Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

પાટીદારો ઉપર પોલીસ દમન તપાસનો ધમધમાટ

૨૫ મે સુધી નિવેદનો લીધા બાદ તપાસ પંચ સરકારનો રિપોર્ટ સબમીટ કરશે

રાજકોટ તા. ૧ : પાટીદાર અનામત આંદોલન-૨૦૧૫ દરમિયાન થયેલા તોફાન વખતે રાજયમાં કેટલાક સ્થળે પાટીદાર સમાજના લોકો પર પોલીસ દમનની બનેલી ઘટનાઓની તપાસ કરવા બનાવાયેલા જસ્ટિસ (નિવૃત) કે. એ. પૂજ તપાસ પંચ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં પોલીસ દમનનો ભોગ બનેલા પરિવારો અને સાક્ષીઓના નિવેદનો એફિડેવિટ બનાવીને પંચ સમક્ષ રજૂ કરવાના રહેશે. ૨૫ મે સુધી પંચ સમક્ષ નિવેદનો રજૂ કરી શકાશે. તે પછી તપાસ પંચ અભ્યાસ કરીને તેનો રિપોર્ટ સરકારને સોંપશે.

આંદોલન વખતે પોલીસના દમન સામે સમાજમાંથી પગલા લેવા માટે ઉગ્ર માગ ઉઠી હતી. તપાસ પંચની કામગીરી શરૂ થવાની સાથે જ પાટીદાર સંગઠનો અને કાર્યકરોમાં પણ તેની ચર્ચા શરૂ થઇ જવા પામી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે પાટીદાર અનામત આંદોલન સમિતિ સહિતના સંગઠનો સાથે થયેલા સમાધાનના ભાગરૂપે ઓકટોબર-૨૦૧૭માં તપાસ પંચની રચનાનો સરકારે નિર્ણય લીધો હતો.

હાઇકોર્ટના નિવૃત ન્યાયમૂર્તિ કે. એ. પૂજના તપાસ પંચે ૨૫ ઓગસ્ટ ૨૦૧૫ અને તે પછીના દિવસો દરમિયાન પોલીસ દમનની જે ઘટનાઓ બની હતી તેમાં ખરેખર શું થયું હતું અને પોલીસ દમનની જે ફરિયાદ ઉઠી છે તેમાં તથ્ય કેટલું છે તેની તપાસના ભાગરૂપે જે તે ઘટનાઓ સાથે સંકળાયેલા પરિવારો અને સાક્ષીઓના નિવેદનો રજૂ કરવા માટે જણાવ્યું છે.

અમદાવાદ, સુરત, ઉત્ત્।ર ગુજરાત અને રાજકોટ સહિત પાટીદારોની વસતી વધુ હોય તેવા અનેક સ્થળે બનાવો પોલીસ સાથે સંઘર્ષ અને અથડામણના બનાવો બન્યા હતા. જેમાં પોલીસે અમદાવાદના પૂર્વ વિસ્તાર સહિત કેટલીક જગ્યાએ જરૂર કરતા વધુ બળ વાપરીને અને અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો અને સોસાયટીઓમાં ઘૂસીને વાહનોની તોડફાડ કરી હોવાની ફરિયાદ પાસ સહિતના સંગઠનો દ્વારા કરાઇ હતી.

કાયદો-વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે ૧૦થી વધુ પાટીદાર યુવકોના ગોળીબારમાં મૃત્યુ પણ થયા હતા. જેથી જવાબદાર પોલીસ સામે તપાસ અને સજા કરવાની પાટીદાર સમાજમાંથી ભારે માગણી ઉઠી હતી. .

ઉલ્લેખનીય છે કે, જીએમડીસી ગ્રાઉન્ડમાં રાત્રે હાર્દિક પટેલે ઉપવાસ પર ઉતરવાની જાહેરાત કર્યા બાદ પોલીસે પગલા લેતા મામલો બિચકયો હતો અને તેના રાજયભરમાં પડઘા પડયા હતા. સરકારી મિલકતને પણ ટાર્ગેટ કરાતા કુલ ૪૨ કરોડ રૂપિયા જેટલું નુકસાન પણ થયું હતું અને પોલીસે કાયદો-વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે કાર્યવાહી કરી હતી.

(1:07 pm IST)