Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

ચૂંટણી અગાઉ પાટીદારોને મનાવવાની લોલીપોપ એટલે કમિશન : હાર્દિક

સુરતમાં ત્રણ દિ'નું રોકાણ : ભાજપ વિરૂદ્ધ રણનીતિ ઘડાશે

અમદાવાદ : પાટીદારો પર પોલીસ અત્યાચાર   મામલે   રાજય સરકારે નિમેલુ પૂંજ કમિશન રર

પાટીદારોને મનાવવા માટેની લોલીપોપ છે. ખરેખર તો પાટીદાર  અનામત આંદોલન દરમ્યાન  પોલીસ દમનના મુખ્ય સૂત્રધાર તો હાલના ભાજપ પ્રમુખ છે. જે વખતે ધમાલ થઈ તેમાના કેટલાકનું પ્રમોશન થયું છે તો કેટલાક દિલ્હીમાં બેઠા છે એમ પોતાની પ્રતિક્રિયા આપતા પાસના  કન્વીનર હાર્દિક પટેલે જણાવ્યું   હતું. 

 પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ ગઈકાલે રાજદ્રોહ કેસમાં સુરત કોર્ટમાં હાજર રહ્યો હતો. એ દરમ્યાન પાટીદાર અનામત  આંદોલન  વખતે પાટીદારો પર થયેલા પોલીસ દમનની તપાસ માટે રચાયેલા પૂંજ તપાસ પંચ અંગે પોતાની પ્રતિક્રિયા આપતાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જે પંચની રચના કરવામાં આવી છે તે   ૨૦૧૯ની   લોકસભા ચૂંટણીને અનુલક્ષીને છે. નારાજ પાટીદારોને મનાવવા માટેની એક લોલીપોપ છે, બીજુ કંઇ નહી.

હાર્દિક પટેલ રાજદ્રોહ કેસમાં કોર્ટમાં ચાર્જફ્રેમની શરૂઆત થઈ હોવાથી હાજર રહ્યો હતો. પંચોને બોલાવાયા હતાં પરંતુ પંચો હાજર રહી શકયા ન હતા. તેથી હાર્દિકે કહ્યું હતું કે, કેસમાં જાણી જોઈને ખોટી ઉતાવળ કરવામાં આવી રહી છે. કેસની સાથે તેઓ પણ આંદોલનને તેજ કરી રહ્યાં છે. સુરતમાં ત્રણેક દિવસના રોકાણ દરમિયાન વિવિધ મીટીંગોમાં તેઓ હાજર રહીને ફરીથી ભાજપ વિરૂદ્ધ રણનીતિ ઘડતાં હોવાનો તેણે ઘટસ્ફોટ કર્યો હતો. દરમ્યાન હાર્દિક પટેલે   ફરીથી ભાજપીઓનો વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી આપવાની સાથે  સરદારના  જન્મસ્થળ કરમસદમાં સરદાર સ્મારકને લઈને ચાલી રહેલા આંદોલન અંગે હાર્દિકે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં પણ  સરદાર  પટેલનું  કોઈ સ્મારક  નથી  ત્યારે  સ્મારક બનાવવું જોઈએ અને અમે આ આંદોલનને સંપૂર્ણ રીતે સપોર્ટ કરી રહ્યાં છીએ.  અત્યારે નહીં કરીએ તો ક્યારે સપોર્ટ કરીશું. સરદાર પટેલનું સ્મારક સૌ કોઇ માટે ગૌરવની વાત છે.

(1:08 pm IST)