Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

ગોમતીપુર, સરસપુર અને અસારવા પણ રેડ ઝોનમાં

ફેરિયાઓ અને દુકાનદારો માટે માસ્ક ફરજીયાત : બોડકદેવ-વસ્ત્રાપુરમાં અમુલ પાર્લરને સીલ કરાયા જ્યારે મણિનગરમાં રિલાયન્સ ફ્રેશ મોલ સીલ કરી દેવામાં આવ્યું

અમદાવાદ,તા. : અમદાવાદ શહેરમાં કોરોના વાયરસની સ્થિતિ દિન પ્રતિદિન વધુ ગંભીર અને ભયાનક બનતી જાય છે. શહેરના વધુ ત્રણ વિસ્તારો ગોમતીપુર, સરસપુર અને અસારવા વિસ્તાર હવે કોરોના પોઝિટિવના કેસોને લઇ રેડ ઝોનમાં આવી ગયા છે. અમદાવાદમાં તા.૨૯ એપ્રિલની સાંજથી તા.૩૦ એપ્રિલની સાંજ સુધીમાં કોરોનાના ૨૪૯ પોઝિટિવ કેસ નોંધાયા અને ૧૨ના મોત થયા છે. અમદાવાદમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં કુલ દર્દી ૩૦૨૬ અને મૃત્યુઆંક ૧૪૯ થયો છે અને  ૪૧૨ દર્દી સાજા થયા છે. શહેરમાં કોરોનાની સ્થિતિ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું કે, આજથી શહેરમાં ફેરિયાઓ અને દુકાનદારો માટે માસ્ક ફરજીયાત કરવામાં આવ્યા છે. જેને પગલે ૨૦ હજાર,૨૭૦ માસ્ક અને ૪૦૫૪ સેનેટાઈઝર બોટલનું ફ્રીમાં વિતરણ કર્યું છે. તેમજ ૩૨૭ શાકભાજીની લારી કે દુકાનો પર બોર્ડ લગાવ્યા છે.

        નવા નિયમનો ૧૦૪ ટીમ દ્વારા અમલ કરવાવામાં આવી રહ્યો છે, બે કલાકમાં ૧૩૨૬ વ્યક્તિને રૂપિયા લાખ ૮૩ હજાર ૫૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે મણિનગરમાં રિલાયન્સ ફ્રેશ મોલ અને બોડકદેવ, વસ્ત્રાપુરમાં અમૂલ પાર્લર સહિત પાંચ યુનિટ સીલ કરાયા છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં જમાલપુર, ખાડિયા, દરિયાપુર, શાહપુર, દાણીલીમડા અને બહેરામપુરા વોર્ડ રેડ ઝોનમાં સામેલ હતા. પરંતુ ઝોન અંગે ફરી સમીક્ષા કરતા કોરોનાના કેસો વધી રહ્યાં હોવાથી ગોમતીપુર, સરસપુર અને અસારવા વોર્ડને પણ રેડ ઝોનમાં સામેલ કરવામાં આવ્યા છે. વિજય નહેરાએ વધુમાં જણાવ્યું કે, શહેરમાં નવા કુલ ૨૪૯ નવા કેસ નોંધાયા છે અને ૧૨ના મોત થયા છે. જો કે, સારા સમાચાર પણ છે કે એક દિવસમાં ૮૧ દર્દી ડિસ્ચાર્જ થયા છે.

         આજે વધુ ૧૮ દર્દીને રજા આપવામાં આવતા કુલ ૪૧૨ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. હાલ શહેરમાં ૨૪૭૦ એક્ટિવ કેસ છે, જેમાંથી ૪૬ વેન્ટીલેટર પર અને ૨૪૨૪ની હાલત સ્થિર છે. ટેસ્ટિંગની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કુલ ૨૮૦૩૪ ટેસ્ટ કરવામાં આવ્યા છે, આમ ૧૦ લાખની વસતિએ ૪૬૭૨ ટેસ્ટ થઈ રહ્યાં છે. તેમણે ઉમેર્યું કે,૧૦થી વધુ તબીબો લોખંડવાલા હોસ્પિટલમાં સેવા આપવા તૈયાર છે. જેને પગલે આજથી કામ શરૂ કરી શકાશે. હવે કોરોનાના દર્દીને લોખંડવાલા હોસ્પિટલમાં પણ સારવાર મળી શકશે. તેમજ શહેરમાં ૫૫૩ ટીમે ૮૩ હજાર જેટલા ઘરનો સર્વે કર્યો છે અને લાખ ૭૦ હજાર વ્યક્તિનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. સુપર સ્પ્રેડરની વાત કરીએ તો ૧૪૪ સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાં વધુ સાત સુપરસ્પ્રેડરના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

(9:48 pm IST)