Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

ગત વર્ષ કરતાં એપ્રિલની વિજ માંગ ચાર હજાર મેગાવોટ ઘટી

લોકડાઉન વચ્ચે રાજયમાં વિજમાંગમાં ઘટાડો થયો : લોકડાઉનમાં શરતી રાહત બાદથી ઔદ્યોગિક એકમોમાં વિજળીની માંગ ૩.૪ મિલિયન યુનિટ્સ વધી : અહેવાલ

અમદાવાદ,તા.૩૦ : કોરોનાના કહેર અને લોકડાઉનની સ્થિતિ વચ્ચે આ વખતે ઉનાળા દરમ્યાન પણ રાજયમાં વીજ માંગમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ઉનાળાના સમયમાં સામાન્ય રીતે વીજળીની માગમાં વધારો થતો હોય છે પરંતુ આ વર્ષે એપ્રિલ મહિનામાં દૈનિક માગમાં એપ્રિલ ૨૦૧૯ની સરખામણીએ આશરે ૪૦૦૦ મેગાવોટ જેટલી ઓછી છે. ગુજરાત સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટરના સૂત્રોના મતે, એપ્રિલના ચોથા સપ્તાહમાં પવારની રોજની ડિમાંડ આ વર્ષે અંદાજે ૧૩૦૦૦ મેગાવોટ રહી છે જે ૨૦૧૯માં અંદાજે ૧૭૦૦૦ મેગાવોટ હતી. નિષ્ણાતોના મતે લોકડાઉન હોવાથી, ઓફિસો અને ઉદ્યોગોની ડિમાંડ એકદમ ઓછી છે જેના કારણે આ વર્ષે ઓવરઓલ માગ નીચી છે. જોકે, લોકડાઉનમાં તા.૨૦ એપ્રિલ બાદ થોડી રાહત મળી છે તેના કારણે ઔદ્યોગિક માગમાં ધીમે ધીમે વધારો થઇ રહ્યો છે.

              ઉલ્લેખનીય છે કે, રાજય સરકારે તા.૨૦ એપ્રિલના રોજથી શરતોને આધીન ઔદ્યોગિક એકમ શરુ કરવા દેવા માટે મંજુરી આપી છે. આના કારણે ધીમે ધીમે ઇન્ડસ્ટ્રીઝ શરુ થઇ રહી છે તેના કારણે ગુજરાતમાં પવારની ડિમાન્ડમાં વધારો થઇ રહ્યો છે. એસએલડીએસના આંકડા મુજબ એપ્રિલના ત્રીજા સપ્તાહમાં ૪૬.૮ મિલિયન યુનિટ્સ વીજળીની માગ રહી હતી જે ૨૮ એપ્રિલ આવતા સુધીમાં ૧૩.૪ મિલિયન યુનિટ્સ વધીને ૬૦.૪ મિલિયન યુનિટ્સની માગ રહી હતી. જોકે, જાન્યુઆરીના ૧૨૪.૫ મિલિયન યુનિટ્સની સરખામણીએ વર્તમાન માગ અડધાથી પણ ઓછી છે. ગુજરાતમાં ૧ એપ્રિલના રોજ અંદાજે ૧૦૦૦૦ મેગાવોટ વીજળીની માગ હતી જે વધીને ૨૮ એપ્રિલે ૧૩૦૦૦ મેગાવોટે પહોચી હતી. એનર્જી ડીપાર્ટમેન્ટના અધિકારીના જણાવ્યા પ્રમાણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે જેના કારણે વીજળીની ખપત પણ વધી રહી છે. લોકડાઉન હોવાથી ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ ડિમાંડ ઓછી છે પરંતુ સામે રેસિડેન્સીમાં માગ વધી રહી છે. મે મહિનામાં સરેરાશ દૈનિક માગ ૧૫૦૦૦ મેગાવોટથી વધુ રહેવાની ધારણા છે. આમ, લોકડાઉનની અસર વીજ વપરાશ પર પણ પડી છે.

 

(9:41 pm IST)