Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

ભરબપોરે અગનગોળો વરસાવતી ગરમીઃ ગરમ પવન અને બફારાથી લોકો ત્રાહિમામઃ મહત્તમનો તાપમાનનો પારો ૪૨ ડિગ્રીને પાર

અમદાવાદઃ છેલ્લા બે ત્રણ દિવસથી અમદાવાદ સહિત રાજ્યભરમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીની આસપાસ થઈ ગયું છે. જ્યારે અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચતા શહેરીજનો દાઝી ઊઠયા હતા. રવિવારે બપોરના સમયે શહેરના માર્ગો સૂમસામ ભાસી રહ્યાં હતા. તો આગામી દિવસોમાં ગરમીમાં ઘટાડો થવાની શક્યતાઓ નહિવત્ જણાતી હોવાનું હવામાન વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે.

રવિવારે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોચતા રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. ત્યારે રાજ્યના અન્ય શહેરો પર એક નજર કરીએ...

શહેર તાપમાન

અમદાવાદ 43.1

સુરેન્દ્રનગર 42.8

રાજકોટ 42.4

ગાંધીનગર 42.5

કંડલા એરપોર્ટ 42.0

વડોદરા 40.0

ડિસા 41.8

ભાવનગર 40.0

સુરત 33.7

આમ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર થતાં ભરબપોરે તો અગન ગોળા વર્ષાવતી ગરમી અનુભવાઈ હતી. મોડી સાંજ સુધી પણ ગરમ પવન અને બફારો રહેતા લોકો હેરાન-પરેશાન થયા હતા. ગરમીથી બચવા દિવસભર ઘરમાં પૂરાઈ રહેલા લોકોની રાત્રે ઠંડાપીણાની લારીઓ પર લાઈનો લાગી હતી. જ્યારે ગરમી બચવા માટે લોકો અનેક નવા નવા પ્રયોગો કરતા પણ જોવા મળ્યા હતા.

તો બપોરે 12થી 3 વાગ્યા સુધીમાં સૌથી વધુ ગરમીની અસર થતી હોવાથી લોકોને કારણ વગર બહાર ન જવા માટેની સુચના આપવામાં આવી છે.

(6:55 pm IST)