Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

અમદાવાદમાં જરૂરી કામ માટે નિકળેલા એકલ-દોકલ સદગૃહસ્થો, સિનીયર સીટીઝનોને પોલીસ પકડી લે છે!

આશીષ ભાટીયાજી, લોકડઉનમાં જ નહિ સામાન્ય દિવસોમાં પણ અમે કાયદા પાલનના આગ્રહી લોકો છીએ, અમારી સાથે આવુ વર્તન યોગ્ય ગણાય ?

રાજકોટ, તા., ૧: અમદાવાદ ગુજરાતનું  રેડ ઝોન જાહેર થયેલું શહેર છે. અહિંયા બદનશીબે કોરોનાના સૌથી વધુ કેસ બહાર આવી રહયા છે. વાયરસથી ભોગ બનનારા લોકોની સંખ્યા પણ આંકડાની દ્રષ્ટિએ વધુ છે. તંત્ર અને લોકો આ મહામારીનો સામનો કરી રહયા છે. અમદાવાદના જુના કોર્ટ વિસ્તારમાંથી બહાર આવી વધુ કેટલાક વિસ્તારોમાં કોરોનાના કેસો વધ્યા છે. જેને લઇને આજે મ્યુનિસીપલ કમિશ્નર વિજય નહેરાએ વધુ કેટલાક વિસ્તારોનો રેડ ઝોનમાં સમાવેશ કર્યો છે. આમ જોઇએ તો  અમદાવાદના નવા અને વિકસીત વિસ્તારોમાં કોરોના પ્રસર્યો નથી તેનું કારણ આ વિસ્તારમાં વસતા લોકોની જાગૃતી પણ છે. આ વચ્ચે કોરોનાની આછી પાતળી અસર પણ નથી તેવા વિસ્તારોમાં કયાંક કયાંક પોલીસ સદગૃહસ્થો અને સિનીયર સીટીઝનો સાથે બેહુદુ વર્તન કરી, અટકાયત કરી પોલીસના ડબ્બામાં (સોશ્યલ ડીસ્ટન્સીંગનો સરેઆમ ભંગ કરી) પોલીસ સ્ટેશને લઇ જઇ ગુન્હો નોંધતી હોવાની ફરીયાદો ઉઠી છે.

આ દરમિયાન કોઇ મોટો ગુન્હો કર્યો હોય તેમ ફોન ઉપર વાત કરવા દેવાતી નથી?! કલાકો સુધી આવા બુઝુર્ગો, વેપારીઓ, સામાન્ય લોકોના પરીવારજનો ઉચક જીવે રહે છે. પાછળથી તેમના આપ્તજનોને પોલીસે પકડી લીધાનું જાણે છે ત્યારે કદી ન વિચાર્યુ હોય તેવો શોક અનુભવે છે.

બેશક મહામારીથી અછુતા રહેલા એસજી હાઇવે અને તેના આસપાસના વિસ્તારોમાં પોલીસ એલર્ટ રહે તે જરૂરી છે.  પરંતુ નિયમ-કાયદા પાલનનો અતિરેક થાય  તે યોગ્ય નથી. અમદાવાદમાં પોલીસ સારા લોકોને અને બુઝુર્ગોને જાહેરનામાના ભંગ, એપીડેમીક એકટ ભંગ બદલ પકડી લઇ ગુન્હેગારની જેમ પોલીસના ડબ્બામાં પોલીસ સ્ટેશને ઉપાડી જાય છે અને ગુન્હાઓ નોંધી રહી છે. આવા લોકો છુટાછવાયા કોઇ કામસર નિકળ્યા હોય ત્યારે તેમને પકડી લેવામાં આવે છે. જેનાથી લોકોમાં રોષ વ્યાપ્યો છે.

ગઇકાલે જ બનેલા એક બનાવમાં એસજી હાઇવે પરની સાંગ્રીલા રેસીડેન્સીમાં રહેતા એક ઉચ્ચ શિક્ષિત પરીવારના પુરૂષ સભ્યને ગુન્હેગારની માફક પોલીસના ડબ્બામાં બેસાડી દેવાય છે. લોકડાઉન જાહેર થયું ત્યારથી આ સદગૃહસ્થ તમામ નિયમો પાળતા આવ્યા છે. તેમના શ્રીમતીજીએ કહયું કે આજે સોસાયટીમાં લટાર (વોક) મારવા નિકળો ત્યારે સોસાયટીના દરવાજે આવેલી ડેરી પર જઇ દુધવાળાને સાંજે નહિ સવારે આવજો, તેમ કહેતા આવજો. પેલા ભાઇ શ્રીમતીજીની સુચના આપવા ગયા અને સાથે સાથે થોડા મીટરના અંતરે આવેલા મેડીકલ સ્ટોરમાં પોતાની બ્લડ પ્રેશરની દવા લેવા જઇ રહયા હતા. હજુ થોડા ડગલા ચાલ્યા ત્યાં  પોલીસની જીપ આવી ઉભી રહી ગઇ અને ધડાધડ ઉતરેલા જમાદાર અને પોલીસમેનોએ તોછડાઇ ભરી આદેશાત્મક ભાષા વાપરી 'કાયદાનો ભંગ કરવા નિકળી પડયા છો?' તેમ કહી પાછળ આવી ઉભેલી પોલીસ વાન (ડબ્બા)માં બેસાડી દીધા. આગળ જતા-જતા બીજા પાંચ-છ લોકો જેમાં સિનીયર સીટીઝન પણ હતા તેમને પણ આવી જ રીતે બેસાડી દીધા.

આ ડબ્બો સોલા પોલીસ સ્ટેશને ઉભો રહે છે. સદગૃહસ્થ અને સમજુ લોકો પોતે દુધ-દવા જેવા જરૂરી કામ માટે નિકળ્યા છે તેવો ખુલાસો પોલીસ ઇન્સ્પેકટરને કરે છે, પરંતુ સાંભળે કોણ?

આ તમામના દિલ દુભાય તેવી ભાષાનો પોલીસ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. કલાકો પછી જામીન પર છોડવામાં આવે છે! પોતાના વયોવૃધ્ધ પતિ માટે ધ્રુજતા શરીરે જામીન આપવા આવેલા વૃધ્ધાને જોઇ સૌ કોઇને અરેરાટી થાય છે પરંતુ 'ખાખી'ના જક્કી વલણ પાસે કરે પણ શું? 

મોટા ભાગે ટાર્ગેટ પુરો કરવા માટે થતા આવા કેસો ખરેખર કરવા જોઇએ? આ લોકો સોશ્યલ ડીસ્ટન્સીંગનો ભંગ કરી ટોળ-ટપ્પા મારતા હોય, માસ્ક ન પહેરી ચેપ ફેલાય તેવી રીતે આમ-તેમ હરતા ફરતા હોય તો પોલીસ તેમની સામે પગલા લે તે બરોબર, પણ આવી એકેય હરકત ન કરી હોવા છતા તેમની સાથે આવુ બેહુદુ વર્તન પોલીસ કરે તે કેટલા અંશે વ્યાજબી? ભોગ બનનાર એક પરીવારે તો પોલીસ કમિશ્નર આશીષ ભાટીયાને સંબોધી વેધક પ્રશ્ન પણ કર્યો...  સાહેબ, લોકડાઉનમાં જ નહિ સામન્ય દિવસોમાં પણ અમે કાયદા પાલનના આગ્રહી લોકો છીએ, તમારા માતા-પિતા સાથે આવુ વર્તન થાય તો?

(3:49 pm IST)