Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

કોની-કોની મિલીભગત? ડ્રાયફ્રુટના વેપારીઓ દ્વારા બેફામ ટેકસચોરી?

દક્ષિણના રાજયોમાંથી ડ્રાયફુટ અને મરીમસાલાની હેરાફેરીઃ નવજીવન એકસપ્રેસ ને અમદાવાદ પુરી એકસપ્રેસમાં અમદાવાદ મંગાવવામાં આવતો માલઃ કયારેક આણંદ પણ ઉતારી દેવાતા ડ્રાયફ્રુટ ને મરીમસાલાઃ બ્રાન્ડેડ ને અનબ્રાન્ડેડની જોગવાઇનો ગેરલાભ ઊઠાવી વેપારીઓ ચોરી કરતા હોવાની પણ બુમ ઉઠી છેઃ ટૂંકા અંતરની ડિલિવરીમાં એક ઇ-વે બિલનો એકથી વધુ વાર ઉપયોગ થતો હોવાની ભારે ચર્ચા છે

અમદાવાદ તા.૧: ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસના શાસનમાં બિલ વિના માલને વેપાર કરવો કઠિન બનશે તેવો દાવો સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો છતાંય ડ્રાયફ્રુટનો ૬૦ થી ૮૦ ટકા વેપાર આજની તારીખે પણ વગર બિલે જ ચલાવવામાં આવી રહ્યો છે. તેથી જે રિટેઇલના માર્કેટમાં પણ ૬૦ થી ૮૦ ટકા વેપાર બિલ વિના જ ચાલતો હોવાનું અમદાવાદના અખબારોમાં પ્રસિધ્ધ થયુ છે.દક્ષિણ ભારતથી આવતા ડ્રાયફ્રુટના સપ્લાયમાં વગર બિલનો મોટો ધંધો કરવામાં આવી રહ્યો છે. જાણકારો સુત્રોએ આપેલી માહિતી મુજબ અમદાવાદના કાળુપુરના ચોખા બજારના તથા માધુપુરાના મોટાભાગના વેપારીઓ આ ચેનલથી જ ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ ભર્યા વિના જ માલ મંગાવીને તેનો વેપાર કરે છે.

ડ્રાયફ્રુટની જુદી જુદી આઇટેમ્સ પર ૫ ટકાથી માંડીને ૧૮ ટકા સુધીનો જીએસટી લગાવવામાં આવે છે. તેમા ઇ-વે બિલની ચેનલને જ ચાતરી જવામાં આવે છે. બે ત્રણ વ્યકિતઓ કે વ્યકિતઓના સમુહમાં જુદા જુદા પાર્સલના સ્વરૂપમાં આ માલ મોકલવામાં આવતો હોવાનું જાણકારોનું કહેવું છે.

(11:57 am IST)