Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

અમદાવાદ, સુરત સહિત રેડ ઝોનમાં આવતા નવ જિલ્લામાં ત્રીજી મે પછી પણ નિયંત્રણો ચાલુ રહેશે?

ત્રીજી મે પછી ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં આવતા જિલ્લામાં છૂટછાટ અપાઈ શકે છે

નવી દિલ્હી, તા.૧: લોકડાઉન ખૂલવાને હવે માંડ બે દિવસ બાકી રહ્યા છે. તે પહેલા કેન્દ્ર સરકારે દેશના દરેક રાજયોના જિલ્લાની એક યાદી બહાર પાડી પાડી છે. જેમાં કોરોનાના હાલના કેસ અનુસાર જે-તે જિલ્લાને રેડ, ઓરેન્જ કે ગ્રીન ઝોનમાં મૂકવામાં આવ્યો છે. એવી અટકળો છે કે, ત્રીજી મે પછી ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં આવતા જિલ્લામાં છૂટછાટ અપાઈ શકે છે, જયારે રેડ ઝોનમાં આવતા જિલ્લામાં નિયંત્રણો ચાલુ રહી શકે છે.

ગુજરાત કેટલા જિલ્લા રેડ ઝોનમાં?

રાજયમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ધરાવતા જિલ્લા રેડ ઝોનમાં મૂકાયા છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, ભાવનગર, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાનો સમાવેશ થાય છે. આ નવ જિલ્લામાં ઓરેન્જ કેટેગરીમાં આવતા જિલ્લાની સરખામણીમાં કેસ તો વધારે છે જ, પરંતુ અમદાવાદ, વડોદરા અને સુરત જેવા જિલ્લામાં તો તેમાં સતત વધારો પણ થઈ રહ્યો છે.

રેડ ઝોનમાં ત્રીજી મે પછી શું થઈ શકે?

અમદાવાદની જ વાત કરીએ તો, સિટી વિસ્તારમાં સૌથી વધુ કેસો છે અને તેનો આંકડો ત્રણ હજાર ઉપર થવા જાય છે. શહેરમાં મધ્ય તેમજ દક્ષિણ ઝોનમાં ઠેરઠેર કન્ટેઈન્મેન્ટ ઝોન બનાવાયા છે અને તેમાં દ્યણી સોસાયટીઓ સીલ કરી દેવાઈ છે. થોડા દિવસ પહેલા લોકોની ચહેલપહેલ પર નિયંત્રણ લાદવા અહીં કરફ્યુ પણ નખાયો હતો.

કરેન્ટેઇન્મેન્ટ ઝોનમાં દુકાનો પણ નહોતી ખૂલી

તાજેતરમાં જ ગુજરાત સરકારે દુકાનો ખોલવાની છૂટ આપી ત્યારે કન્ટેઈન્મેન્ટ ઝોનમાં દુકાનો નહીં ખૂલ તેવી સ્પષ્ટતા પણ કરાઈ હતી. જોકે, કલાકોમાં જ રાજયના સૌથી વધુ કેસ ધરાવતા ચાર જિલ્લામાં દુકાનો ખોલવા દેવાનો નિર્ણય મુલત્વી રખાયો હતો. અમદાવાદમા હાલની સ્થિતિમાં પણ રોજના ૧૫૦થી વધુ કેસો સામે આવી રહ્યા છે. તેવામાં જો લોકડાઉન ખૂલી જાય અને લોકોની ચહેલપહેલ પર કોઈ નિયંત્રણ ના રહે તો લોકડાઉનમાં નવા કેસોમાં જે કંઈ વધારો રોકી શકાયો છે તે બધી મહેનત પાણીમાં જાય.

વડોદરા, સુરતની પણ આવી જ સ્થિતિ

અમદાવાદ ઉપરાંત, વડોદરા અને સુરતની સ્થિતિ પણ કંઈક આવી જ છે. આ બંને શહેરોમાં કોરોનાના પોઝિટિવ કેસો મળતાં દ્યણા રહેણાંક વિસ્તારોને કન્ટેઈન્મેન્ટ ઝોનમાં ફેરવી દેવાયા છે, અને લોકોના દ્યરની બહાર નીકળવા પર સખ્ત નિયંત્રણો મૂકી દેવાયા છે. જેથી, લોકડાઉન બાદ પણ કન્ટેઈન્મેન્ટ ઝોન અને શહેરી વિસ્તારોમાં પણ રેડ ઝોનમાં આવતા એરિયામાં સખ્ત નિયંત્રણો ચાલુ રહે તેવું મનાઈ રહ્યું છે.

ત્રીજી મે પછી લોકડાઉન લંબાવાશે?

સરકાર પર લોકડાઉન ખોલવા માટે દબાણ વધી રહ્યું છે. ઈન્ફોસિસના સ્થાપક નારણ મૂર્તિએ ગઈકાલે જ કહ્યું હતું કે જો આ જ સ્થિતિ રહી તો જેટલા લોકો કોરોનાથી નહીં મરે તેનાથી વધુ ભૂખમરાથી મરી જશે. લોકડાઉનને કારણે ઉદ્યોગો સાવ ઠપ્પ છે. સરકારની ટેકસની આવક પણ ભારે દબાણ હેઠળ છે. ૨૫ માર્ચે જાહેર કરાયેલું લોકડાઉન લંબાવાયું ત્યારે પણ પીએમ મોદીએ તેમાં થોડા દિવસો બાદ આંશિક છૂટછાટ આપવાની જાહેરાત કરી હતી.

ઓરેન્જ ઝોનમાં કેટલા જિલ્લા?

રાજયના કોરોનાના પ્રમાણમાં ઓછા કેસો ધરાવતા જિલ્લા ઓરેન્જ કેટેગરીમાં મૂકાયા છે. જેમાં રાજકોટ, ભરુચ, બોટાદ, નર્મદા, છોટાઉદેપુર, મહીસાગર, મહેસાણા, પાટણ, ખેડા, વલસાડ, દાહોદ, કચ્છ, નવસારી, ગીરસોમનાથ, ડાંગ, સાબરકાંઠા, તાપી, જામનગર, સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં લોકડાઉન બાદ નિયંત્રણો સાથે છૂટ અપાય તેવું મનાઈ રહ્યું છે.

ગ્રીન ઝોનમાં પાંચ જિલ્લા

જે જિલ્લામાં કોરોનાના એકેય કેસ નથી કે પછી તમામ દર્દી સાજા થઈ ગયા છે તેવા પાંચ જિલ્લાને ગ્રીન ઝોનમાં મૂકવામાં આવ્યા છે. આ તમામ પાંચ જિલ્લા સૌરાષ્ટ્રના છે. જેમાં મોરબી, અમરેલી, પોરબંદર, જુનાગઢ અને દેવભૂમિ દ્વારકાનો સમાવેશ થાય છે.

(3:48 pm IST)