Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

તમામ અટકાયતી પગલા છતાં ઝાડા ઉલ્ટીના ૭૯૦ કેસો થયા

કમળાના ૨૮ દિવસના ગાળામાં ૨૧૨ કેસ : ૨૦૧૭ની તુલનામાં વર્ષ ૨૦૧૮માં એપ્રિલના મહિનામાં સાદા મેલેરિયાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો : રિપોર્ટ

અમદાવાદ, તા.૧ : ગરમીના પ્રકોપ વચ્ચે પાણીજન્ય રોગના કેસોમાં તમામ અટકાયતી પગલા લેવામાં આવ્યા હોવા છતાં વધારો જોવા મળ્યો છે. પાણીજન્ય રોગચાળાના અટકાયતી પગલારુપે પાણીના મુખ્ય સ્ત્રોત અને ઘરોમાંથી ચાલુ માસ દરમિયાન જુદા જુદા ટેસ્ટ કરવામાં આવ્યા છે પરંતુ કેસોમાં વધારો થયો છે. એપ્રિલ મહિનામાં ઝાડા ઉલ્ટીના ૭૯૦ કેસો નોંધાઈ ગયા છે જ્યારે એપ્રિલ ૨૦૧૭ દરમિયાન ૬૧૮ કેસ નોંધાયા હતા. એપ્રિલ મહિનામાં કમળામાં ૨૧૨ કેસો નોંધાઈ ગયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળાને કાબુમાં લેવા વિવિધ પગલા લેવામાં આવ્યા હોવા છતાં નવા કેસ નોંધાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તંત્રના પગલા બિનઅસરકારક સાબિત થઇ રહ્યા છે. પાણીજન્ય રોગના કેસોની વાત કરવામાં આવે તો એપ્રિલ મહિનાના માત્ર ૨૮ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૭૯૦, કમળાના ૨૧૨, ટાઇફોઇડના ૨૪૧ કેસ સપાટી ઉપર આવ્યા છે. મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો એપ્રિલ મહિનાના ૨૮ દિવસના ગાળામાં જ સાદા મેલેરિયાના ૨૪૮ કેસ સપાટી ઉપર આવ્યા છે. ઝેરી મેલેરિયાના ૧૭ કેસો નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુના ૧૬ મામલા સપાટી ઉપર આવ્યા છે. જ્યારે ચિકનગુનિયાના ૪ કેસ નોંધાયા છે. એપ્રિલ ૨૦૧૭ સાવચેતીના દરમિયાન લેવામાં આવેલા ૫૮૨૫૩ લોહીના નમૂના સામે વર્ષ ૨૦૧૮માં ૨૮મી એપ્રિલ સુધીમાં ૭૯૧૫૨ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી ચુકી છે. હેલ્થ ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા જુદા જુદા વિસ્તારોમાંથી કુલ વર્ષ ૨૦૧૭ દરમિયાન ૧૭૪૯ અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ૧૭૭ નમૂના અપ્રમાણિત જાહેર થયા હતા. માર્ચ ૨૦૧૮માં ૧૭૫ નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ૧૪ અપ્રમાણિત જાહેર થયા હતા અને ૧૬૧ નમૂના પ્રમાણિત જાહેર થયા હતા આવી જ રીતે ૨૮મી એપ્રિલ ૨૦૧૮ સુધીમાં ૧૨૩ અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં પાંચ નમૂના અપ્રમાણિત જાહેર થયા છે. ૫૦ નમૂના પ્રમાણિત જાહેર થયા છે અને ૬૮ નમૂના તપાસવાના બાકી છે. આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગને રોકવા વિવિધ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં કેસ સપાટી ઉપર આવી રહ્યા છે.અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સતત ફેરફાર થવાના કારણે રોગચાળાના કેસોમાં વધારો થયો છે. આ અંગેની વિગત એવી છે કે,સમગ્ર રાજયની સાથે અમદાવાદ શહેરમાં પણ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં છેલ્લા કેટલાક દિવસોથી નોંધપાત્ર ફેરફાર થયા છે.

રોગચાળાનું ચિત્ર.....

અમદાવાદ, તા.૧ : અમદાવાદ શહેરમાં રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે જેના લીધે કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસ નીચે મુજબ છે.

મચ્છરજન્ય કેસો

વિગત                 એપ્રિલ ૨૦૧૭   એપ્રિલ ૨૦૧૮

સાદા મેલેરીયાના કેસો ૬૪૮            ૨૪૮

ઝેરી મેલેરીયાના કેસો  ૧૦              ૧૭

ડેન્ગ્યુના કેસો          ૨૬              ૧૬

ચીકુનગુનિયા કેસો     ૧૩              ૦૪

પાણીજન્ય કેસો

ઝાડા ઉલ્ટીના કેસો    ૬૧૮            ૭૯૦

કમળો                 ૧૬૩            ૨૧૨

ટાઈફોઈડ             ૨૦૧            ૨૪૧

કોલેરા                ૦૫              ૦૦

આરોગ્ય વિભાગના પગલા

       અમદાવાદ, તા.૧ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા વર્તમાન મહિનામાં રોગચાળાને રોકવા માટે જે પગલા લેવાયા છે તે નીચે મુજબ છે.

ક્લોરિન ટેસ્ટ............................................ ૩૫૯૫૯

બેક્ટેરીયોલોજીક તપાસ માટે નમૂના............. ૩૩૫૭

બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો નાશ............. ૯૩૦૮

ક્લોરીન ગોળીઓનું વિતરણ.................... ૭૪૧૯૫૦

જંતુનાશક દવાનો છંટકાવ....................... ૩૭૫૫૮૦

નોટિસ અપાઈ............................................. ૧૯૫૮

નિકાલ કરેલ ફરિયાદ.................................. ૩૯૬૮

મોબાઇલ કોર્ટ દ્વારા દંડ........................... ૨૦૧૬૫૦

વહીવટી ચાર્જ...................................... ૧૯૧૮૬૬૩

(7:34 pm IST)