Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

ધારી ગીર પૂર્વમાં સિંહોના ભેદી રીતે મોત ન થયા હોય તો વનવિભાગ પોસ્ટમોટમ રિપોર્ટ જાહેર કરે : પરેશ ધાનાણી

રેસ્કયુ-સેમ્પલ, ટેસ્ટ સહિત ૧૩ સળગતા મુદ્દાઓનો વિજયભાઇ પાસે જવાબ માંગતા વિધાનસભા વિરોધ પક્ષના નેતા

રાજકોટ, તા. ૧: ધારી ગીર જંગલમાં સિંહોના ટપોટપ મોતના મામલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ રજુઆત કરીને આ મુદ્દે ૧૩ સવાલો કર્યા છે.

વિજયભાઇ રૂપાણીને પરેશભાઇ ધાનાણીએ પ્રશ્નો કર્યા છે કે, (૧) છેલ્લા ૪ માસમાં કેટલા સિંહોના મોત નિપજયા ? (ર) કયાં વિસ્તારમાંથી કેટલા સિંહ રેસ્કયુ કર્યા ? (૩) રેસ્કયુ કરેલા સિંહોની ઉંમર, લક્ષણો, કયાં સેમ્પલ લીધા ? (૪) સેમ્પલ લીધા હોય તો તેના રિપોર્ટ જાહેર કરે. (પ) રેસ્કયુ કરી કયાં કયાં એનિમલ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા છે ? (૬) જે સિંહોમાં લક્ષણો નથી દેખાતા તે સિંહોને મુકત કર્યા ? (૭) જસાધાર, જામવાળા, સક્કરબાગ, સાસણ અને દેવળીયામાં સિંહોને રેસ્કયુ કરી રાખ્યા છે. તેની એક એક સિંહની સારવારની વિગતો પ્રિસ્ક્રિપ્શન સાથે જાહેર કરો. (૮) એનિમલ કેર સેન્ટરમાં સિંહો માટે ખાસ કંઇ દવા રાખવામાં આવે છે ? (૯) કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ માટે અમેરિકાથી મંગાવવામાં આવેલી વેકસીનના ખર્ચ, બિલ, વાઉચરની માહિતી જાહેર કરો. (૧૧) ચાર માસમાં જે સિંહો મર્યા છે, તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટ જાહેર કરો. (૧ર) મૃતક સિંહોના વિશેરા એફએસએલમાં મોકલ્યા હોય તો તેના રિપોર્ટ જાહેર કરો. (૧૩) જો એેફએસએલમાંથી રિપોર્ટ ન આવ્યા હોય તો, એફએસએલમાં નમુના મોકલ્યાની પાવતી જાહેર કરો. તેવી માંગણી કરી છે.

સિંહોના ટપોટપ થઇ રહેલા મોત અને સમગ્ર ધારી ગીર પૂર્વ વિસ્તારમાં ચાલતા રેસ્કયુની કામગીરી બાબતે વડોદરાની સેવા લાયન નામની સંસ્થાએ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને કરેલી ફરીયાદના અનુસંધાને તેમણે મુખ્યમંત્રી પાસે ૧૩ સવાલોનો જવાબ માંગ્યો છે. વન વિભાગ દ્વારા મૃતક સિંહોના પીએમ રિપોર્ટ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. કેટલા સિંહોના સેમ્પલ લેવામાં આવ્યા, શું ટેસ્ટ કર્યા કઇ જગ્યાએ ટેસ્ટીંગ કરવામાં આવ્યું. આ તમામ જવાબો અંગે ભેદી મૌન સેવવામાં આવી રહ્યું છે. તેમ પરેશભાઇ ધાનાણીએ જણાવ્યું છે.

(3:00 pm IST)