Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

સાવકા પિતાએ જ બળાત્કાર ગુજારી પુત્રીને ગર્ભવતી કરી

પિતા-પુત્રીના સંબંધોને લજવતા કિસ્સો સપાટીએ : દુષ્કર્મનો ભોગ બનેલી પુત્રીએ સાવકા પિતા-માતાની સામે અંતે પોલીસમાં કરેલી ફરિયાદ : સાવકા પિતાની ધરપકડ

અમદાવાદ,તા. ૧ : શહેરના સેટેલાઇટ વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતો અને પિતા-પુત્રીના સંબંધોને લજવતા એક કિસ્સામાં સાવકા પિતાએ પોતાની પુત્રી પર એટલી હદે દુષ્કર્મ આચર્યું કે, તેણી ગર્ભવતી બની અને બાળકને જન્મ આપ્યો. જો કે, બાળક અધૂરા મહિને જન્મ્યુ હોઇ મૃત્યુ પામ્યું હતું. સાવકા પિતાના અત્યંત ઘૃણાસ્પદ અને ફિટકારભર્યા કૃત્યને લઇ સમસમી ઉઠેલી પુત્રીએ આખરે સેટલાઇટ પોલીસ મથકમાં સાવકા પિતા અને માતા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. ચોંકાવનારી વાત તો એ છે કે, પુત્રી પર સાવકા પિતાના દુષ્કર્મની આ ઘટનાની જાણ ખુદ તેણીને જન્મ આપનારી સગી જનેતાને જાણ હોવાછતાં તેણે આ મામલે પોતાની પુત્રીને કોઇ બચાવ કર્યો ન હતો. પોલીસે પુત્રીની ફરિયાદના આધારે આરોપી સાવકા પિતા રમેશભાઇની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે, સાણંદના એક ગામમાં રહેતી ૧૯ વર્ષીય યુવતીની માતા તેના અસલ પિતા સાથે મનમેળ નહી ખાતાં બે વર્ષ પહેલાં સેટેલાઇટ વિસ્તારમાં રાજીવનગર વિસ્તારમાં ડો.હર્ષના દવાખાનાની ગલીમાં રહેતા રમેશભાઇ સાથે રહેવા જતી રહી હતી. છેલ્લા એકાદ વર્ષથી વેકેશન અને રજાઓના કારણે મારી માતા તથા સાવકા પિતાને ત્યાં યુવતી રહેવા આવતી હતી. જો કે, સાવકા પિતાએ પોતાની પુત્રી પર નજર બગાડી હતી અને અવારનવાર તેની સાથે શારીરિક અડપલાં કરતો હતો. આ અંગે યુવતીએ તેની જનેતાને ફરિયાદ પણ કરી હતી. તેથી તેણે સમજાવ્યું હતું કે, તારા સાવકા પિતા તને લાડ કરે છે, તારી સાથે ખોટું કામ ના કરે. જેથી યુવતી એ વખતે કંઇ બોલી નહી પરંતુ ગત દિવાળી વેકેશનમાં તે અહીં રહેવા આવી ત્યારે સાવકા પિતા રમેશભાઇએ રાત્રિના સમયે તેણીની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે તેણે પોતાની માતાને જાણ કરતાં માતાએ પણ કંઇ કર્યું ન હતું. એ પછી યુવતીને અવારનવાર પેટમાં દુખાવો રહેતો હતો, જેથી પેટમાં દુખાવો મટાડવાની દવા લેતી હતી. દરમ્યાન તેણે તબીબી તપાસ કરાવી તો ખબર પડી કે, તેણી ગર્ભવતી છે, તેથી તેમણે સમગ્ર ઘટનાની જાણ તેની માતાને અને સાવકા પિતાને કરી હતી, પરંતુ તેઓએ ઉલ્ટાનું તેને તેમની સાથે રહેવા આવી જવા અને તેનો ગર્ભ પડાવી નાંખીશુ એમ કહ્યું હતું. જેથી યુવતી તેઓની સાથે રહેવા ગઇ ન હતી. આખરે બે દિવસ પહેલાં પુત્રી જયારે તેના મામાના ઘેર ગઇ હતી ત્યાં અચાનક તેની તબિયત બગડી હતી અને બ્લીડીંગ ચાલુ થઇ ગયું હતું, જેથી તેને તાત્કાલિક વીએસ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી, જયાં તેણીએ એક બાળકને જન્મ આપ્યો હતો પરંતુ બાળક અધૂરામહિને જન્મ્યુ હોઇ મૃત્યુ પામ્યું હતું. આમ, ખુદ સગી જનેતા અને સાવકા પિતા દ્વારા જ માનવતાને નેવે મૂકી દેવા હીન કૃત્ય આચરાતાં અને પોતાની જીંદગી દોઝખ ખરી નાંખતાં આખરે યુવતીએ પોતાની સગી જનેતા અને સાવકા પિતા વિરૂદ્ધ સેટેલાઇટ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપી સાવકા પિતા રમેશભાઇની ધરપકડ કરી હતી.

(7:56 pm IST)