Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

આજે ગુજરાતનો સ્‍થાપના દિવસઃ ગુજરાત રાજ્યની સ્થાપના પાછળ મહાગુજરાત આંદોલનનો સિંહ ફાળોઃ રસ્‍તા ઉપર ખાંભી ઉભી કરીને લોકોની લાગણીને વાંચા આપી હતી

અમદાવાદઃ આજે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે. 1 મે 1960માં બૃહદમુંબઈમાંથી અલગ પડીને ગુજરાતની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ ગુજરાતને અલગ રાજ્ય બનાવવા માટે એક લાંબો સંઘર્ષ કરવો પડ્યો હતો. જે આંદોલનને આપણે મહા ગુજરાત આંદોલન તરીકે ઓળખિએ છીએ. પરંતુ તેમાં ખાંભી સત્યાગ્રહનું પણ ખુબ મહત્વ રહેલું છે. આજે ગુજરાતના સ્થાપના દિવસે આપણે જાણીએ શું છે ખાંભી સત્યાગ્રહ..

ખાંભી સત્યાગ્રહ

ગુજરાત રાજ્યની સ્થાપના પાછળ મહાગુજરાત આંદોલનનો મોટો ફાળો રહ્યો હતો. પરંતુ 956માં શરૂ થયેલા આ આંદોલનને વેગ આપવાનું કામ ખાંભી સત્યાગ્રહે કર્યું હતું. નવલોહિયા યુવાનોએ સરકારની જાણ બહાર રસ્તા પર ખાંભી ઉભી કરી લોકોની લાગણીને સાંકેતિક રીતે વાચા આપી હતી. માટે એ સત્યાગ્રહ ખાંભી સત્યાગ્રહ તરીકે જાણીતો બન્યો છે. આ સત્યાગ્રહ ૨૨૬ દિવસ સુધી ચાલ્યો હતો અને અંતે સરકારે ઝુકવું પડયું હતુ.

આખરે સરકાર ઝુકી

ભારતમાં ભાષાના આધારે રાજ્યોની રચના કર્યા બાદ ગુજરાત બૃહદમુંબઈ રાજ્યનો એક ભાગ હતું. પરંતુ ગુજરાતીઓ ગુજરાતી ભાષા બોલતા લોકો માટે એક અલગ રાજ્યની માગ કરી રહ્યાં હતા. પરંતુ સરકારે મહારાષ્ટ્ર-ગુજરાતને ભેગા કરીને એક રાજ્ય જાહેર કરી દીધું હતું. બીજી તરફ ગુજરાતી પ્રજા ગુજરાતને અલગ રાજ્ય તરીકે જોવા માંગતી હતી. માટે 1956માં જ નાના પાયે આંદોલનની શરૂઆત થઈ હતી. ઈન્દુલાલ યાજ્ઞિાક, ભાઈકાકા વગેરેએ આગેવાની લેવાની શરૂઆત કરી પછી આંદોલને મોટું સ્વરૂપ ધારણ કર્યું અને છેવટે મહાગુજરાત આંદોલન તરીકે પ્રસિદ્ધિ પામ્યું.

આ માટે કોલેજના વિદ્યાર્થીઓ 1956ની 7મી ઓગસ્ટે તે વખતના કોંગ્રેસ હાઉસ ખાતે કોંગ્રેસી નેતાઓને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકો હતા, પરંતુ સામે છેડે હાથમાં રાઈફલ હતી. રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થીઓ પર ગોળીઓનો વરસાદ કરવામાં આવ્યો હતો. આ ગોળીબારમાં સુરેશ જયશંકર ભટ્ટ, પુનમચંદ વીરચંદ અદાણી, કૌશિક ઈન્દુલાલ વ્યાસ અને અબ્દુલભાઈ પીરભાઈ વસા એમ ચાર વિદ્યાર્થી શહીદ થયા હતા.

આ ગોળીબારની ઘટના બાદ લોકો રોષે ભરાયા હતા. ત્યારબાદ કોંગ્રેસના મોટા નેતા મોરારજી દેસાઈ અમદાવાદ આવ્યા તો લોકોએ સ્વયંભૂ કર્ફ્યૂ પાળીને મોરારજીભાઈની નેતાગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો. ઈન્દુચાચા સહિત તમામ લોકો આ વિદ્યાર્થીઓની શહીદીથી વ્યથિત હતા. ત્યારબાદ ઈન્દુચાચાએ કોંગ્રેસ ભવનના ઓટલા પર શહીદ સ્મારક મુકલાની જાહેરાત કરી હતી. તેની કામગીરી યુવાનોને સોંપવામાં આવી હતી. કડિયાનાકામાંથી ધ્રાંગધ્રાની ઘંટીના પથ્થરો મેળવી તેના પર પ્લાસ્ટર ઓફ પેરિસની મશાલ ગોઠવી સ્મારક તૈયાર કરવામાં આવ્યું હતું. નક્કી થયા પ્રમાણે 1958ની 7મી ઓગસ્ટે રાતે યુવાનોએ અમદાવાદના ભદ્ર વિસ્તારમાં આવેલા જૂના કોંગ્રેસ ભવન બહાર આવેલી ઓટલી તોડી નાખી જગ્યા સાફ કરી નાખી. બીજા દિવસે 8મી ઓગસ્ટે હજારો માણસોની હાજરીમાં ઈન્દુલાલે ત્યાં ખાંભી ગોઠવી દીધી હતી. યુવાનો દ્વારા ચણતર કરી લેવામાં આવ્યું અને એ પછી સત્યાગ્રહને ખાંભી સત્યાગ્રહ નામ આપવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના ઈતિહાસમાં આ ખાંભી સત્યાગ્રહનું મહત્યનું યોગદાન છે.

ખાંભી ગોઠવાઈ જવાથી લોકોનો જુસ્સો પણ વધી ગયો હતો. ત્યારબાદ સરકારે રાતોરાત તે સ્મારક ત્યાંથી હટાવી દીધું હતું. જેથી આજે તે સ્મારક ત્યાં નથી. ત્યારબાદ નવું સ્મારક બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાગુજરાત આંદોલનને વેગ મળ્યો અને લોકો જોડાયા હતા. કુલ 226 દિવસ સુધી આ ખાંભી સત્યાગ્રહ ચાલ્યો હતો. છેવટે મહાગુજરાત આંદોલનને મજબૂતી મળતા સરકાર ઝુકી અને બે વર્ષ પછી 1960માં ગુજરાતને બૃહદમુંબઈથી અલગ કરી દેવામાં આવ્યું હતું.

(4:40 pm IST)