Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

૨૦ની RTIમાં ૨.૫ લાખનો તોડ કરનારાની સામે ફરિયાદ

આરટીઆઈના નામે તોડબાજી કરાય છે : વડોદરામાં સિક્યુરિટી એજન્સી ધરાવનારે ભાવનગરના ચીટરની વિરૂદ્ધ પુરાવાઓ આપી પોલીસમાં ફરિયાદ કરી

વડોદરા, તા. ૧ : આરટીઆઇના નામે કેટલાક લોકો તોડબાજીનો ધંધો કરી રહ્યા છે ત્યારે વડોદરામાં આવા જ એક કિસ્સામાં તોડબાજ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

વડોદરાના ગોત્રી વિસ્તારમાં કિશોર કોમ્પલેક્ષમાં રહેતા અને રેડિયન્ટ ગાર્ડ નામની સિક્યુરિટી એજન્સી ધરાવતા દુષ્યંતભાઈ પુનિયાએ પોલીસને જણાવ્યું છે કે, અમારી કંપનીને ગુજરાત મિલરન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સોસાયટી (જીએમઆરડીએસ)માં કોન્ટ્રાક્ટ મળ્યો છે.

ભાવનગર ખાતે આવિષ્કાર ફ્લેટમાં રહેતા ધર્મરાજસિંહ રાજેન્દ્રસિંહ ઝાલાએ ડિસેમ્બર ૨૦૨૦માં આર.ટી.આઈ મારફતે ગુજરાત મિલરન્સ સોસાયટી પાસે અમારી એજન્સીના કર્મચારીઓની વર્ક ઓર્ડર, પગાર સ્લીપ, ઈ.એસ.આઇ. જેવી માહિતી માગી હતી. જેથી ગુજરાત મિલરન્સ સોસાયટી આ માહિતી થર્ડ પાર્ટીની હોવાથી આપવાનો ઇનકાર કર્યો હતો. દુષ્યંતભાઈએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, ધર્મરાજસિંહ ઝાલાએ આક્ષેપો ચાલુ રાખતા અને કોન્ટ્રાક્ટ રદ કરાવી દેવાની ધમકી આપતા આખરે મેં સુરેન્દ્રનગર ખાતે રહેતા મારા પરિચિત નરેન્દ્ર ભાઈ મારફતે આરટીઆઇ કરનાર ધર્મરાજસિંહનો સંપર્ક કરતા રૂ.૨.૫૦ લાખમાં તોડ નક્કી થયો હતો. આ રકમ નરેન્દ્રભાઈ મારફતે ચૂકવી દીધી હતી.

આમ છતાં ધર્મેન્દ્રસિંહ ઝાલાએ મુખ્યમંત્રી અને કરેલી અરજીની કોપી મોકલી વોટ્સએપ કોલ તેમજ નરેન્દ્ર ભાઈના મોબાઇલ ઉપરથી સંપર્ક કરી રૂ.૫ લાખની માંગણી જારી રાખી હતી. જેના રેકોર્ડિંગ તેમજ પુરાવા પણ પોલીસને સુપ્રત કરવામાં આવ્યા છે. ગોત્રી પોલીસે બનાવ અંગે ધર્મરાજસિંહ અને નરેન્દ્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(7:25 pm IST)