Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

ભ્રષ્ટાચાર કેસ : જમીન વિકાસ નિગમના એમડીની અટકાયત

દેત્રોજાને સોલા ભાગવત પાસેથી પકડી પડાયા : સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર ભ્રષ્ટાચારના કેસમાં બે આરોપી ફરાર : સરકારી કર્મચારીઓમાં ભારે ફફડાટ

અમદાવાદ,તા. ૧ : ગાંધીનગરમાં આવેલી ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની કચેરીમાં એસીબીના દરોડામાં લાખો રૂપિયાના ભ્રષ્ટાચારના રાજયભરમાં ખળભળાટ મચાવનારા કેસમાં આજે મુખ્ય સૂત્રધાર એવા નિગમના એમડી કે.એસ.દેત્રોજાની ધરપકડ થતાં ચકચાર મચી ગઇ હતી. જમીન વિકાસ નિગમની કચેરી સહિતના સ્થળોએ એસીબીના દરોડાના દિવસથી આરોપી ઉચ્ચ અધિકારી કે.એસ.દેત્રોજા નાસતા ફરતાં હતા, જેમને આજે શહેર ક્રાઇમબ્રાંચે ચોકક્સ બાતમીના આધારે શહેરના સોલા ભાગવત વિદ્યાપીઠ રોડ પાસેથી રંગેહાથ ઝડપી લીધા હતા. ભ્રષ્ટાચારના ચકચારભર્યા કેસમાં હજુ બે આરોપીઓ ફરાર છે, જેઓને પકડવા પણ પોલીસે તપાસ જારી રાખી છે. તાજેતરમાં જ રાજય સરકાર દ્વારા ચકચારભર્યા આ કૌભાંડમાં શિક્ષાત્મક કાર્યવાહીનો સપાટો બોલાવવામાં આવ્યો હતો અને ગુજરાત રાજય જમીન વિકાસ નિગમના જોઇન્ટ ડાયરેકટર આરોપી કે.સી.પરમારનો એક વર્ષનો સરકાર સાથેનો કરાર તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યો હતો. સાથે સાથે આ સમગ્ર ભ્રષ્ટાચાર કૌભાંડમાં સંડોવાયેલા મેનેજીંગ ડિરેકટર કે.એસ.દેત્રોજા, મદદનીશ નિયામક એમ.કે.દેસાઇ અને ફિલ્ડ સુપરવાઇઝર એસ.એમ.વાઘેલાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. હવે આજે મુખ્ય સૂત્રધાર એવા કે.એસ.દેત્રોજાની ધરપકડ થતાં અને સરકારની શિક્ષાત્મક કાર્યવાહીને પગલે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. ગુજરાત રાજય જમીન વિકાસ નિગમના ભ્રષ્ટાચારના કૌભાંડમાં તપાસ દરમ્યાન અગાઉ એવો ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો હતો કે, ગુજરાત રાજ્યમાં આવેલી જમીન સંપાદનની કચેરીઓના ઓફિસરો સરકારી ગ્રાન્ટના પૈસા મંજૂર કરવા માટે લોકો પાસેથી પૈસા લેતા હતા. આ પૈસા આખી ચેઈન મારફતે મેનેજિંગ ડિરેક્ટર કે.એસ.દેત્રોજા સુધી પહોંચતા હોવાનો પણ ઘટસ્ફોટ તપાસમાં થયો હતો. આ સમગ્ર કૌભાંડ છેલ્લા બે વર્ષથી ચાલતું હતું.  ગાંધીનગરની ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની કચેરીમાં  તાજેતરમાં એસીબીના અધિકારીઓએ દરોડા પાડયા હતા, જેમાં મેનેજિંગ ડિરેક્ટર ડો.કે.એસ.દેત્રોજા, જોઈન્ટ ડાયરેક્ટર કે.સી.પરમાર, મદદનીશ નિયામક એમ.કે. દેસાઇ, ફિલ્ડ સુપરવાઈઝર એસ.એમ. વાઘેલા અને કંપની સેક્રેટરી એસ.વી.શાહ પાસેથી રોકડા રૂ.૫૬.૫૦ લાખ મળી આવ્યા હતા. બાદમાં એસીબી દ્વારા સાબરકાંઠા, પાટણ સહિતની અન્ય કચેરીઓ અને આરોપી અધિકારીઓના નિવાસસ્થાન પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અધિકારી એમ.કે.દેસાઇના ઘરેથી વધુ રૂ.૬૩ લાખ અને પાંચેયના ઘરેથી રૂ.૫૬ લાખનું રાચરચિલું મળી આવ્યું હતું. જેના આધારે એસીબીએ પાંચેય વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. એસીબીના અધિકારીઓએ આરોપી અધિકારીઓની ઓફિસ, નિવાસસ્થાનેથી કોમ્પ્યુટર, સીપીયુ, પેન ડ્રાઇવ, હાર્ડડિસ્ક સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. એસીબીના ઇતિહાસમાં આ સૌથી મોટી રેડ હતી.

(7:55 pm IST)