય તે માટે કડક પગલાં લઇ પોતાની મ્યુનિસિપાલિટી કોરોના મુકત રાખવા નગરપાલિકા પ્રમુખોને તાકિદ કરી છે.મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના ૬૦માં સ્થાપનાદિન અવસરે ૧૬ર નગરપાલિકાના પ્રમુખો-ઉપપ્રમુખો તેમજ સ્થાયી સમિતિ અધ્યક્ષો અને ચીફ ઓફિસરો સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ યોજી હતી.તેમણે જે નગરપાલિકાઓ સંક્રમિત કેસો ધરાવતી મહાનગરો કે નગરપાલિકાઓની હદને અડીને આવેલી છે ત્યાં બહારના કોઇ વ્યકિત આવીને સંક્રમણ ન ફેલાવી જાય તેની ખાસ કાળજી લેવા સૂચનાઓ આપી હતી.

   આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, નગરમાં અવર-જવર કરતી વ્યકિતઓનું મૂવમેન્ટ રજીસ્ટર નિભાવાય તથા કોઇ પણ નવી વ્યકિત આવે તો તેની પૂરતી ચકાસણી થાય તે જરૂરી છે.
મુખ્યમંત્રીએ કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું અટકાવવા પ્રિવેન્ટીવ કેર તરીકે નગરોમાં વોર્ડ વાઇઝ આયુર્વેદ ઉકાળા વિતરણ ઉપરાંત હોમિયોપેથીની કે અન્ય આયુર્વેદ દવાઓ જે રોગ પ્રતિકારક શકિત વધારવા ઉપયોગી છે તેનું વિતરણ આયોજનનું ૧પ દિવસનું પ્લાનીંગ કરવા પણ સુચન કર્યુ હતું.
  તેમણે નગરપાલિકાના વોર્ડ દિઠ વૃદ્ધો-વયસ્કો અને ગંભીર બિમારી વાળા વ્યકિતઓની યાદી પણ આરોગ્ય સંભાળ-સુરક્ષા રૂપે તૈયાર કરવા જણાવ્યું હતું.
  મુખ્યમંત્રીએ કોરોના વાયરસ સંક્રમણની હાલની સ્થિતીમાં દરેક નગરપાલિકા નિયમીત સેનિટાઇઝેશન કામગીરી આયોજનબદ્ધ રીતે ઉપાડે તેવો અનુરોધ કર્યો હતો.વિજયભાઇ રૂપાણીએ બોટાદ, થાનગઢ, ખંભાત, ભરૂચ, બાલાસિનોર, કનસાડ, ડભોઇ, છોટાઉદેપુર, નડિયાદ અને ગોધરા વગેરે નગરોના પ્રમુખો સાથે સંવાદ કરીને તેમના નગરોમાં કોરોના વાયરસ સંક્રમિતોની સ્થિતી, સારવાર સુવિધા, સેનિટાઇઝેશન, માસ્ક વિતરણ સહિતની કામગીરીની વિગતો મેળવી હતી.
   મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, નગરોમાં માસ્ક ન પહેરનારાઓ જાહેરમાં થૂંકવા, કચરો નાંખવા જેવી કાર્યવાહી સામે કડક દંડ નગરપાલિકાઓ વસુલ કરવાની વ્યવસ્થાઓ ગોઠવે. તેમણે નગરપાલિકાઓના બાંધકામ પ્રોજેકટસ મંજૂરી લઇને શરૂ કરવાની તાકીદ કરતાં કહ્યું કે, આવા કામો શરૂ થવાથી શ્રમિકોને રોજગારી મળતી થશે.
મુખ્યમંત્રીએ નગરોમાં પ્રેકટીસ કરતા ખાનગી તબીબો પણ પોતાના કલીનીકસ હવે શરૂ કરે તેવી વ્યવસ્થાઓ માટે પ્રમુખોને અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીના અગ્ર સચિવ એમ. કે. દાસ અને ઓ.એસ.ડી. ડી.એચ. શાહ આ વિડીયો કોન્ફરન્સ બેઠકમાં જોડાયા હતા.

(8:15 pm IST)