Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

બોરસદના વીરસદમાં ગ્રામસભામાં પ્રશ્નો પૂછવા બાબતે થયેલ મારામારીમાં આરોપીને ધરપકડ

બોરસદ:તાલુકાના વીરસદ ગામે ગત ૨૪મી તારીખના રોજ યોજાયેલી ગ્રામસભામાં પ્રશ્નો પુછવાની બાબતે થયેલી મારામારીના કેસમાં સંડોવાયેલા આરોપીઓને ત્વરીત પકડીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરતી એક અરજી ફરિયાદી દ્વારા જીલ્લા કલેક્ટરને કરવામાં આવી છે.
ફરિયાદી હર્ષદભાઈ રાવજીભાઈ પટેલે જણાવ્યું છે કે, ગત ૨૪મી તારીખના રોજ તેમની સાથે મારામારી કરીને રોકડા ત્રણ હજાર લૂંટી લઈને મોબાઈલ ફોન તોડી નાંખવામાં આવ્યો હતો જે સંદર્ભે ઋષિત મણીભાઇ કા. પટેલ, શૈલેષભાઈ ગોરધનભાઈ કા. પટેલ તથા મનિષભાઈ જયંતિભાઈ કા. પટેલ વિરૂધ્ધ ફરિયાદ આપી હતી.
જો કે આ ફરિયાદ બાદ વીરસના પુર્વ સરપંચ અને હાલના સરપંચના પતિ તથા ડેપ્યુટી સરપંચ અશ્વિનભાઈ કા. પટેલ દ્વારા જુદી-જુદી જગ્યાએ ખોટી હકિકતો ઉપજાવી કાઢીને ફરિયાદ ખોટી છે તેવું સાબિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અશ્વિનભાઈ કા. પટેલ વિરૂદ્ઘ ભુતકાળમાં પણ ઠગાઈ, છેતરપીંડીની ફરિયાદ વીરસદ પોલીસ મથકે થવા પામી છે. દશ મહિના પહેલા પણ એક ગુનો દાખલ થવા પામ્યો છે જેમાં પોલીસ જાતે ફરિયાદી બની છે. જ્યારે બનાવ બન્યો ત્યારે અશ્વિનભાઈ સ્થળ પર હાજર ના હોવા છતાં પણ ખોટી અરજીઓ કરવામાં આવી રહી છે જેથી આ ગુનાની તટસ્થ અને ન્યાયી તપાસ કરીને સંડોવાયેલા તમામની ત્વરીત ધરપકડ કરવાની માંગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, ૨૭મી તારીખના રોજ અશ્વિનભાઈ કા. પટેલ દ્વારા જીલ્લા પોલીસ વડાને એક પત્ર લખીને ઈપીકો કલમ ૩૯૨ની કલમ હટાવીને ન્યાયી તપાસની માંગણી કરી હતી અને જો તેમ નહીં થાય તો ૧લી મેથી ઉપવાસ આંદોલન ચાલુ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. નવાઈની વાત તો એ છે કે તેમના વિરૂધ્ધ ફરિયાદ થઈ નથી પછી તેમણે તટસ્થ તપાસ કરીને ઈપીકો કલમ ૩૯૨ની કલમ નહીં હટાવવામાં આવે તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

(6:28 pm IST)