Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

દાહોદના દેવગઢ બારીયા સબ જેલમાંથી ૧૩ ખુંખાર કેદીઓ ફરાર

ભારે ગુનાના ૧૬ પૈકી ૧૩ કેદીઓ સબજેલનું તાળુ તોડી નાસી જતાં ખળભળાટ : રીઢા કેદીઓના ગામ સહિત ઠેર-ઠેર પોલીસ દ્વારા તલાસી અભિયાનનો ધમધમાટ : અકિલા સાથે દાહોદના એસ.પી. હિતેષ જોઈસરની વાતચીત

રાજકોટ, તા. ૧ : પંચમહાલ પંથકના દાહોદના દેવગઢ બારીયાની સબ જેલમાંથી ૧૬ ખુંખાર કેદીઓ પૈકીના ૧૩ ભારે ગુનાના કેદીઓ દેવગઢ બારીયાની સબજેલનું તાળુ તોડી નાસી જતાં સમગ્ર રાજયની પોલીસતંત્રમાં ભારે દોડધામ મચવા સાથે ઠેર-ઠેર નાકાબંધીઓ અને તલાસીઓનું અભિયાન ચાલી રહ્યુ છે.

અત્રે યાદ રહે કે રાજયની સબજેલોનો વહીવટ ગુજરાતના જેલતંત્ર પાસે નહિં પણ મામલતદાર હસ્તક હોય છે. જેમાં સિકયુરીટી ગાર્ડની વ્યવસ્થા પોલીસતંત્રએ કરવાની હોય છે.

મામલતદારની જેલ તરીકે ઓળખાતી સબજેલોમાં કલેકટર તંત્ર દ્વારા તેઓ માટે ભોજન સહિતની અન્ય અનુસંગિક વ્યવસ્થા કરવાની જવાબદારી મામલતદાર તંત્ર હસ્તક હોય છે તેમ દાહોદના કલેકટર શ્રી ખરાડીએ 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું.

દરમિયાન ઉકત બાબતે દાહોદના એસ.પી. હિતેષ જોઈસરનો સંપર્ક સાધતા તેઓએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે વ્હેલી સવારે ૩ થી ૪ વાગ્યા વચ્ચેના સમયગાળામાં દેવગઢ બારીયાની સબજેલમાંથી ૧૩ ખુંખાર કેદીઓ તાળુ તોડી નાસી ગયાની જાણ થતાં જ તેઓએ સમગ્ર દાહોદ જિલ્લાની પોલીસને આ ખુંખાર કેદીઓને ઝડપવા કામે લગાડી દીધા છે.

સ્થાનિક પોલીસ ઉપરાંત એલ.સી.બી., પી.સી.બી., એસ.ઓ.જી. સહિતનો પોલીસ કાફલો નાસી છૂટેલા ખુંખાર કેદીઓના ગામ સુધી પહોંચી ત્યાં પણ તલાસી અભિયાન જોરશોરથી ચાલી રહ્યુ છે.

રાજયભરની પોલીસને ઉકત કેદીઓ નાસી ગયાની માહિતી આપતા અન્ય જિલ્લાની પોલીસ સાથે અન્ય રાજયની પોલીસને પણ આ બાબતની જાણ કરવામાં આવી છે. રાજય બહાર જતી બોર્ડર ઉપર તેમજ ખાનગી વાહનોની ચકાસણી કરવામાં આવી રહી છે.

(11:46 am IST)