Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

સુજલામ સુફલામ અભિયાન પાણીના દુકાળને ભુતકાળ બનાવશેઃ વિજયભાઇ

ભરૂચ જીલ્લામાં રાજય કક્ષાના ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીઃ શ્રમદાન-સમયદાન આપવા આહવાન

ભરૂચ જીલ્લામાં રાજયના સ્થાપના દિવસની ઉજવણી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી અને ''સુજલામ સુફલામ'' જળ સંચય યોજનાનો પ્રારંભ કરાયો હતો.

ગાંધીનગર તા. ૧ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ૮માં ગુજરાત ગૌરવ દિવસે અંકલેશ્વરના  કોસમડી તળાવથી રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો શુભારંભ કરાવતા કાું કે, સુજલામ સુફલામ જળ સંચય અભિયાનથી ગુજરાત પાણીના દુકાળને ભૂતકાળ બનાવશે. જન જન ને વરસાદી પાણીના સંગ્રહ સાથે પાણીના એક એક બૂંદને પરમેશ્વરનો પ્રસાદમાની ઉપયોગ કરવાનું આહ્રવાન કરતા મુખ્યમંત્રીશ્રીએ આ જળ અભિયાનમાં ગુજરાતનો પ્રત્યેક નાગરીક શ્રમદાન, સમયદાનથી જોડાઇને યોગદાન આપે તેવો સંકલ્પ કરવા પ્રેરણા આપી હતી.

પાણી જ વિકાસનો આધાર છે, જો પાણી નહીં હોય તો વિકાસ અસંભવ છે, એવો સ્પષ્ટ મત વ્યકત  કરતા મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતનું આ જળ અભિયાન દેશને નવો રાહ બતાવશે તેમ જણાવ્યું હતું. શ્રી  વિજયભાઇ રૂપાણીએ વરસાદી પાણીના સંગ્રહ સાથે જ વરસાદ આવે પછી મોટા પાયે વૃક્ષો વાવવા, અને જળ અભિયાન દરમિયાન નદીઓના કાંઠાની સફાઇ કરી, નદીઓને પુનર્જિવિત કરવા પણ અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ સમુદ્રના ખારા પાણીને ડિસેલીશેન પ્લાન્ટ દ્વારા પીવા લાયક મીઠા બનાવવાના રાજ્ય સરકારના આયોજન તેમજ પાણીનો રી યુઝ કરી સાયકલ રિડ્યુસના અભિગમની પણ ભૂમિકા આપી હતી. શ્રી વિજયભાઇ રૂપાણીએ ભાડભૂડ બેરેજ યોજના દ્વારા આગામી દિવસોમાં ભરૂચ વિસ્તારની પાણીની સમસ્યામાંથી પ્રજાજનોને કાયમી છૂટકારો મળશે તેમ જણાવી, આ કામગીરી ટેન્ડરીંગ પ્રક્રિયા સુધી પહોંચી હોવાનું પણ જણાવ્યું હતું.

સ્વ.શ્રી કનૈયાલાલ મુન્શીના વતન એવા ભરૂચ ખાતેથી ભૂતકાળમાં તેમણે આરંભેલા વૃક્ષારોપણ  અભિયાનની પવિત્ર ભૂમિ ઉપરથી જ આજે સુજલામ સુફલામ જળસંચય યોજનાનો પ્રારંભ થઇ રહ્યો છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.

ગુજરાત રાજ્યની સ્થાપના બાદ વિષમ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ગુજરાતને વિકાસની રાહ ઉપર લાવવાનું ભગિરથ કાર્ય કરનારા મહાનુભાવો સહિત મહાગુજરાતની ચળવળના લડવૈયાઓ એવા નામી/અનામી અસંખ્ય લોકોએ ગુજરાતને અગ્રેસર કરવામાં પોતાનું યોગદાન આપ્યું છે, તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિને કારણે આજે ગુજરાત સમગ્ર દેશમાં, દરેક ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા સાબિત કરી રહ્યું છે તેમ જણાવ્યું હતું.

ગુજરાતમાં વિકસી રહેલા ઉદ્યોગ ગૃહોને કારણ ગુજરાતની કાયાપલટ થઇ રહી છે તેમ જણાવતા શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદના ગીફટ સિટીમાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર-વણજની વ્યાપક તકો ઉપલબ્ધ થઇ છે તેમ જણાવ્યું હતું. ભૃગુતિર્થ ભરૂચનો સ્વર્ણિમ ઇતિહાસ, અને અહીંનો સમૃદ્ધ વારસો તથા તેની ગરિમા ફરીથી ઉજાગર કરવાનો સંકલ્પ વ્યકત કરવાનો આ દિવસ છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

ગુજરાત સ્થાપના દિવસના સૌને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કલીન અને ગ્રીન ગુજરાતની પરિકલ્પનાને સાકાર કરવા માટે પણ સૌને અપીલ કરી હતી.

૨૭ હેકટરના વિશાળ કોસમડી તળાવ ખાતે જળસંગ્રહ થતા આસપાસના રપ જેટલા ગામોની  પાણીની સમસ્યા હલ થશે તેમ જણાવતા મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની સંવેદનાને ઝીલી સૌને આ મહાઅભિયાનમાં યોગદાન આપવા હાંકલ કરી હતી.

પ્રારંભે સુજલામ સુફલામ જળસંચય યોજનાની રૂપરેખા આપતા મુખ્ય સચિવ શ્રી જે.એન.સીંગે,  પ્રજાજનોની વ્યાપક ભાગિદારીથી આ અભિયાન અવિરતપણે ચાલુ રહે તે ઇચ્છનિય છે તેમ જણાવ્યું હતું. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતેના કોસમડી તળાવ ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્વયં જે.સી.બી. ચલાવીને રાજ્યવ્યાપી મહાઅભિયાનનો શ્રમદાન કરીને પ્રારંભ કરાવ્યો હતો. ત્યાર બાદ મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ કોસમડી તળાવના તીરે બાળવૃક્ષોનું વાવેતર કરી,     હરિયાળા ગુજરાતના નિર્માણની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ અહીં જળસંચયના સંકલ્પ સાથેના સીગ્નેચર કેમ્પેઇનનો પણ પ્રારંભ કરાવ્યો હતો. જ્યારે અહીં સ્થાનિક કલાકારો દ્વારા તેનની કળાને પ્રદર્શિત કરતી વિશાળ રંગોળી તથા તેના કલાકાર કસબીઓની પણ મુખ્યમંત્રીશ્રીએ મુલાકાત લીધી હતી. તળાવના કાંઠે તૈયાર કરાયેલા વિશાળ સામિયાણાંમાં જુદા જુદા સમાજના અગ્રણીઓ, મહાનુભાવો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું ભાવભિનુ સ્વાગત કરાયુ હતું. જિલ્લાના જુદા જુદા ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગકારોએ પણ મુખ્યમંત્રીશ્રીને સંકલ્પપત્ર તથા રોકડ રાશીના ચેક આ અભિયાન માટે અર્પણ કર્યા હતા. રાજ્ય સરકાર વતી મુખ્ય સચિવ શ્રી જે.એન.સીંગે ભરુચ જિલ્લા વહિવટી તંત્રને રૂ.૧ કરોડનો ચેક અર્પણ કર્યો હતો.

ઉલ્લેખનિય છે કે, સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત રાજ્યમાં અંદાજે ૧૩ હજાર  જેટલા તળાવો, ચેકડેમ, જળાશયો ઊંડા કરાશે, અને પરંપરાગત જળસ્ત્રોતોના નવિનિકરણના કામો હાથ ધરાશે. આ ભગિરથ કાર્યમાં રાજ્યની પ્રચંડ જનશકિતને જોડીને, અંદાજીત ૧૧૦૦૦ લાખ ઘનફૂટ વરસાદી પાણીના સંગ્રહના સંકલ્પ સાથે રાજ્યભરમાં એક માસનું જળ અભિયાન હાથ ધરાશે.

જેમાં ૪૦૦૦ થી વધુ જે.સી.બી.-હિટાચી, ૮૦૦૦ થી વધુ ટ્રેકટર-ડમ્પરનો ઉપયોગ કરાશે. તળાવો-ચેકડેમ ઊંડા કરવાથી ઉપલબ્ધ થનારી ફળદ્રૂપ માટી એક પણ પૈસાની રોયલ્ટી લીધા વિના પ્રજાજનોને તેમની જરૂીરયાત મુજબ આપવામાં આવશે.

અભિયાન દરમિયાન રાજ્યના ૩૦ જિલ્લાઓની અંદાજે ૩૪૦ કિલોમીટરની ૩૨ નદીઓ-કોતરોને પુનઃજિવિત કરાશે, તો ૫૪૦૦ કિલોમીટર લંબાઇની નહેરોની સાફસફાઇ અને ૫૮૦ કિલોમીટર લંબાઇના કાંસની પણ સફાઇ હાથ ધરાશે. દરમિયાન મનરેગા યોજના હેઠળ જળસંચય અને જળસંરક્ષણના ૧૦,૫૭૦ કામો પણ હાથ ધરાશે.

કોસમડી ખાતેના કાર્યક્રમમાં સાંસદ શ્રી મનસુખભાઇ વસાવા, ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઇ પટેલ,  સામાજિક કાર્યકર શ્રી ભરતસિંહ પરમાર, યુવા મોર્ચાના પ્રમુખ ડો.ઋત્વિજ પટેલ, જી.એન.એફ.સી.ના  મેનેજીંગ ડીરેકટર શ્રી રાજીવ ગુપ્તા, જળસંપત્તિ વિભાગના સચિવ શ્રી જાદવ, માહિતી નિયામક શ્રી અશોક કાલરિયા, પ્રભારી સચિવ શાહમિના હુસેન, ભરૂચ કલેકટર શ્રી રવિ કુમાર અરોરા, જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અગ્રે સહિતના ઉચ્ચાધિકારીઓ, પદાધિકારીઓ, સામાજિક કાર્યકરો, ઉદ્યોગગૃહોના સંચાલકો, પજાજનો, મીડિયાકર્મીઓ વિગેરેએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી.

આ વેળાએ મુખ્યમંત્રીશ્રીએ કબીરવડ વિકાસ પરિયોજના હેઠળ યાત્રાધામ શુકલતીર્થ ખાતે મા નર્મદાના પટમાં ધોવાણ અટકાવવા તેમજ પર્યાવરણ જતન માટે સામૂહિક વૃક્ષારોપાણ તથા કબીરવડ પ્રવાસન પરિયોજના હેઠળ સમાવિષ્ટ ચારઘાટ કબીરવડ મંગલેશ્વર, અંગારેશ્વર અને શુકલ તીર્થ ઘાટના વિકાસ માટે રૂ. ૪૦ કરોડના પ્રોજેકટનો પ્રારંભ કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, શુકલતીર્થ ખાતેઆ અભિયાન હેઠળ બે કિ.મી. વિસ્તારમાં સેવા ભાવિ સંસ્થાઓ સફાઇ દ્વાર આઠ દિવસ સુધી સફાઇ કામગીરી અને વૃક્ષારોપણ કરવામાં આવશે.

(1:20 pm IST)