Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

વડગામ તાલુકાના ઇસ્લામપુરામાં આશાવર્કરના પતિ સહીત ચાર શખ્સો પર ટોળાએ જીવલેણ હુમલો કરતા ગુનો દાખલ

વડગામ:તાલુકાના ઈસ્લામપુરા ડેરી આગળ મોટી સંખ્યામાં લોકડાઉનનો ભંગ કરી ટોળું એકત્રિત થતાં ત્યાંથી પસાર થઈ રહેલ આશાવર્કરે માસ્ક પહેરવા સહિત સોશ્યલ ડિસ્ટન્સીંગ રાખવાનું કહેતા ઉશ્કેરાયેલા ટોળાએ આશાવર્કરના પતિ સહિત ચાર શખસ ઉપર ધારીયા તેમજ પાઈપો વડે હૂમલો કરી લોહી-લુહાણ કરતા ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જોકે આશાવર્કરે હૂમલો કરનાર ૧૫ ઈસમો વિરુદ્ધ નામજોગ તેમજ ૨૦થી ૨૫ના ટોળા સામે વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ બુધવાર રાત્રે વડગામ જનીક આવેલ ઈસ્લામપુરા ગામે ડેરી આગળ મોટી સંખ્યામાં મુસ્લીમ સમાજના લોકોનું ટોળું લોકડાઉનનો ભંગ કરી એકત્રિત થયું હતું. તે દરમિયાન ત્યાંથી ગામમાં આશાવર્કર તરીકે ફરજ બજાવતા શુભરાબેન યાસીનભાઈ ચૌધરી ટોળાનો ફોટો પાડી લોકડાઉન હોઈ દૂર દૂર ઉભા રહેવા અને માસ્ક પહેરવાની સૂચના આપતાં ઉશ્કેરાયેલા ટોળાએ આશાવર્કરને ઘેરી ભૂંડી ગાળો બોલતાં હોબાળો થતાં આશાવર્કરના પતિ યાસીનભાઈ, અયુબભાઈ દાઉદભાઈ, અલીહુસેન રહીમભાઈ તેમજ સમીમબેન વચ્ચે પડી છોડાવવા જતાં તેમજ ગાળો બોલાવાની ના પાડતા ધારીયું સહિત લોખંડની પાઈપો વડે ફટકારતા ગંભીર ઈજાઓ પહોંચાડતા તાત્કાલિક ૧૦૮ દ્વારા સારવાર હેઠળ વડગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે ઈસ્લામપુરામાં મારામારી થયાના સમાચાર મળતાં વડગામ પીએસઆઈ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન શુભરાબેન યાસીનભાઈ ચૌધરીએ ૧૫ શખસો વિરુદ્ધ નામજોગ તેમજ ૨૦થી ૨૫ના ટોળા સામે વડગામ પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી.

(5:21 pm IST)