Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

અમદાવાદની આઇશા નામની પરિણીતા આપઘાત કેસમાં પતિની જામીન અરજી ફગાવાઈ

જામીન અરજીનો સરકાર તેમજ આઇશાના પરિવારે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો : આખરે અમદાવાદની કોર્ટે પતિની જામીન અરજી નામંજૂર કરી

અમદાવાદ : આઈશા આપઘાત કેસને લઈ આખા દેશમાં ભારે ચકચાર જોવા મળી હતી. થોડાક દિવસો પહેલા આઈશાના પતિ આરીફે જામીન અરજી કરી હતી જેની સુનવણી 1 એપ્રિલ પર મુલતવી રાખવામાં આવી હતી. જો કે, આજે તે અરજી પર સેશન્સ કોર્ટે તેની અરજી ફગાવીને જામીન ના મંજુર કર્યા છે.

કોર્ટે આરોપી આરીફની જામીન અરજી પર ચુકાદો આપતા જણાવ્યું છે કે, આ કેસમાં આઈશાના પતિ આરીફની ગંભીર ભૂમિકા છે અને સમાજમાં આવા આરોપીઓને જામીન આપીને છુટા ના મુકી શકાય. જો કે, આવા આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવે કો સમાજમાં આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે. આરોપી પતિ આરિફની જામીન અરજીનો સરકાર અને મૃતક પત્ની આઈશાના પરિવારજનોએ વિરોધ કર્યો હતો.

આઈશાના પરિવારજનોએ આરિફની જામીન અરજીના વિરોધમાં વાંધા અરજી કરી હતી. તે ઉપરાંત આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવશે તો તે ગુજરાત છોડીને ભાગી જશે એવી વકિલ દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી. આ દલીલને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. સરકાર તરફથી આત્મહત્યા સમયના વિડીયોમાં પતિને દોષિત માનવામાં આવી રહ્યો હોવાની દલીલ કરવામાં આવી હતી.

પોલીસ તરફથી મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે એફિડેવિટ રજૂ કરતાં જણાવ્યું હતું કે, આયેશાએ અગાઉ જુલાઈ મહિનામાં પણ આયેશાએ વટવા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી તે પડતર છે. આઈશાએ આપઘાત કરતા પહેલા કોઈપણ સમયે સુસાઈડ નોટ લખી હતી તે કબજે કરવામાં આવી છે. જેમાં આયેશાએ એવો ઉલ્લેખ કર્યો છે કે મૃતક ગર્ભવતી હતી ત્યારે પણ તેને ફટકારી હતી. જેના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ હતી અને બાદમાં તેને ગર્ભપાત પણ કરાવવો પડ્યો હતો. આરોપી સામે પ્રથમદર્શિય કેસ બને છે અને તપાસ ચાલી રહી છે. આવા કેસમાં જામીન ન આપવા જોઈએ.

અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતી આઈશા નામની એક પરણીતાએ સાબરમતી રિવરફ્રન્ટ પર વીડિયો ઉતારી આપઘાત કર્યો હતો. આઈશાના આપઘાતને લઈ આખા દેશમાં ભારે ચકચાર જોવા મળી હતી. જો કે, પોલીસે આ કેસમાં આઈશાને આપઘાત માટે મજબુર કરનાર પતિ આરીફની રાજસ્થાનથી ધરપકડ કરી અમદાવાદ લાવવામાં આવ્યો હતો.

(8:03 pm IST)