Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

વિજયનગરમાં સોના-ચાંદીની દુકાનમાં વેપારીની નજર ચૂકવી બે અજાણ્યા શખ્સ 90 હજારના સોના-ચાંદીના દાગીના લઇ ફરાર

વિજયનગર શહેરમાં એક સોના-ચાંદીની દુકાનમાં નજર ચૂકવી ગ્રાહક થઈને આવેલ બે અજાણ્યા શખ્સો ૯૦ હજારના સોના-ચાંદીના દાગીના લઈ ફરાર થઈ ગયા હતા. દુકાનમાં સોના-ચાંદીના દાગીના લેવા ગ્રાહક બની આવેલા બે અજાણ્યા શખ્સો સામે  વિજયનગર મથકે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વિજયનગરના વાગડીયા વડલાના રહીશ પ્રવિણકુમાર અમૃતલાલ  શાહે નોંધાવેલ ફરિયાદ મુજબ  આ કામના બે અજાણ્યા ઇસમ આરોપીઓએ પ્રવિણકુમારની ખુલ્લી દુકાનમાં પ્રવેશ કરી, દાગીના લેવાની યેનકેન પ્રકારની વાતો કરી દુકાન માલિકની  નજર ચુકવી સોનાના દાગીનાના બોક્ષમાંથી સોનાનું ઝુમ્મર જોડ-૨ કુલ નંગ-૪ તથા સોનાની બુટ્ટી ફેન્સી જોડ-૩ કુલ સોનાની કેરી બુટ્ટી સાદી જોડ-૧ જે નંગ-૨ તથા સોનાની બચ્ચા બુટ્ટી નંગવાળી જોડ-૧ કુલ નંગ-૨ તથા  સોનાના નાના ઝુમ્મર જોડ-૧ કુલ નંગ-૨ તથા સોનાનું ઓમવાળું નાનું પેન્ડલ નંગ-૧ એમ મળી આશરે કુલ ગ્રામ- ૨૧ જેની હાલની કિંમત રૃપિયા ૯૦,૦૦૦ના સોનાના દાગીનાની એકબીજાની મદદગારીથી ચોરી કરી લઇ જઇ ગુન્હો આચાર્યો હતો. આ અંગે બે અજાણ્યા ઈસમો સામે નોંધાયેલ ફરિયાદ અન્વયે વિજયનગર પોસઇ જે.જે. ચાવડાએ વધુ તપાસ હાથ ધરી છે.

(6:14 pm IST)