Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં આઠ નવજાત બાળકોનો કોરોના રિપોર્ટ પોઝીટીવ :તંત્રમાં દોડધામ

બાળકો માટે હાલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડની સુવિધા ઉભી કરાઈ

વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં આઠ નવજાત બાળકો કોરોના સંક્રમિત થયા તંત્રમાં ભાગદોડ જોવા મળી રહી છે. બાળકો માટે હાલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડની સુવિધા ઉભી કરવામાં આવી છે.

વડોદરા શહેરના એસ.એસ.જી હોસ્પિટલમાં આઠ નવજાત બાળકો કોરોનાની ચપેટમાં આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આ બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં તેમના માટે એક અલગ આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જો કે, આ આઠ બાળકોમાંથી હાલ પાંચ બાળકોને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે અને ત્રણ બાળકોની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે.

આ અંગે હોસ્પિટલના એચઓડી ડૉ. શિલા ઐયરે જણાવ્યું છે કે, હવે બાળકો પણ કોરોનાના ચપેટમાં આવી રહ્યા છે. માતા પિતા કોરોના પોઝિટિવ હોય તેવા બાળકો પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. જેથી તેમના માટે હાલ હોસ્પિટલમાં ખાસ સુવિધા કરવામાં આવી છે. જો બાળકોની સારવાર હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે તેઓ માટે એક ખાસ વોર્ડ બનાવવામાં આવ્યો છે જેમાં તેઓને અલગ રાખવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ રાજયમાં કોરોનાના વાયરસના કેસો રોકેટની ગતિએ વધી રહ્યા છે. વધી રહેલા કેસને લઈ લોકોમાં ભારે ચિંતા પણ જોવા મળી રહી છે. જો કે, સુરત, અમદાવાદ અને વડોદરામાં કોરોનાના કેસો સૌથી વધારે આવી રહ્યા છે. અમદાવાદ અને સુરતમાં દરરોજના 600થી વધારે કેસ સામે આવતા તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ કરવામાં આવી રહી છે અને તેની સાથે લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાણવી રાખવા માટેની સૂચનાઓ આપવામાં આવી રહી છે.

(7:21 pm IST)