Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

અમદાવાદ: મણિનગર રેલવે સ્ટેશન નજીક લીમડાનું વૃક્ષ ધરાશાયી થતા 64 વર્ષીય વૃદ્ધાનું મોત

અમદાવાદ: મણિનગર રેલવે સ્ટેશનની સામે બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે આવેલી શાકમાર્કેટમાં ગઇકાલે મંગળવારે મોડી સાંજે ૭ઃ૩૦ કલાકે લીમડાનું વૃક્ષ ધરાશાયી થયું હતું. જેમાં નીચે દબાઇ જતા એક ૬૪ વર્ષીય વૃદ્ધાનું મોત નિપજ્યું હતું. આશરે ૧૦૦ વર્ષ જુનું વૃક્ષ નમી રહ્યું હતું ત્યારે જ બુમાબુમ પડતા શાકમાર્કેટમાંથી લોકો  બંને મુઠ્ઠીવાળીને જીવ બચાવીને ભાગ્યા હતા. સદનસીબે મોટી જાનહાની ટળી હતી. પરંતુ બદનસીને શાકભાજી લેવા આવેલા અને દોડી ન શકનાર એક વૃદ્ધાનો ભોગ લેવાઇ ગયો હતો. કેટલાક વાહનો અને શાકભાજીની લારીઓને નુકશાન થયું હતું.

મણિનગરમાં બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે આઇ શ્રી ખોડિયાર મંદિર સંકુલને  આડીને આ વૃક્ષ આવેલું છે. વર્ષો જુનું હોવાથી તેનું વિશેષ મહત્વ પણ હતું. સાંજે મંદિરમાં આરતી ચાલી રહી હતી ત્યારે આ દુર્ઘટના સર્જાઇ હોવાનું પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે.

આ અંગે બાજુમાં ચા ની કિટલી ધરાવતા મોતીસિંહ રાજપુતના જણાવ્યા મુજબ લીમડાનું આ તોતિંગ ઝાડ ધીમીધીમે નમી રહ્યું હતું અને ગણતરીની મિનિટોમાં જ ધરાશાયી થઇ જશે તેવી આશંકા સાથે તેઓએ લોકોના જીવ બચાવવા દોડાદોડી કરી હતી. શાકમાર્કેટ ભરચક હતું. ચા-નાસ્તાની લારીઓ અને મોટી સંખ્યામાં ગ્રાહકોની અવર-જવર હતી. તેથી તેઓએ બુમા બુમ કરીને લોકોને ચેતવી ઝાડથી દુર થઇ જવા જણાવ્યું હતું.

(6:11 pm IST)