Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

વડોદરામાં કોરોના મૃત્યુ કેસમાં સંકલનનો અભાવઃ મ્યુનિસિપલ કમિશનર અને આરોગ્ય વિભાગના આંકડામાં ૧૩૫૧નો તફાવત

વડોદરા: કોરોનાની ત્રીજી લહેરમાં સૌ કોઈનો ઉત્સાહ ધોવાઈ ગયો છે. ત્યારે સરકારી આંકડામાં પણ ગોટાળા જોવા મળી રહ્યાં છે. સરકાર કોરોનાથી મોતના આંકડા સતત છુપાવે છે તેવા આરોપો એક વર્ષ દરમિયાન સતત ઉઠતા રહ્યાં છે. આવામાં વડોદરામાં કોરોનાના મોતના આંકડામાં જમીન આસમાનનો તફાવત જોવા મળ્યો છે. એક વર્ષમાં કોરોનાથી મોતના આંકડા પર નજર કરીએ, તો મ્યુનિસિપલ કમિશનર અને આરોગ્ય વિભાગના આંકડામાં 1351 નો તફાવત જોવા મળ્યો છે.

મોતના આંકડામાં 1351 નો તફાવત

કોરોના મોતના આંકડાને લઈને મ્યુ કમિશ્નર તેમજ આરોગ્ય વિભાગના આંકડામાં મોટો તફાવત જોવા મળ્યો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ વર્ષ 2021-22 ની બજેટની બુકલેટ બહાર પાડવામાં આવી છે.  બજેટની બુકના નિવેદનમાં મ્યુનિ કમિશનરે વર્ષ દરમિયાન કોરોનાથી 1600 દર્દીઓના મોત થયા હોવાનું સ્વીકાર્યું છે. બુકલેટમાં ઉલ્લેખ કરાયો છે કે, 2020-21 ના વર્ષમાં કોરોનાની 1600 બોડી ફાયર વિભાગ દ્વારા ડિસ્પોઝલ કરવામાં આવી છે. તો બીજી તરફ, મહાનગરપાલિકાના મેડિકલ બુલેટિનમાં કોરોનાથી આખા વર્ષ દરમિયાન ફક્ત 249 મોત બતાવાયા છે. આમ, મ્યુ કમિશ્નર તેમજ આરોગ્ય વિભાગના આંકડામાં 1351 કોવિડ મોતનો તફાવત જોવા મળ્યો છે.

મ્યુનિ. કમિશનર વાત પરથી ફરી ગયા

જોકે, કોરોનાથી એક વર્ષમાં મોતના આંકડામાં તફાવત સામે આવતા જ વિવાદ સળગ્યો હતો. મોતના આંકડા અંગે આપેલા નિવેદનમાં મ્યુનિ કમિશનર પોતે જ ફસાયા છે. વડોદરામાં 1600 દર્દીઓના મોત અંગેના નિવેદનને તેમણે ફેરવી તોળ્યું છે. મ્યુનિસિપલ કમિશનર પી સ્વરૂપે કહ્યું કે, તમામ મોત કોવિડ દર્દીઓના નથી. આ શહેર અને જિલ્લાના આંકડા છે. બજેટ બુકમાં કોવિડ ડેથ ઓડિટ પહેલાના આંકડા દર્શાવાયા છે.

મોતના આંકડા પર કોંગ્રેસનો આરોપ

તો બીજી તરફ, વડોદરા મ્યુનિસિપાલિકાનો આ વિવાદ સામે આવતા કોંગ્રેસે પાલિકાના સત્તાધીશોને સુધરી જવા તાકીદ કરી છે. તો સાથે આંકડાઓના તફાવત પર ભાજપ પર સવાલો કર્યાં છે. કોંગ્રેસના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે કહ્યું કે, ભાજપ કોરોના મહામારીમાં પોતાનું માર્કેટિંગ કરી રહી છે. ખોટા આંકડા જાહેર કરીને નાગરિકોને ગેરમાર્ગે દોર્યા છે. રોજેરોજ અનેક લોકો કોરોનાના કારણે મોતને ભેટી રહ્યા છે.

સંકલનનો અભાવ કે પછી સરકાર કંઈક છુપાવવા માંગે છે

આ આંકડા અનેક સવાલો પેદા કરે છે. શું બંને વિભાગો વચ્ચે સંકલન નથી કે, પછી સરકાર જાણી જોઈને શહેરોમાં મોતના આંકડા પર ઢાંકપિછોડો કરે છે. આ ઉપરાંત સરકાર જે રોજેરોજના મોતના આંકડા રજૂ કરે છે તેમાં પણ મોટો ભેદ જોવા મળ્યો છે. વડોદરામાં છેલ્લા 7 દિવસમાં સરકારી ચોપડે કોરોનાથી માત્ર 4 દર્દીના મૃત્યુ થયા છે. જોકે વડોદરા શહેરના વિવિધ સ્મશાનોમાં કોરોના પ્રોટોકોલ પ્રમાણે 161 દર્દીઓની અંતિમવિધિ કરવામાં આવી છે. આમ સરકારી આંકડા અને સ્મશાનોમાં દર્દીઓની અંતિમવિધિના આંકડાઓમાં મોટો તફાવત છે. સ્મશાનોમાં શંકાસ્પદ દર્દીઓની પણ કોરોના પ્રોટોકોલ પ્રમાણે જ અંતિમ વિધિ કરવામાં આવે છે.

વડોદરામાં તાવ-ઉઘરસની સમસ્યાએ ઉથલો માર્યો

બીજી તરફ, વડોદરામાં કોરોના વધતા સંક્રમણ બાદ ઋતુજન્ય રોગોને લઈ તંત્ર ચિંતિત બન્યું છે. તાવ, ઉધરસ, કફ અને નિમોનિયા સહિતના ઋતુજન્ય રોગોમાં વધારો થયો છે. આ કારણે SSG હોસ્પિટલમાં નોનકોવિડ દર્દીઓની લાંબી લાઇન લાગી છે. હાલ SSG હોસ્પિટલમાં 26 ઓપીડીમાં આ અંગે નિદાન કરવામાં આવી રહ્યું છે. ડોક્ટરો દ્વારા સામાન્ય બીમારીઓના દર્દીઓને નિદાન બાદ સારવાર આપાઈ રહી છે. જેમાં ગઈકાલે 3 હજાર ઉપરાંત નોનકોવિડ દર્દીઓની સારવાર કરાઈ હતી. આજે વહેલી સવારથી જ દર્દીઓની લાંબી લાઈનો લાગી છે.

(4:35 pm IST)