Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

શિવાનંદ ઝાને એક્ષટેન્શન આપતા કેન્દ્રના હુકમ પર મંજુરીની મ્હોર મારતી રાજય સરકાર

નિવૃતીના છેલ્લા દિવસે ગૃહ ખાતા દ્વારા હુકમઃ આજથી ૩૧ જુલાઇ સુધી મુખ્ય પોલીસ વડા યથાવત ફરજ પર

રાજકોટ, તા., ૧: ગત માસના અંતે વય મર્યાદાના કારણે નિવૃત થનારા ગુજરાતના મુખ્ય પોલીસ વડા શિવાનંદ ઝાને હાલની પરિસ્થિતિમાં સમગ્ર રાજયના પોલીસ તંત્રને પોતાની આગવી કુનેહથી દોરવણી આપી સતત માર્ગદર્શન સાથેે લોકડાઉનના કડક અમલ કરાવવાની માર્ગદર્શીકા પરફેકટ રીતે તૈયાર કરનાર ૧૯૮૩ બેચના આ આઇપીએસને કેન્દ્ર દ્વારા ૩ માસનું જે એક્ષટેન્શન અપાયું છે તેમાં ગુજરાત સરકારે સતાવાર રીતે ગઇકાલે તેમના નિવૃતીના છેલ્લા દિવસે ૩ માસના એક્ષટેન્શનના કેન્દ્રના હુકમને બહાલી આપી મંજુરીની મહોર મારી છે.

આમ રાજયના ગૃહ મંત્રાલયના એડીશ્નલ ચીફ સેક્રેટરી સંગીતા સીંઘ દ્વારા કેન્દ્રના હુકમને અનુસરી તેમને ૧ લી મેથી ૩૧ જુલાઇના સમયગાળા દરમિયાન તેમના હાલના સ્થાને યથાવત રાખતો હુકમ કર્યો છે. સિનીયર કક્ષાના આઇપીએસ અને આઇએએસ અધિકારીઓએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે નિયમાનુસાર કેન્દ્રએ ઓર્ડર કર્યા બાદ તેના અમલીકરણ માટે રાજય સરકારે પણ આવો હુકમ કરવો જરૂરી હોવાથી તેમના નિવૃતીના છેલ્લા દિવસે આવો હુકમ કરવામાં આવ્યો છે.

(12:23 pm IST)