Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

અમદાવાદની સિવિલમાં કોરોનાના દર્દીઓને અપાતી હર્બલ ચા- ઉકાળો- ડાયટ પ્લાનવાળુ ભોજન

સૂંઠ- મરી- તજ- ફૂદીનો- લીંબુ- કાળી દ્રાક્ષ- દેશી ગોળના મિશ્રણ યુકત આયુર્વેદીક ચા પીવાથી રોગ પ્રતિકારક શકિતમાં વધારો થાય

અમદાવાદઃ ભારત સરકારના આયુષ  દ્વારા આ વાયરસનો સામનો કરવા તેમજ તેના સંક્રમણને કાબૂમાં લેવાના હેતુસર કોવિડ- ૧૯ના દર્દીઓની રોગપ્રતિકારક શકિતમાં વધારો કરવા માટે તેમને દરરોજ હર્બલ ટી આપવાનું સૂચવવામાં આવ્યું છે. જેના અનુસંધાને રાજય સરકારની સૂચનાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા કોવિડ- ૧૯ની સારવાર લઈ રહેલા ૯૩૨ જેટલા દર્દીને સૂંઠ, મરી, તજ, ફુદીનો, લીંબુ, કાળી દ્રાક્ષ અને દેશી ગોળના મિશ્રણયુકત આયુર્વેદિક ચા- હર્બલ ટીનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.

રાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં કોવિડ-૧૯ની હોસ્પિટલો શરૂ કરવામાં આવી છે, ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પણ ૧૨૦૦ બેડની અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જયાં હાલ ૯૩૨ જેટલા દર્દીઓને નોવેલ કોરોના વાયરસની સારવાર આપવામાં આવી રહી છે. આ તમામ દર્દીઓને એલોપેથીની સારવારની સાથોસાથ તેમની રોગપ્રતિકારક શકિતમાં વધારો કરવા માટે (દશમૂલ કવાથ + પથ્યાદિ કવાથ) ૪૦ મિલી તેમજ એક ગ્રામ ત્રિકટુ મિશ્રિત ઉકાળો સવાર-સાંજ આપવામાં આવી રહ્યો છે. ઉપરાંત, દર્દીઓ માટે નિયત ડાયેટ પ્લાન પણ લાગુ કરવામાં આવ્યો છે. જેથી તેમની રોગપ્રતિકાર શકિતમાં શકય તેટલી ઝડપથી વધારો કરી શકાય. આ સિવાય વધારાની તકેદારીના ભાગરૂપે હર્બલ ચાનું વિતરણ પણ શરૂ કરવામાં આવ્યું છે. રાજયના અન્ય નાગરિકો પણ પોતાના ઘરે આ હર્બલ ટીનું સેવન કરીને રોગપ્રતિકારક શકિતમાં વધારો કરી શકે છે.

તમારા ઘરે હર્બલ ટી કેવી રીતે બનાવશો?

૧૦૦ મી.લી. ચા માટે

તજ-૧ ગ્રામ, મરી-૩ નંગ, સૂંઠ-૧ ગ્રામ, મુન્કા (કાળી) દ્રાક્ષ-૧૦ નંગ, તુલસી/ ફુદીનાનાં પાન- ૨૦નંગ, દેશી ગોળ- ૫ ગ્રામ, લીંબુ- અડધી ચમચી

(3:50 pm IST)