Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

ગુજરાતના સ્થાપના દિનની ભેટ : મા કાર્ડવાળાને કોરોના ટેસ્ટ અને મધ્યમ વર્ગને અનાજ મફત

આજે ગુજરાતના સ્થાપના દિનની સાદગી પૂર્ણ ઉજવણીઃ સરપંચો, સુધરાઇનના સુકાનીઓ વગેરે સાથે વિજયભાઇની વિડીયો કોન્ફરન્સ

ગાંધીનગર,તા.૧ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના વાયરસના સંક્રમણ અને લોકડાઉનની સ્થિતીમાં ગુજરાત રાજયના ૬૦માં સ્થાપના દિવસ તા. ૧ લી મે ની ભેટ રાજયના મધ્યમવર્ગીય પરિવારોને આપવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સ્થાપના દિવસ અવસરે રાજયના સૌ નાગરિકોને પ્રવર્તમાન કોરોના વાયરસના સંક્રમણ સામે એક બની સતર્કતા-જાગૃતિ દાખવી જંગ લડવાની પ્રેરણા આપતા પ્રજાજોગ સંદેશમાં આ મહત્વપૂર્ણ ભેટની જાહેરાત કરતાં જણાવ્યું કે, રાજયના ૬૧ લાખ જેટલા મધ્યમવર્ગીય APL-1 કાર્ડધારકો એટલે કે અંદાજે ર.પ૦ થી ૩ કરોડ લોકોને આગામી તા. ૭ મી મે ગુરૂવારથી તા. ૧રમી મે પાંચ દિવસ દરમ્યાન પરિવાર દિઠ ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ગ્રામ ચોખા, ૧ કિલો ગ્રામ દાળ અને ૧ કિલો ગ્રામ ખાંડનું વિનામૂલ્યે વિતરણ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી કરવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રીએ રાજયમાં હાલની પરિસ્થિતીમાં કોઇ નાગરિકને ભુખ્યા સૂવું ન પડે તેવી સંવેદના સાથે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આ અનાજ વિતરણનો અંદાજે રૂ. ર૦૦ કરોડનો ખર્ચ રાજય સરકાર આપશે.

મુખ્યમંત્રીશ્રીએ મા-વાત્સલ્યમ અને મા-અમૃત્તમ યોજનાના કાર્ડ ધરાવતા ૭૭ લાખ પરિવારોને પણ આરોગ્ય રક્ષા કવચ પુરૃં પાડવાની પ્રતિબદ્ઘતા સાથે અન્ય એક ભેટ આવા પરિવારોને ગુજરાત સ્થાપના દિવસ અવસરે આપી છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ જાહેર કર્યુ છે કે આવા મા-વાત્સલ્ય મા-અમૃત્તમ યોજનાના લાભાર્થી પરિવારમાં કોઇ પણ વ્યકિતને તબીબી કારણો-માંદગી સર સર્જરી-ઓપરેશન કરાવવાની નોબત હાલની કોરોના વાયરસના સંક્રમણની સ્થિતી દરમ્યાન આવે તેમજ પ્રસુતિ માટે હોસ્પિટલમાં દાખલ થવું પડે તો તેના ભાગ રૂપે કોરોના ટેસ્ટ કરાવવાનો થાય તો આ ટેસ્ટનો સંપૂર્ણ ખર્ચ પણ રાજય સરકાર ભોગવશે.

મુખ્યમંત્રીશ્રીએ પારદર્શીતા, સંવેદનશીલતા અને નિર્ણાયકતા તથા ગતિશીલતાના ચાર મુખ્ય આધારસ્થંભ પર ગુજરાતને સુશાસનની દિશામાં વધુ પ્રેરિત કરવાની નેમ સાથે ૬૦માં ગુજરાત સ્થાપના દિવસના ઉપલક્ષ્યમાં આ નિર્ણયો કર્યા છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના વાયરસના સંક્રમણની સ્થિતીમાં ૬૦માં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીને કોરોના સામેની લડાઇમાં હરેક ગુજરાતીના યોગદાન તરીકે પ્રેરિત કરવાનો પણ નવતર અભિગમ અપનાવ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં રાજયના સૌ નાગરિકોને આહવાન કર્યુ છે કે, ગુજરાત સ્થાપના દિવસ-ગુજરાત ગૌરવ દિવસના આ પર્વે દરેક ગુજરાતી સ્વયં સ્વચ્છતાનો સંકલ્પ કરે. તેમણે કહ્યું કે, હરેક વ્યકિત એવો નિર્ધાર કરે કે ઘરની બહાર નીકળે ત્યારે માસ્ક અવશ્ય પહેરે, સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવે તેમજ વારંવાર સાબુથી હાથ ધોવે.

મુખ્યમંત્રીશ્રીએ આ સંકલ્પ 'હેઝ ટેગ વિજય સંકલ્પ' સાથે સૌ કોઇ પોતાના વિડીયો-ફોટોઝ ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, ટવીટર જેવા સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર સાથે અપલોડ કરે તેવી અપિલ પણ કરી છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ તા. ૧લી મે ગુજરાત ગૌરવ દિવસને પ્રવર્તમાન સ્થિતીમાં ગ્રામજનો, શહેરી નાગરિકો પ્રજાજનોના ખબર-અંતર પૂછવા સાથે સંવાદ દિવસ તરીકે સાદગી પૂર્ણ રીતે મનાવવાનો નિર્ધાર કર્યો છે.

આ અન્વયે મુખ્યમંત્રીએ આજે સવારે આદિજાતિ વિસ્તાર પંચમહાલ જિલ્લાના ગામોના સરપંચો સાથે વિડીયો કોન્ફરન્સ યોજી અને કોરોના વાયરસ સંક્રમણ સામેની તેમની સજ્જતા, સારવાર સુવિધા અને રાજયના સ્થાપના દિવસ અંગે ૧૦ જેટલા સરપંચો સાથે સંવાદ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રી રાજયની તમામ ૧૬ર નગરપાલિકાઓના પ્રમુખો, ઉપપ્રમુખો, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનશ્રીઓ તથા ચીફ ઓફિસરો સાથે પણ આ જ પ્રમાણે સવારે ૧૧.૩૦ કલાકે વિડીયો કોન્ફરન્સ સંવાદ બેઠક યોજી હતી.

ગુજરાતે કોરોના વાયરસ સામે સતર્કતા અને જનજાગૃતિ તેમજ જનસહયોગથી જંગ આદરીને હમ હોંગે કામયાબ, ફરી જીતશે ગુજરાતના મક્કમ નિર્ધાર સાથે હાથ ધરેલા પગલાંઓ, ઉપાયો અંગે ગુજરાતક૬૦ અંતર્ગત મુખ્યમંત્રીશ્રીની જાણીતા લેખિકા શ્રી કાજલ ઓઝા વૈધ દ્વારા કરાનારી મૂલાકાત-સાક્ષાત્કાર સાંજે ૬-૩૦ થી ૭ વાગ્યા દરમ્યાન પ્રાદેશિક ન્યૂઝ ચેનલો દ્વારા પ્રસારિત થવાની છે.

ગુજરાતની ૬૦ વર્ષની સિદ્ઘિઓની પ્રસ્તુતિ ગાથા યશગાથા ગુજરાતી ગાન પ્રસ્તુતિ પણ ગુજરાત સ્થાપના દિવસના ઉપલક્ષ્યમાં તા. ૧લી મે એ સવારે ૮.૪પ તથા સાંજે ૭.૩૦ કલાકે પ્રાદેશિક ન્યૂઝ ચેનલ્સ પરથી પ્રસારિત થશે. આ યશગાથા ગાન શ્રી અભિલાષ દ્યોડાના નિર્દેશનમાં તૈયાર કરાયું છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજયની શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ સાંપ્રત સ્થિતીમાં 'કોરોના વોરીયર્સ' તરીકે પોતાનું યોગદાન આપી શકે તેવા ઉદાત્ત ભાવ સાથે શિક્ષણ વિભાગને વિવિધ સ્પર્ધાઓના આયોજન માટે પ્રેરિત કર્યા છે.

તદ્અનુસાર, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને કાવ્ય લેખન સ્પર્ધાઓ ગુજરાતના કોરોના વોરીયર્સ વિષયવસ્તુ સાથે યોજવામાં આવશે.

વિદ્યાર્થીઓ પોતે તૈયાર કરેલી આવી કૃતિઓ ઇમેઇલ અથવા પોસ્ટ મારફતે પોતે જે જિલ્લામાં અભ્યાસ કરતા હોય તે જિલ્લાના શિક્ષણાધિકારીને મોકલી શકશે.

બાળ અને યુવાશકિતની આ ક્ષમતાને પ્રોત્સાહિત કરતાં શિક્ષણ વિભાગ દ્વારા ત્રણેય સ્પર્ધાઓમાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગની શ્રેષ્ઠ કૃતિઓને પ્રથમ, દ્વિતીય અને તૃતિય એમ ત્રણ ક્રમ આપીને પ્રથમક્રમ માટે રૂ. ૧પ હજાર, દ્વિતીય માટે રૂ. ૧૧ હજાર અને ત્રીજા ક્રમ માટે પાંચ હજારના રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

જિલ્લાકક્ષાની પસંદ થયેલી નિબંધ લેખન, કાવ્યલેખન અને ચિત્ર સ્પર્ધાની કૃતિઓની ઙ્ગચકાસણી બાદ રાજય કક્ષાએ શ્રેષ્ઠ પાંચ કૃતિઓ બેય વિભાગમાંથી પસંદ કરીને પ્રત્યેક કૃતિને રૂ. રપ હજારના ઇનામો રાજય સરકાર આપશે.

સમગ્રતયા રાજયકક્ષાએ ત્રણેય કેટેગરીમાં મળીને ૪પ કૃતિઓને પ્રત્યેકને રપ-રપ હજારના ઇનામોથી પુરસ્કૃત કરાશે.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજયના સ્થાપના દિવસને કોરોના વાયરસના સંક્રમણની હાલની સ્થિતીમાં ઓનલાઇન ટેકનોલોજી સાથે સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમો પાળીને ગૌરવપૂર્ણ ઉજવણી માટે તંત્રને પ્રેરિત કરીને આગવું દ્રષ્ટાંત પુરૃં પાડયું છે.

(11:48 am IST)