Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

અમદાવાદ જિલ્લાના ૪૬૪ ગામડાને સેનિટાઇઝ કરાશે

એકસાથે ૪૬૪ ગામોને સેનિટાઇઝની પ્રથમ ઘટના : સેનિટાઇઝેશન માટે ૩ લાખ લીટર દવાનું સોલ્યુશન વપરાશે હેલ્થ વિભાગ કર્મી, ગ્રામ યોદ્ધા કમિટી માસ મુવમેન્ટ કરશે

અમદાવાદ,તા.૩૦ : અમદાવાદ જિલ્લામાં પણ કોરોનાના સંક્રમણને અટકાવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સર્વગ્રાહી કામગીરી હાથ ધરાઈ છે. અમદાવાદ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા અમદાવાદ જિલ્લામાં આગામી તા.૩ મેના રોજ સવારે ૧૦-૩૦ કલાકે તમામ ૪૬૪ ગામોમાં એકસાથે એક સમયે સેનિટાઈઝ કરવાની કામગીરી હાથ ધરાશે.  રાજયમાં એક સાથે આટલી મોટી સંખ્યામાં ગામડાઓને સેનીટાઇઝ કરવાની ઘટના સૌપ્રથમ અને રેકોર્ડસમાન હશે. અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુએ જણાવ્યું છે, કે નાની નાની બાબતોનું ધ્યાન રાખીને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે વિશેષ તકેદારી રખાઈ છે. તેના ભાગરૂપે પ્રજા અને તંત્રના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના તમામ ગામોમાં એકસાથે સેનિટાઇઝેશનની કામગીરી હાથ ધરાનાર છે. 

            કામગીરી સંપૂર્ણપણે લોકડાઉનના નિયમો તથા સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને હાથ ધરાનાર છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા આ પ્રકારની એગ્રેસીવ કામગીરી રાજ્યમાં સૌપ્રથમ વખત યોજાઈ રહી છે. આ અંગે અમદાવાદ જિલ્લાના મેલેરીયા અધિકારી નરેન્દ્ર સિંહ રાઠોડે જણાવ્યું હતું, કે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના નેતૃત્વ નીચે જિલ્લાના ૪૬૪ ગામોમાં એક સાથે આ કામગીરી હાથ ધરાનાર છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા સેનિટેાઇઝેશન એ ખૂબ મહત્વની બાબત છે, ત્યારે આ કામગીરી માટે કુલ ૩ લાખ લિટર દવાનું સોલ્યુશન વપરાશે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ, ગ્રામ યોદ્ધા કમિટી તથા કોરોનાનું સંક્રમણ અટકાવવા કાર્યરત સ્વૈચ્છિક પ્રજાજનોના સહયોગથી આ માસ મુવમેન્ટ હાથ ધરાનાર છે. મહત્વપૂર્ણ છે કે,અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધી ૩૨ કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. ત્યારે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ન વધે તે માટે તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે. જોકે અમદાવાદ ગ્રામ્યની કામગીરીની નોંધ કેન્દ્રીય ટીમે પણ લીધી હતી અને સરાહના કરી છે.

(9:38 pm IST)