Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

જળસંચય અભિયાન : શ્રમદાનથી જોડાવવાનું મુખ્યમંત્રીનું આહવાન

ગુજરાતના સ્થાપના દિવસની ભવ્ય અને શાનદારરીતે ઉજવણીઃ પાણી જ પ્રગતિનો મુખ્ય આધાર છે : અભિયાન ગુજરાતમાં પાણીના દુકાળને ભુતકાળ બનાવશે : ૫૮માં સ્થાપના દિવસે રાજ્યવ્યાપી સુજલામ સુફલામ

અમદાવાદ,તા. ૧ : ગુજરાતના ૫૮માં સ્થાપના દિવસની આજે પરંપરાગતરીતે ઉજવણી કરવામાં આવી હતી. જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ગુજરાતના ગૌરવને યાદ કરી સિદ્ધિઓની પણ વાત કરવામાં આવી હતી. જુદા જુદા કાર્યક્રમોમાં પ્રધાનો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સામાન્ય લોકો જોડાયા હતા. સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૫૮માં ગુજરાત ગૌરવ દિવસે અંકલેશ્વરના કોસમડી તળાવથી રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો શુભારંભ કરાવતા કહ્યું હતું કે, સુજલામ સુફલામ જળસંચય અભિયાનથી ગુજરાત પાણીના દુકાળને ભૂતકાળ બનાવશે. જન- જનને વરસાદી પાણીના સંગ્રહ સાથે પાણીના એક એક બૂંદને પરમેશ્વરનો પ્રસાદ માની ઉપયોગ કરવાનું આહવાન કરતા મુખ્યમંત્રીએ આ જળ અભિયાનમાં ગુજરાતનો પ્રત્યેક નાગરિક શ્રમદાન, સમયદાનથી જોડાઈને યોગદાન આપે તેવો સંકલ્પ કરવા પ્રેરણા આપી હતી. પાણી જ વિકાસનો આધાર છે, જો પાણી નહીં હોય તો વિકાસ અસંભવ છે, એવો સ્પષ્ટ મત વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ ગુજરાતનું આ જળ અભિયાન દેશને નવો રાહત બતાવશે તેમ જણાવ્યુ ંહતું. વિજય રૂપાણીએ વરસાદી પાણીના સંગ્રહ સાથે જ વરસાદ આવે પછી મોટા પાયે વૃક્ષો વાવવા, અને જળ અભિયાન દરમિયાન નદીઓના કાંઠાની સફાઈ કરી, નદઓને પુનર્જિવિત કરવા પણ અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ સમુદ્રના ખારા પાણીને ડિસેલિનેશન પ્લાન્ટ દ્વારા પીવાલાયક મીઠા બનાવવાના રાજ્ય સરકારના આયોજન તેમજ પાણીનો રી યુઝ કરી સાયકલ રિડ્યુસના અભિગમની પણ ભૂમિકા આપી હતી. વિજય રૂપાણીએ ભાડભુડ બેરેજ યોજના દ્વારા આગામી દિવસોમાં ભરુચ વિસ્તારની પાણીની સમસ્યામાંથી પ્રજાજનોને કાયમી છુટકારો મળશે તેમ જણાવી આ કામગીરી ટેન્ડરિંગ પ્રક્રિયા સુધી પહોંચી હોવાું પણ જણાવ્યું હતું. સ્વ. કનૈયાલાલ મુન્શીના વતન એવા ભરુચ ખાતેથી ભૂતકાળમાં તેમણે આરંભેલા વૃક્ષારોપણ અભિયાનની પવિત્ર ભૂમિ ઉપરથી જ આજે સુજલામ સુફલામ જળસંચય યોજનાનો પ્રારંભ થઇ રહ્યો છે તેમ પણ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું. ગુજરાત રાજ્યની સ્થાપના બાદ વિષમ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ગુજરાતને વિકાસની રાહ ઉપર લાવવાનું ભગિરથ કાર્ય કરનારા મહાનુભાવો સહિત મહાગુજરાતની ચળવળના લડવૈયાઓ એવા નામી-અનામી અસંખ્ય લોકોએ ગુરાતને અગ્રેસર કરવામાં પોતાનું યોગદાન આપ્યું છે તેમ જણાવી મુખ્યમંત્રીએ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની દીર્ધદ્રષ્ટિને કારણે આજે ગુજરાત સમગ્ર દેશમાં દરેક ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા સાબિત કરી રહ્યું છે તેમ જણાવ્યુ હતું.

(10:03 pm IST)