Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

મેઘરજ તાલુકાના મોટીપંડુલી ગામે કુટુંબમાં થયેલ ઝઘડાની અદાવત રાખી બે મહિલાઓપર લાકડી સહીત કુહાડીથી હુમલો કરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

મેઘરજ:તાલુકાના મોટીપંડુલી ગામે રવિવારે કુટુંબમાં અગાઉ થયેલા ઝગડાની અદાવત રાખી બે મહિલાઓને ગાળો બોલી ધારીયુ, કુહાડી અને લાકડી વડે બંને મહિલાઓ ઉપર હુમલો કરી માર મારતાં બંને મહિલાઓને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. જે ઘટના અંગે મહિલાના પતિએ ઇસરી પોલીસમાં કુટુંબી ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મોટીપંડુલી ગામના શંકરભાઈ મરતાભાઈ ડેડુણ તા. ૨૮-૩-૨૦૨૧ ના રોજ સાંજના આશરે આઠેક વાગ્યાના સમયે ઘર નજીક આવેલા ગોવિંદ કાવડના ઘરે હતા તેવામાં શંકરભાઇની પત્ની પુષ્પાબેન અને બે દીકરીઓ, શંકરભાઈના ભાઈ ગોવીંદને ત્યાં હતા તેવામાં ગોવિંદભાઈના ઘર નજીક ઝગડો થયેલ હોય જેથી શંકરભાઈ ત્યાં દોડી ગયા હતા અને જોયું તો તેમના જ ભત્રીજાઓ અશોક ડેડુણ, જીગ્નેશ ડેડુણ, કલ્પેશ ડેડુણ, પંકેશ ડેડુણ પુષ્પાબેનને કહેતા હતા કે અગાઉ તમોએ અમારી સાથે કેમ લડાઈ ઝગડો કર્યો હતો. તેમ કહી ગાળો બોલી પુષ્પાબેન અને ગોવિંદભાઈની પત્ની દક્ષાબેનને ગડદાપાટુનો માર મારી અને અશોકે પુષ્પાબેનને ઉંધુ ધારીયુ માર્યું હતું. કલ્પેશે પણ પુષ્પાબેનને ઉંધુ ધારીયુ ફટકાર્યું હતું. જીગ્નેશે દક્ષાબેનને ઉંધી કુહાડી મારી હતી. પંકેશે દક્ષાબેનને લાકડી મારી હતી. મારા મારીમાં બુમા બુમ થતાં નજીકના માણસો આવી જતાં બંને મહિલાઓને વધુ મારમાંથી છોડાવી હતી અને ચારે આરોપીઓ ભાગ્યા હતા. બંને મહિલાઓને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા ગયા હતા. ત્યાર બાદ ૧૦૮ બોલાવી બંને ઇજાગ્રસ્ત મહિલાઓને સારવાર અર્થે મેઘરજ સરકારી દવાખાને લઇ જઈ ત્યાં પ્રાથમિક સારવાર કરાવી વધુ સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જેમાં દક્ષાબેનને શરીરે ફેકચર થયાનુ જણાયું હતું. બંને મહિલા સારવાર હેઠળ છે ત્યારે પુષ્પાબેનના પતિ શંકર મરતા ડેડુણે ઇસરી પોલીસમાં આરોપી અશોક ભગવાન ડેડુણ, જીગ્નેશ ભગવાન ડેડુણ, કલ્પેશ બાબુ ડેડુણ, પંકેશ બાબુ ડેડુણ (તમામ રહે. મોટીપંડુલી તા. મેઘરજ) સામે ફરિયાદ નોંધાવી છે.

(6:14 pm IST)