Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

ગુજરાત પોલીસ મધ્યપ્રદેશમાં ફરજ બજાવશે :કોન્સટેબલથી લઈ પીએસઆઇ કક્ષાના અધિકારીઓની એમપીમાં પ્રતિનિયુકતી થશે

મધ્યપ્રદેશ દ્વારા માંગણી કરાઈ :ડીજીપી શિવાનંદ ઝાએ મધ્યપ્રદેશ જવા ઇચ્છુક પાસેથી અરજી મંગાવી

અમદાવાદ : દેશના પોલીસ દળના ઈતિહાસમાં પ્રથમ વખત ગુજરાત પોલીસના કોન્સટેબલથી લઈ સબઈન્સપેકટર કક્ષાના અધિકારીને મધ્યપ્રદેશ પોલીસમાં કામ કરવાની તક આપવામાં આવી છે. ગુજરાતમાંથી મધ્યપ્રદેશ પોલીસમાં ફરજ જવા માગતા પોલીસ કર્મચારીઓને મધ્યપ્રદેશ પોલીસ વિષેશ સગવડ અને આર્થિક લાભ પણ આપશે.

  બે વર્ષ અગાઉ કચ્છમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ ડીજીપીઓની કોન્ફરન્સ બોલાવી હતી જેમાં તેમણે એક સૂચન કર્યું હતું કે એક રાજ્યની પોલીસ બીજા રાજ્યના પોલીસ દળના કર્મચારીઓની પ્રતિનિયુકતી ઉપર લઈ શકે તો વધુ સારૂ કામ થાય, જે સૂચનના સંદર્ભમાં તાજેતરમાં મધ્યપ્રદેશના ડીજીપી દ્વારા ગુજરાતના ડીજીપીને પત્ર પાઠવી ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા કોન્સટેબલ અને સબઈન્સપેકટર્સને પ્રતિનિયુકતી ઉપર મધ્યપ્રદેશ મોકલવાની માગણી કરી હતી. ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝાએ મધ્યપ્રદેશ પોલીસની માગણી સ્વીકારી હતી.

   જેના સદર્ભમાં ડીજીપી ઓફિસ દ્વારા તમામ પોલીસ કમિશનર અને ડીએસપીને તા 25મી એપ્રિલના રોજ પાઠવવામાં આવેલા પત્રક્રમાંક -1041-18થી જણાવવામાં આવ્યું કે આપના તાબામાં કામ કરતા પોલીસ કોન્સટેબલથી લઈ સબઈન્સપેકટર કક્ષાના અધિકારીઓ જો મધ્યપ્રદેશ પોલીસમાં પ્રતિનિયુકતી ઉપર ફરજ બજાવવા માગતા હોય તો તેમના નામ અત્રેની કચેરીને મોકલી આપવામાં આવે. સુત્રોની જાણકારી પ્રમાણે મધ્યપ્રદેશમા હાલમાં પોલીસમાં મોટી ઘટ છે, અને વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે, આવા સંજોગોમાં નવી ભરતી કરવામાં આવે તો પણ બે વર્ષ પહેલા મધ્યપ્રદેશ પોલીસની ઘટ પુરી કરી શકાય તેમ નથી, જેના કારણે મધ્યપ્રદેશ પોલીસે ગુજરાત પોલીસના સબઈન્સપેકટર સુધીના કર્મચારીઓની માગણી કરી છે.

ઉપરાંત ડીજીપી ઓફિસ દ્વારા કોન્સટેબલ કક્ષાના કર્મચારીઓ પૈકી જે કર્મચારીઓ નાર્કોટીક્સ કંટ્રોલ બ્યૂરોમાં પ્રતિનિયુક્તી ઉપર ફરજ બજાવવા માગતા હોય તેમના નામ પણ મોકલી આપવા કમિશનર અને ડીએસપીને આદેશ આપ્યો છે.

(1:12 am IST)