Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

ગાંધીજી અને સરદાર પટેલની ભૂમિનું દેશની પ્રગતિ- વિકાસમાં અગ્રેસર રહે:ગુજરાતની સ્થાપના દિને દિલ્હી સુધીના નેતાઓની શુભેચ્છા

રાષ્ટ્રપતિ,વડાપ્રધાન ,મુખ્યમંત્રી પરિમલ નથવાણી, ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, સાંસદ અહેમદ પટેલ, શંકરસિંહ વાધેલા, અમિત ચાવડા સહિત અનેક આગેવાનોએ શુભકામના પાઠવી

અમદાવાદ :આજે ગુજરાતનો 58મો સ્થાપના દિવસની રાજ્યભરમાં હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.ગુજરાતના સ્થાપના દિવસે રાષ્ટ્રપતિ,વડાપ્રધાન મુખ્યમંત્રી સહિતના રાજનેતાઓએ શુભેચ્છા પાઠવી છે
   અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળના બે મોટા નેતાઓ ભેટ આપ્યા છે. એક છે મહાત્મા ગાંધી અને બીજા છે સરદાર વલ્લભભાઈ પટેલ.આ સાથે જ ગુજરાતે વિશ્વના બે દેશોને રાષ્ટ્રપિતા આપ્યા છે. જેમાં ભારતને મહાત્મા ગાંધી અને પકિસ્તાનને મહમદ અલી ઝીણા. આ ઉપરાંત ગુજરાતે ભારતને મોરારજી દેસાઈ જેવા સિધ્ધાંતવાદી અને રાષ્ટ્રપ્રેમી પ્રધાનમંત્રી પણ આપ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી હતા કે જેમણે 600 કરતા પણ વધારે રજવાડાઓને એકઠા કરીને બૃહદ ભારતની રચના કરી હતી.તો આજના ગુજરાતનો પાયો ઈન્દુચાચાએ નાંખ્યો હતો. 1મેં 1961ના રોજ ગુજરાતી ભાષી રાજ્ય ગુજરાતની થઈ સ્થાપના હતી અને ડો.જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા.ત્યારે આજના આ દિવસે પીએમ મોદીથી લઈને રાષ્ટ્રપતિ સહિતના નેતાઓએ ગુજરાતને શુભકામના પાઠવી છે.

  પીએમ મોદીએ ગુજરાતમાં ટ્વિટ કરીને લખ્યું છે કે, 'ગુજરાત દિવસની સૌને શુભકામનાઓ! વેપાર અંગેની કુશળતા અને સાદગી - આ બે ગુણોને કારણે ગુજરાતીઓ પ્રખ્યાત છે. ભારતના ઇતિહાસમાં, ખાસ કરીને આઝાદીની લડાઈમાં, ગુજરાતીઓનું પ્રશંસનીય યોગદાન રહ્યું છે. ભારતના વિકાસમાં ગુજરાતનું પ્રદાન હંમેશા અગ્રેસર રહે એવી મનોકામના: પ્રધાનમંત્રી #GujaratDay'

   ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે પણ ગુજરાતમાં ટ્વિટ કરીને ગુજરાતવાસીઓને શુભકામના પાછવી હતી, 'ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ નિમિતે મારા સહુ ગુજરાતી ભાઈઓ અને બહેનોને હાર્દિક શુભકામનાઓ.મહાત્મા ગાંધી અને સરદાર પટેલની આ ભૂમીનું દેશની પ્રગતિ અને વિકાસમાં હમેશાં અગ્રણી સ્થાન રહ્યું છે.જય જય ગરવી ગુજરાત'

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ટ્વિટ કરીને ગુજરાત વાસીઓને શુભકામના પાઠવી હતી.'ગુજરાત સ્થાપના દિને, હું વત્સલ ગુજરાતીઓનું હાર્દિક અભિવાદન કરી, આપ સૌને અંતઃકરણપૂર્વક શુભકામનાઓ પાઠવું છું. આગામી વર્ષોમાં રાજ્ય સફળતાના વધુને વધુ ઊંચા શિખરો સર કરે એવી મનોકામના...!'

   મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ ટ્વિટર પર ટ્વિટ કરીને ગુજરાતવાસીઓને શુભકામના પાઠવી છે. 'ગુજરાત' એ માત્ર ભૌગોલિક ઓળખ નથી, 'ચેતના' છે. ચાલો આપણે સૌ ગુજરાત સ્થાપના દિને આ 'ચેતના'ને આપણામાં સંકોરીએ..ઉજવીએ! ગુજરાત ગૌરવ દિન નિમિતે અનેકાનેક શુભેચ્છાઓ!

આ ઉપરાંત પરિમલ નથવાણી, ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, સાંસદ અહેમદ પટેલ, શંકરસિંહ વાધેલા, અમિત ચાવડા સહિત અનેક આગેવાનોએ સોશ્યલ મીડિયા થકી ગુજરાત સ્થાપના દિનની શુભકામના પાઠવી હતી

 

(3:50 pm IST)