Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

શાંત અને અહિંસા ગુજરાતના સંસ્કારઃ પટેલ

લડત લડનારા તમામને નમન કરી સૌને શુભકામના પાઠવતા અહેમદભાઇ

અમદાવાદ, તા., ૧: ગુજરાત સ્થાપના દિવસની સર્વે ગુજરાતીઓને ખુબ ખુબ શુભકામનાઓ. પ૮ વર્ષ પુર્વે આજના દિવસે આપણા ગુજરાતની પ્રાચીન ધરાએ નવા યુગમાં પ્રવેશ કર્યો. મહાગુજરાત આંદોલન આપણા સમૃધ્ધ ઇતિહાસનો એક યાદગાર પ્રસંગ હતો. હું આ મહાન ચળવળમાં ભાગ લેનાર અને ગુજરાત રાજયની સ્થાપના માટે લડત લડનારા તમામ લોકોને આભારપુર્વક નમન કરૂ છું અને જે મહાનુભાવો આપણી વચ્ચે નથી તેમને શ્રધ્ધાંજલી અર્પણ કરૂ છું તેમ રાજયસભાના સભ્ય અહેમદભાઇ પટેલે જણાવ્યું છે.

તેમના જણાવ્યા મુજબ આજનો દિવસ ગુજરાતની અસ્મિતાને ઉજવવાનો અવસર છે. આપણે વિશેષ ગર્વ અનુભવીએ છીએ કે આપણી ઉદ્યોગ સાહસીકતાની ભાવનાનાં પરીણામે જ ગુજરાત સદીઓ સુધી ભારતનાં વિકાસનું ગ્રોથ એન્જીન બની રહયું છે.

અહેમદભાઇ પટેલના જણાવ્યા મુજબ શાંતી અને અહિંસા ગુજરાતના સંસ્કાર છે. જેણે મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને અન્ય મહાનુભાવોને શાંતી અને અહિંસાના આદર્શને રાષ્ટ્રીય આંદોલનનાં આધાર બનાવવા માટે પ્રેરણા આપી. સામુહીક સંગઠનએ ગુજરાતનું વધુ એક યોગદાન છે. જેના થકી સમગ્ર દેશનાં ડેરી ઉદ્યોગમાં ક્રાંતીકારી પરિવર્તન આવ્યું છે. ઔદ્યોગીક ક્ષેત્રે ગુજરાતની હરણફાળ  શ્રમજીવીઓની સખત મહેનતનું પરીણામ છે તો બીજી તરફ ગુજરાતના ખેડુતોએ અનેક ક્ષેત્રોમાં ગુજરાતને વિશ્વ ફલક પાર સ્થાન અપાવ્યું છે.

(1:05 pm IST)