Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

સુરતમાં ૧.પ ટન અખાદ્ય કેરીના જથ્થાનો નાશ કરતી આરોગ્ય વિભાગની ટીમઃ કાર્બનથી પકાવેલી કેરી અને અખાદ્ય કેરીના રસના નમુના લેવાયા

સુરતઃ સુરતમાં આરોગ્ય વિભાગની ટીમે સુરતમાં દરોડા પાડીને 1.5 ટન અખાદ્ય કેરીના જથ્થાનો નાશ કર્યો છે. જ્યારે 200થી વધુ કાર્બાઈડની પડકીઓ જપ્ત કરવામાં આવી છે. તો વેપારીઓને 40 હજાર રૂપિયા જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે.

સુરતમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓએ કેરીના વેપારીઓ સામે તવાઈ બોલાવી છે. અને સુરતમાંથી 1.5 ટન અખાદ્ય કેરીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. અહીં કાર્બાઈડથી પકવવામાં આવેલી કેરીનો જથ્થો મળી આવ્યો હતો. આરોગ્ય વિભાગની આ તવાઈને લઈને અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

કાર્બાઈડથી પકવવામાં આવેલી કેરી સ્વાસ્થયને નુકસાન પહોંચાડે છે. જેથી આ કેરી લોકો સુધી ન પહોંચે તે માટે આરોગ્ય વિભાગની ટીમે તવાઈ બોલાવી રહી છે.

આરોગ્ય વિભાગે  કેરીના રસની હાટડીઓ, ઠંડાં પીણાંની દુકાનો પર દરોડા પાડી સેમ્પલ લેવામાં આવ્યાં છે તેમ જ અખાદ્ય કેરીનો રસ, કેમિકલથી પકવેલી કેરીના જથ્થાનો નાશ કરી દીધો છે.

મહત્વનું છે કે ઉનાળો જેમ જેમ આગળ વધતાં વધુ કેરીઓ બજારમાં આવી રહી છે એ બાબત સારી છે, પણ એમાં કેરીને પકવવા કેમિકલનો ઉપયોગ કરવામાં આવે તો લોકોનાં સ્વાસ્થયને સાથે ચેડાં થાય છે. આ કારણે ગુજરાતનો આરોગ્ય વિભાગ પહેલેથી જ સક્રિય થઈ ગયો છે.

હાલ તો આરોગ્ય વિભાગની ટીમે કેરી, કેરીના રસના અને શેરડીના રસના સેમ્પલ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે કેરીના  વેપારીઓમાં ફફડાટ ફેલાય ગયો છે.

(6:54 pm IST)