Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

પુરવઠા વિભાગનો વિક્રમ : ૧ માસમાં ૧૮૧ લાખ પરિવારોને અનાજ વિતરણ

બી.પી.એલ.ના ૬૮ લાખને બે વખત અને એ.પી. એલ.ના ૪પ લાખને એક વખત લાભ મળ્યો

રાજકોટ, તા., ૧: ગુજરાત સરકારે કોરોનાની પરિસ્થિતિમાં એપ્રિલ મહિનામાં એક સાથે ૩ વખત ગરીબ અને મધ્યમ વર્ગને વિનામુલ્યે અનાજ વિતરણ કરી ઇતિહાસ સર્જી દીધો છે. સામાન્ય રીતે આખો મહિનો અનાજ વિતરણ કાર્ય ચાલતુ હોય છે પરંતુ અત્યારની વિકટ પરિસ્થિતિમાં પાંચ પાંચ દિવસમાં બીપીએલ અને એપીએલ કાર્ડ ધારકોને અનાજ વિતરણ કરી નાગરિક પુરવઠા વિભાગે તીવ્ર ઝડપનું અને કાર્યક્ષમતાનું  ઉદાહરણ પુરૂ પાડયું છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર, વિભાગના સચિવ મોહમ્મદ શાહીદ તથા નિયામક તુષાર ધોળકિયા અને તેમની ટીમે કામગીરી સારી રીતે પાર પાડી છે. નાગરિક પુરવઠા નિગમના જનરલ મેનેજર સંજય મોદી, શ્રી રાણા, શ્રી દેશમુખ અને તેમના સાથીદારો આ કામગીરીમાં સહયોગી બન્યા છે. વિભાગના કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા અને રાજયકક્ષાના મંત્રી હકુભા જાડેજાએ વખતોવખત માર્ગદર્શન પુરૂ પાડયું છે.

સરકાર દ્વારા એપ્રિલના પ્રારંભે ૬૮ લાખ બીપીએલ કાર્ડ ધારક પરીવારોને ઘઉં, ચોખા, ખાંડ, નિમક વગેરેનું વિતરણ કરાયેલ.  એપ્રિલ મધ્યે એપીએલ-૧ના ૬૧ લાખ પરીવારોને ઘઉં, ચોખા, ખાંડ, દાળ વગેરે અપાયેલ. તેનો ૪પ લાખ પરીવારોએ લાભ લીધો હતો. એપ્રિલ ઉતરાર્ધમાં કેન્દ્રના કવોટાના ઘઉં, ચોખાનું ફરી બીપીએલ કાર્ડ ધારકોને વિતરણ કરવામાં આવેલ. આમ સરકારની ચીજવસ્તુઓ બે વખત ૬૮-૬૮ લાખ અને એક વખત ૪પ લાખ પરીવારો સુધી પહોંચેલ.  કુલ આંકડો ર કરોડની નજીક પહોંચે છે. ફરી એપીએલ-૧ માટે ૯ મેથી વિતરણ કરવાનું સરકારે જાહેર કરી દીધું છે. બીપીએલ કાર્ડ ધારકોના ખાતામાં રૂ. એક-એક હજાર જમા કરવાનું કાર્ય પણ પુરવઠા વિભાગે કર્યુ છે.  રાજયમાં સસ્તા અનાજની ૧૭ હજાર જેટલી દુકાનો છે. સરકારના નિર્ણયથી માંડી જીવન જરૂરી વસ્તુઓ લાભાર્થીના હાથમાં પહોંચતા સુધીમાં અનેક લોકોની જહેમતે રંગ પુર્યો છે.

(4:02 pm IST)