Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

રાજ્યમાં ભયંકર દુષ્‍કાળની સ્થિતિઃ ગુજરાતની એકમાત્ર જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમનું પણ તળિયુ દેખાયુઃ ઉનાળુ પાક માટે સિંચાઇનું પાણી બંધ કરી દેવાયું

અમદાવાદઃ ધોમધખતા તાપ વચ્‍ચે સૌરાષ્‍ટ્ર-ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઇ છે તેવા સમયે સરદાર સરોવર ડેમનું તળિયુ દેખાતા ઉનાળુ પાક માટે સિંચાઇ માટેનું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે.

આ સાથે જ ખેડૂતો હવે પાણીનો એક માત્ર આધાર ભૂગર્ભ જળ તરફ વળ્યા છે પરંતુ આ દિશામાં પણ ચિત્ર એટલું જ બિહામણું છે. રાજ્યના ભૂગર્ભ જળમાં સતત ચિંતાજનક ઘટાડો થઈ રહ્યો છે. જેના પગલે સરવાળે આ ઓપ્શન આર્થિક રીતે પણ મોંઘો પડી રહ્યો છે. તો કેટલીક જગ્યા એવી પણ છે કે જ્યાં ભૂગર્ભ જળ નહીવત્ થઈ ગયા છે.

તાજેતરમાં સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ(CGWB)ની પશ્ચિમ ભારતની રીજનલ ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા જે કડવું સત્ય દર્શાવી રહ્યા છે તે જોતા આગળ સ્થિતિ અતિશય ભયાનક આવે તો નવાઈ પામવા જેવું નથી. આ આંકડાકીય માહિતી દર્શાવે છે કે 1974થી સતત પ્રત્યેક દશકામાં રાજ્યમાં ભૂગર્ભ જળનું સ્તર 20 મીટરની એવરેજથી ઘટી રહ્યું છે. રાજ્યમાં સરકાર અથવા તો સામાન્ય લોકો દ્વારા ભૂગર્ભ જળની સપાટી વધે તે માટે કોઈ ખાસ પ્રયાસો થતા નથી. જેના કારણે પાણીનો અખૂટ કહેવાતો આ સ્ત્રોત પણ હવે મૃતપાય સ્થિતિમાં છે.

અનેક નિષ્ણાંતોએ આ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, રાજ્યમાં ઘણી એવી જગ્યા છે જ્યાં આવેલ પાણીનો સ્ત્રોત છેલ્લા હજારો વર્ષોથી લોકોની તરસ છીપાવતો હતો પરંતુ જો હવે તેને જીવંત કરવાના ગંભીર અને યથાર્થ પ્રયાસો નહીં કરવામાં આવે તો આગળની પેઢીને હવે અહીંથી પાણી મળવું બિલકુલ બંધ જ થઈ જશે.

આ સર્વે અભ્યાસ દ્વારા જાણવા મળ્યું કે રાજ્યમાં જ્યાં ભૂગર્ભ જળની સૌથી વધુ ખરાબ સ્થિતિ છે તેવા વિસ્તારમાં બનાસકાંઠા, પાટણનો ઉત્તર તરફનો વિસ્તાર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદનો સમાવેશ થાય છે. તો આ સાથે જ એવા વિસ્તાર કે જ્યાં 35થી 125 મીટર સુધી માટી ઓછી અને રેતી તથા પથરાળ જમીન છે. અહીં પણ ભૂગર્ભ જળનું લેવલ ખૂબ મહત્વપૂર્ણ છે.

CGWBનું અવલોકન ચાર જિલ્લાઓના પાછલા 60 વર્ષના ભૂગર્ભ જળનું સ્તર દર્શાવે છે કે 1958થી લઈને 2017-18 સુધીમાં કઈ રીતે ભૂગર્ભ જળનું પ્રમાણ ઘટ્યું છે. જેમ કે ચાણસ્માની વાત કરવામાં આવે તો 1971-74માં અહીં ભૂગર્ભ જળ માત્ર 46.8 મીટરની ઉંડાઈએ મળી આવતું હતું.

જિલ્લા વાઇઝ જોઈએતો બનાસકાંઠામાં આ પાણી 54થી 160 મીટર, મહેસાણામાં 81થી 168 મીટર્સ, પાટણમાં 83થી 146 મીટર જેટલું નીચે ઉતરી ગયું છે. CGWBના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, ‘પિલવાઈ ખાતે એક જગ્યાએ 1971-74 દરમિયાન નિષ્ણાંતોને માત્ર 17.75 મીટરની ઉંડાઈએ ભૂગર્ભ જળ મળી આવતું હતું આજે અહીં આ જળ 165 મીટર જેટલું ઉંડે ઉતરી ગયું છે. આવી જ સ્થિતિ મહી, બનાસકાંઠા, ગાંધીનગરમાં પણ જોવા મળી રહી છે.

(6:53 pm IST)