Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

રાજ્યમાંથી પરપ્રાંતિય મજૂરોને વતન મોકલવા માટે અમદાવાદમાંથી ટ્રેન દોડાવવા વિચારણા

અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ભીડ :જિલ્લામાં 61 હજારથી વધારે લોકોએ નોંધણી કરાવી

અમદાવાદ : લૉકડાઉનને પૂર્વ થવામાં હવે બે દિવસ જ બાકી રહ્યા છે ત્યારે વિવિધ રાજ્યમાં ફસાયેલા પોતાના લોકો માટે જે તે રાજ્ય સરકાર વ્યવસ્થા ગોઠવી રહી છે. ગુજરાત સરકારે પણ આ માટે 16 અધિકારીઓની નોડલ ઑફિસર તરીકે નિમણૂક કરી છે. જેઓ ગુજરાતમાંથી જે તે રાજ્યમાં લોકોને મોકલવા કે પરત લાવવા માટેની વ્યવસ્થા ગોઠવશે

 બીજી તરફ એવી પણ માહિતી મળી છે કે રાજ્યમાંથી પરપ્રાંતિય મજૂરોને પોતાના વતન મોકલવા માટે અમદાવાદમાંથી ટ્રેન પણ દોડાવવામાં આવી શકે છે. હાલ જે લોકો પોતાના વતન જવા માંગે છે તેમના રજીસ્ટ્રેશનનું કામ ચાલી રહ્યું છે.

   કોઈ પણ પરપ્રાંતિય કામદાર પોતાના રાજ્યમાં પરત ફરવા માંગે છે તો તેણે આ માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રજીસ્ટ્રેશન ઑનલાઇન અને ઑફલાઇન એમ બંને રીતે કરી શકાય છે. શુક્રવારે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે લોકો રજીસ્ટ્રેશન કરવા પહોંચી ગયા હતા. લોકો પાંચ કિલોમીટર ચાલીને પણ રજીસ્ટ્રેશન માટે ગયા હતા. તેમના કહેવા પ્રમાણે તેમને ઑનલાઇન પ્રક્રિયા કેવી રીતે કરવી તેની સમજ નથી. આ ઉપરાંત કલેક્ટર કચેરી બહાર લગાવવામાં આવેલા પેમ્ફલેટ ગુજરાતી ભાષામાં હોવાથી તેમને તકલીફ પડી રહી છે.

   અમદાવાદ જિલ્લામાં  61 હજારથી વધારે લોકોએ પોતાના વતન જવા માટે નોંધણી કરાવી છે. જેમાં 24 હજારથી વધારે ઉત્તર પ્રદેશના લોકોએ નોંધણી કરાવી છે. એટલે કે રાજ્યમાંથી ઉત્તર પ્રદેશ જવા માટે સૌથી વધારે લોકોએ નોંધણી કરાવી છે. કલેક્ટર કચેરીના જણાવ્યા પ્રમાણે લોકો તાલુકા કક્ષાએ પણ નોંધણી કરાવી શકશે. આ માટે તેમણે એક ફોર્મ ભરવાનું રહેશે. આ ઉપરાંત જેમની પાસે પોતાના વાહનો છે તેઓ મામલતદારની મંજૂરી લઈને વાહન સાથે વતન જઈ શકશે.

(1:24 pm IST)