Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

ઇડર તાલુકાના ચિત્રોડા નજીક બનાવેલ રસ્તાના કામમાં મોટાપાયે ગેરરીતિ આચરાઈ હોવાનું બહાર આવતા ઉચ્ચ કક્ષાએથી તપાસ હાથ ધરવામાં આવી

ઈડર:તાલુકાના ચિત્રોડાથી અંકાલાના ૨ કિલોમીટરના માર્ગ પર બનાવાયેલ ડીપના કામમાં મોટાપાયે ગેરરીતિ આચરાઈ હોવાની બુમ ઉઠવા પામી છે. ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બનેલા આ ડીપના કામને અધિકારી તથા કોન્ટ્રાક્ટરની મીલી ભગતથી મંજુરી મળી જતાં સરકારી તીજોરીને લાખોનો ચુનો લાગી ગયો છે. તદ્દન હલકી ગુણવત્તાના આ કામ બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તેવી માંગ ઊઠી છે.

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ચિત્રોડાથી અંકાલાના ૨ કિ.મી.ના માર્ગ માટે રૂપિયા ૮૪.૧૩ લાખ જેટલી માતબર રકમ મંજુર કરાઈ હતી. આ માર્ગનું કામ ગત વર્ષ ૨૦૧૯માં પૂર્ણ થયું હતું. જો કે જે તે વખતે કામ પૂર્ણ થતાંની સાથે જ આ માર્ગ પર બનાયેલ ડીપનું કામ હલકી ગુણવત્તાવાળુ હોવાની ફરિયાદો ઉઠી હતી. તેમ છતાં લોકોની ફરિયાદોને નજર અંદાજ કરી માર્ગ મકાન વિભાગના અધિકારીએ કોન્ટ્રાક્ટર સાથેની સાંઠ ગાંઠથી આ હલકી ગુણવત્તાવાળા કામને મંજુર કરી બીલ પણ ચુકવી આપ્યાનું જાણવા મળેલ છે. જો કે ત્યારબાદ જીપ બનાવ્યાના ગણતરીના દિવસોમાં જ હલકી ગુણવત્તાવાળા કામનું પોત પ્રકાશ્યું હતું. અને ડીપ પર ઠેર ઠેર તીરાડો તથા ગાબડા પડયા લાગ્યા હતા. જેને કારણે અહીંથી પસાર થતા વાહનચાલક ખેડૂતો અને પશુ પાલકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. દરમિયાન આ બાબતે લોકોએ માર્ગ મકાન વિભાગની કચેરીને જાણ કરતાં કચેરીના અધિકારી અને કોન્ટ્રાક્ટર પાપ છુપાવવા થીંગડા મારવા દોડી ગયા હતા. આ કામ પુર્ણ થયાને હજુ બે વર્ષ પુરા નથી થયા ત્યાં તંત્રને બે-બે વાર થીંગડા મારવાની ફરજ પડી છે. તાજેતરમાં તો થીગડા મારવામાં પણ વેઠ ઉતારાઈ હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે તેમ છતાં તંત્રના પાણી હલતું નથી.

(6:15 pm IST)