Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

જગદીશ પટેલની બિનહિસાબી સંપત્તિ અંગે સીઆઈડીએ એસીબીને ખાનગી રીપોર્ટ આપ્યો ?

પૂર્વ પોલીસવડાની મુશ્કેલીમાં વધારો થશેઃ સીઆઈડી બાદ હવે એસીબી દ્વારા તૂર્તમાં તપાસઃ ગૃહ મંત્રાલય પૂર્વ એસપીને ગમે ત્યારે ઘેર બેસાડતો હુકમ કરશે : ૧૭ પાસબુક-લેપટોપ અને પેનડ્રાઈવમાંથી સીઆઈડીને મિલ્કત અંગેના પુરાવાઓ સાંપડયાની જોરદાર ચર્ચાઓ, જો કે સીઆઈડી હજુ આ બાબતે 'મ્હો' ખોલવા તૈયાર નથીઃ વિશ્વભરની બજારોમાંથી કહેવાતા બીટકોઈન સોદાની માહિતી ન મળતા સીઆઈડીએ હવે ફરીયાદીના ભાગીદાર કીરીટ પાલડીયાની પૂછપરછની ગતિવિધિ અચાનક તેજ કરી દીધી

રાજકોટ, તા. ૧ :. સુરતના વિવાદાસ્પદ બિલ્ડર શૈલેષ ભટ્ટ તથા તેના ભાગીદાર અને ડ્રાઈવરનું અપહરણ કરી ગાંધીનગર નજીકના કેશવ ફાર્મમાં ગેરકાયદે ગોંધી રાખી કરોડોના બીટકોઈન પડાવી લઈ તેને ટ્રાન્સફર કરવાના મામલામાં જેમના પર આરોપ છે તેવા અમરેલીના પૂર્વ એસ.પી. જગદીશ પટેલની મુસીબતમાં વધારો થાય તેવા ચિન્હો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ સીઆઈડી ક્રાઈમ દ્વારા બેહિસાબી મિલ્કત સંદર્ભે થયેલ ખાનગી રીપોર્ટ અન્વયે લાંચ-રૂશ્વત વિભાગ દ્વારા પણ જગદીશ પટેલ સામે તપાસનો તૂર્તમાં ધમધમાટ કરવા તૈયારીઓ શરૂ થવાના નિર્દેશો મળે છે.

જાણકારો આનો અર્થ એવો કાઢે છે કે, હાલના તબક્કે સીઆઈડી તપાસને નુકશાન ન થાય તે માટે ભલે મૌન સેવી રહી હોય પરંતુ પૂર્વ એસ.પી.ની બ્રીફકેસમાંથી મળેલ લેપટોપ, પેનડ્રાઈવ અને ૧૭ પાસબુકમાંથી સીઆઈડીને બીનહિસાબી મિલ્કતના પુરાવા ચોકકસ સાંપડયા હશે માટે જ લાંચ-રૂશ્વત વિભાગમાં તેમના વિરૂદ્ધ ખાનગી રીપોર્ટ થયો હશે. એવુ કહેવાય છે કે ગૃહખાતા દ્વારા જગદીશ પટેલને ગમે ત્યારે ઘેર બેસાડતો હુકમ થાય તો પણ નવાઈ નહિં.

દરમિયાન ફરીયાદી શૈલેષ ભટ્ટ દ્વારા સીઆઈડીને પોતાની પાસેના બીટકોઈન અમરેલીના પૂર્વ એલસીબી પી.આઈ. અનંત પટેલ તથા અન્ય કોન્સ્ટેબલો દ્વારા ધાકધમકીથી પડાવી લઈ અન્ય ખાતામાં ટ્રાન્સફર થયાની જે ફરીયાદ કરી છે તે મામલે સીઆઈડી વડા આશિષ ભાટીયાના આદેશથી સીટ દ્વારા વિશ્વભરના સોદાઓ અંગેના રેકોર્ડોની ચકાસણી કરતા ફરીયાદીએ જણાવેલ બીટકોઈન સંદર્ભેના કોઈ સોદા થયા નથી. આવી હકીકત મળતા જ સીઆઈડી માથુ ખંજવાડતી થઈ ગઈ છે.

બીટકોઈનના ટ્રાન્જેકશન કઈ રીતે થયા ? કયા મોબાઈલમાં થયા ? સોદા થવા છતાં તેની વિગતો કઈ રીતે છુપાવવામાં આવી ? આ તમામ બાબતોનું રહસ્ય સીઆઈડી એક તબક્કે જેને સાક્ષી બનાવવા માગતી હતી અને ગઈકાલથી જેની પૂછપરછ ચાલુ થઈ છે તેવા ફરીયાદીના ભાગીદાર કીરીટ પાલડીયા પાસેથી મેળવવા માગે છે. જો કે હાલના તબક્કે સીઆઈડી સત્તાવાર રીતે એવુ જ જણાવે છે કે, કીરીટ પાલડીયાની કોઈ ધરપકડ કરવામાં આવી નથી. અત્યારે માત્ર આરોપી જ છે.

દરમિયાન ગુજરાતભરમાં ગુંજતી થયેલી ચર્ચાઓ મુજબ માત્ર શૈલેષ ભટ્ટના જણાવ્યા મુજબના જ બીટકોઈનના સોદાથી વાત અટકતી નથી. બીટકોઈન સોદાનો આંક ૨૦૦ કરોડથી વધુ હોવાનો મત છે. આની પાછળ કેટલાક મોટા માથાઓ સીધી - આડકતરી રીતે સંકળાયેલા છે. સીઆઈડીને હાલના તબક્કે આ બાબતે કોઈ હજુ સુધી પુરાવાઓ સાંપડયા નથી.

સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ પૂર્વ એસ.પી. જગદીશ પટેલના રીમાન્ડ પૂર્ણ થતા આજે તેઓના વધુ રીમાન્ડ માટેના પ્રયાસો સીઆઈડી દ્વારા થયા છે. સીઆઈડી એવુ જાણવા માગે છે કે, ૧.૩૨ કરોડ તત્કાલીન અમરેલી પી.આઈ. અને હાલ સસ્પેન્ડ એવા અનંત પટેલને તેમના ખાસમખાસ વિશ્વાસ જાની નામના શખ્સે હાથોહાથ આપ્યા હતા. અનંત પટેલ એવુ કહે છે કે, તેમણે આ રકમ જગદીશ પટેલને આપી દીધી છે. સાથોસાથ જગદીશ પટેલે ૪૦ લાખની જે રકમ અનંત પટેલને આપી હતી તે રકમ કેટલાક પોલીસમેનોને આપ્યાનું રટણ અનંત પટેલ કરે છે પરંતુ સંબંધક પોલીસમેનો પોતાને આવી કોઈ રકમ મળ્યાનો ઈન્કાર કરી રહી છે. આ મામલો પેચીદો બની રહ્યો છે અને દિવસેને દિવસે રાજકારણીઓ, કેટલીક કંપનીઓ, ઉદ્યોગપતિઓ અને ધર્મ સાથે સંકળાયેલા મહાનુભાવોના નામો પણ ચર્ચાની એરણ પર આવી રહ્યા છે.

(1:04 pm IST)