Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફસાયેલા લોકો માટે નોડલ ઓફીસર તરીકે પસંદગી થયાની આઇજીપી હસમુખ પટેલને જાણ જ ન હતીઃ ટવીટર મેસેજ વાયરલ થયો

જો કે તમામ માહિતી બાદ અસરગ્રસ્તોને મદદરૂપ બનવા માટે કાર્યરત : મોબાઇલ સતત વ્યસ્ત રહે છેઃ ખુબ જ ઉપયોગી માહિતી અપાઇ રહી છે

રાજકોટ, તા., ૧: કેન્દ્ર સરકારના સુચન મુજબ રાજય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા સચિવ કક્ષાએ મુખ્ય નોડલ ઓફીસરની નિમણુંક કરી આ જવાબદારી ૧૬ જેટલા આઇએએસ અને આઇપીએસને સુપ્રત કર્યા બાદ એક આશ્ચર્યજનક બાબત પ્રકાશમાં આવી છે. ગુજરાતના પોલીસ હાઉસીંગ કોર્પોરેશનના વડા અને સિનીયર આઇપીએસ હસમુખ પટેલે પોતાના ટવીટર દ્વારા એવું જણાવેલ કે લોકોના ફોન આવવા લાગતા તેઓને જાણ થઇ કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફસાયેલા લોકોને પરત મોકલવાની કાર્યવાહી માટે મારી નોડલ ઓફીસર તરીકે પસંદગી કરવામાં આવી છે.

સોશ્યલ મીડીયામાં વહેતા થયેલા અહેવાલ મુજબ સિનીયર આઇપીએસ હસમુખ પટેલે વિશેષમાં એવું પણ જણાવેલ કે આ કાર્યવાહી કઇ પધ્ધતીથી કરવાની છે  તે હું જાણતો નથી. મારી વિનંતીથી રાજય સરકારે ૧ર વાગ્યે મીટીંગ રાખી છે. તેમાંથી  હું જાણી લઉ પછી મારાથી થતી તમામ મદદ તમને કરીશ.

દરમિયાનમાં તમામ માહીતી મેળવી ચુકેલા આઇજીપી હસમુખ પટેલે ખુબ જ ઉપયોગી માહિતી આપતા જણાવેલ કે ગુજરાતની બહાર જનાર લોકોએ તબીબી પ્રમાણપત્ર મેળવવાના રહેશે અને આ માટે ઓનલાઇન અરજી પણ આપવાની રહેશે. આમ તેઓને સતાવાર જાણ થતા જ તેઓ તુર્ત જ સક્રિય બની લોકોની સમસ્યા હલ કરવા કાર્યરત બન્યા છે.

(12:24 pm IST)