Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

સસરાની સારવારના બિલ માફી મામલે વિવાદ થતા જીતુભાઇ વાઘાણીએ હોસ્પિટલને આપ્યું 1 લાખનું દાન

20 દિવસની સારવારનું 52,518 નું બિલ આવ્યું પણ હોસ્પિટલે માત્ર 175 રૂપિયા જ લીધા

અમદાવાદ: ભાજપ પ્રદેશ અધ્યક્ષ જિતુભાઈ  વાઘાણીના સસરાની સારવારનું બિલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા માફ કરાતા ઊભા થયેલા વિવાદ બાદ વાઘાણીએ હોસ્પિટલને 1 લાખનું દાન આપ્યું છે જીતુભાઈએ  સ્થિતિ સ્પષ્ટ કરતા દાવો કર્યો કે, હોસ્પિટલે નિયમોનું પાલન કર્યું હતું.

  અત્રે ઉલ્લેખનીય છે કે વાઘાણીના સસરા અંબાલાલ ખંભાળિયાએ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મોંના કેન્સરની સારવાર કરાવી હતી. 20 દિવસ ચાલેલી તેમની વીવીઆઈપી ટ્રિટમેન્ટનું બિલ 52,518 રૂપિયા આવ્યું હતું. જોકે, હોસ્પિટલે તેમની પાસેથી માત્ર 175 રૂપિયા જ લીધા હતા અને બાકીનું બિલ માફ કરી દીધું હતું. જે અંગે વિવાદ ઊભો થયો હતો. મીડિયામાં પણ આ બાબત ઘણી ચર્ચામાં રહી હતી.

   આ વિવાદ બાદ વાઘાણીએ હોસ્પિટલને 1 લાખ રૂપિયા દાનમાં આપ્યા હતા. તેમણે તેમના એક પ્રતિનિધિને 1 લાખ રૂપિયાનો ચેક લઈને ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (GCRL)માં મોકલ્યા હતા. GCRLના ડાયરેક્ટર ડો. શશાંક પંડ્યાએ જણાવ્યું કે, ‘વાઘાણીના માણસે આવીને અમને ચેક આપ્યો છે.’ તેમણે એમ પણ કહ્યું કે, બિલ માફી નિયમો મુજબ જ કરવામાં આવી હતી.

   વાઘાણીએ GCRLના ડાયરેક્ટરને પત્ર લખીને જણાવ્યું હતું કે, ‘મને મીડિયા દ્વારા જાણવા મળ્યું કે, મારા સસરાની સારવારમાં મારી ઓફિસ અને સરકાર દ્વારા કરવામાં આવેલી ભલામણને ખોટી રીતે લેવામાં આવી છે. મેં તમને ફોન કર્યો હતો અને જાણવા મળ્યું કે, તમે નિયમો મુજબ જ કામ કર્યું છે અને સારવાર આપી છે.
   ’ પત્રમાં વધુમાં કહેવાયું છે કે, ‘જાહેર જીવનમાં રહેલી વ્યક્તિ પાસેથી ચોક્કસ અપેક્ષાઓ હોય તે સ્વાભાવિક છે અને હું દર્દીઓના લાભાર્થે કેન્સર સોસાયટી દ્વારા જે સેવા આપવામાં આવે છે તેના માટે 1 લાખ રૂપિયાનો ચેક મોકલી રહ્યો છું.’

(1:09 am IST)