Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

ગુજરાત પોલીસ તંત્રના ઈતિહાસની અનેરી ઘટનાઃ આઈપીએસ માફક પોલીસમેન અને ડીવાયએસપીને ડેપ્યુટેશન પર જવાની તક

મધ્યપ્રદેશ પોલીસ તંત્રમાં સેવા આપવાની ઈચ્છા ધરાવનારાઓ પાસે રાજ્યભરમાંથી નામો મંગાયાઃ કેન્દ્રના નાર્કોટીકસ બ્યુરોમાં પણ જઈ શકાશે

રાજકોટ, તા. ૧ :. રાજ્યના પોલીસ વડાની કચેરી દ્વારા ગુજરાતભરના પોલીસ તંત્રના પોલીસ કોન્સ્ટેબલથી લઈ ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને ગુજરાત પોલીસ તંત્રના ઈતિહાસમાં ડેપ્યુટેશન પર ફરજ બજાવવાની ઈચ્છા હોય તો આવા ઈચ્છુક કર્મચારીઓના અને અધિકારીઓના નામો મોકલી આપવા ફેકસ મેસેજથી સંદેશાઓ પાઠવવામાં આવ્યા છે.

મધ્યપ્રદેશ પોલીસ દ્વારા ગુજરાતના ડીજીપીને પાઠવેલ પત્ર સંદર્ભે આવી કાર્યવાહી રાજ્યના પોલીસ વડાની કચેરી દ્વારા કરવામાં આવી છે. અત્રે યાદ રહે કે આજ સુધી ડેપ્યુટેશન પર આઈપીએસ કક્ષાના એસપીથી લઈ ડીજીપી કક્ષાના અધિકારીઓ જ ડેપ્યુટેશન પર જતા હોય છે અને કેન્દ્ર દ્વારા તેમના હોદ્દા એમપેનલ્ડ કરવામાં આવતા હોય છે. તાજેતરમાં જ ગુજરાત કેડરના કાર્યદક્ષ ૧૯૮૭ બેચના આઈપીએસ કે જેઓ સીબીઆઈમાં જોઈન્ટ ડાયરેકટર તરીકે ફરજ બજાવે છે. તેમને એડીશ્નલ ડીજીપી દરજ્જે એમપેનલ્ડ કરવામાં આવ્યા છે.

દરમિયાન કેન્દ્રના નાર્કોટીકસ બ્યુરો દ્વારા નશાના કારોબારીઓ પર ધોંસ બોલાવવા માટે અનુભવી પોલીસમેનોની દેશભરમાંથી ડેપ્યુટેશન પર લેવાના નિર્ણયનો પણ અમલ શરૂ થયો છે. રાજ્યના પોલીસ વડાના કાર્યાલય દ્વારા નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરોની માંગણી મુજબ નાર્કોટીકસ બ્યુરોમાં સેવા આપવા માગતા કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીઓના નામો માગવામાં આવતા આવા નામો માટે પણ અલગથી રાજ્યભરમાં પોલીસ વડા દ્વારા ફેકસ મેસેજથી માહિતી માગવામાં આવ્યાનું જાણવા મળે છે.

(3:48 pm IST)