Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

૧ હજાર સીસીટીવી ફૂટેજ ચેક કર્યા બાદ બિલ્ડરનું અપહરણ કરનારા ૭ આરોપીઓ ઝડપાયા

ઉમરગામ: ગત તા . 22 માર્ચના રોજ ઉમરગામ ખાતે જીતુ પટેલ નામના બિલ્ડરનું અજાણ્યા ઈસમોએ બે હાઈસ્પીડ કારમાં આવી બંદુકની અણીએ ફીલ્મી ઢબે અપહરણ કર્યું હતું . અપહરણ બાદ ગુનેગારોની ઓળખ થઈ શકે તેવા કોઈ નિશાન ગુનેગારો દ્વારા સ્થળ ઉપર છોડવામાં આવ્યા ન હતા. આ બનાવ બન્યા બાદ તાત્કાલીક જીલ્લા પોલીસ વડા ડો . રાજદિપસિંહ ઝલા દ્વારા સમગ્ર જીલ્લામાં નાકાબંધી કરવામાં આવેલ હતી . તેમજ જીલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી તમામ ટીમોને અલગ અલગ દિશામાં તપાસ સોંપવામાં આવેલ હતી .

સુરત રેન્જના વડા ડો . એસ.પી.રાજકુમાર દ્વારા આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ સુરત રેજ , સુરત શહેર તથા એ.ટી.એસ. (ATS) ગુજરાતના યુનંદા અધિકારીઓની ટીમોને તથા વાપી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વી.એમ. જાડેજા નાઓને અપહત જીતુ પટેલની શોધખોળમાં લગાવેલ હતા, આ દરમ્યાન આરોપીઓ દ્વારા તા . ૨૪/૦૩/૨૦૦૧ થી જીતુ પટેલના મોબાઈલ સીમકાર્ડનો ઉપયોગ કરી અપહતના પત્નિને વારંવાર ફોન કરી રૂ . 30,00,00,000 / - ની ખંડણી માંગવામાં આવેલ હતી . તેમજ ખંડણી આપવામાં ન આવેતો અપહતને જાનથી મારી નાંખવાની ધમકી આપેલ હતી .

ભોગ બનનારના પત્નિ દ્વારા ખંડણીની રકમમાંથી ઓછા કરવા વારંવાર વિનંતી કરવા છતાં એકપણ રૂપિયો ઓછો કરવા આરોપીઓ તૈયાર થયા ન હતા . ત્યારબાદ આરોપીઓનું પગેરૂ મેળવવા સારૂ અલગ અલગ રાજ્યોના વિવિધ શહેરોમાં ખાનગી બાતમીદારો તથા અસંખ્ય સી.સી.ટી.વી. ફુટેજનું એનાલીસીસ સહિત ટેકનીકલ બાબતો ધ્યાનમાં લેવામાં આવેલ હતી.

વલસાડ જિલ્લાના ઉમરગામના બિલ્ડરનો અપહરણકારોની ચુંગાલમાંથી હેમખેમ છુટકારો થયો છે. પોલીસે સાત અપહરણકારોને ઝડપી પાડી બિલ્ડરને બચાવી લીધા છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ વલસાડ પોલીસની કામગીરીને બિરદાવી છે.

વલસાડ જિલ્લાના ઉમરગામના એક બિલ્ડરનું 22 માર્ચે રાત્રે લકઝરીયસ કારમાં અપહરણ કરી ગયા હતા. પોલીસની તપાસ ભટકાવવા ગુજરાતના અગલ અલગ જિલ્લાઓમાંથી બિલ્ડરના પરિવાર પાસે 30 કરોડની ખંડણી માંગી હતી. વલસાડ પોલીસે ખંડણીનો એકપણ રૂપિયો આપ્યા વગર અપહરણનો ભોગ બનનાર જીતુભાઇ પટેલને રત્નાગીરીથી બચાવી લેવામાં આવ્યા હતા. 2 આરોપીઓને મુંબઈથી અને 5 આરોપીઓને રત્નાગીરી પાસેથી ઝડપી પાડયા હતા.

આરોપીઓ ગામઠી મરાઠી ભાષામાં વાત કરતા હતા. સોનાર ગેંગનો મુખ્ય સૂત્રધાર 10 દિવસ પહેલા પશ્ચિમ બંગાળ ખાતે ATSની ટીમે દબોચી કાઢ્યો હતો.  વલસાડ SP ડો. રાજદીપસિંહ ઝાલાની આગેવાનીમાં ગુજરાતમાં પ્રથમ કેસ બન્યો કે જેમાં ખંડણીનો એકપણ રૂપિયો આપ્યા વગર આરોપીઓને ઝડપી પાડયા અને ભોગ બનનારને કોઈપણ રીતની ઇજા પહોંચવા દીધી ન હતી. વલસાડ પોલીસની ટીમે 7 દિવસમાં અપહરણ કારો પાસેથી ઉમરગામના બિલ્ડરને સુરક્ષિત રીતે બચાવી લાવવામાં સફળતા મળી હતી.

અપહ્ત બિલ્ડરને મુક્ત કરાવવા 11 ટીમની રચના કરાઈ હતી

વલસાડ જિલ્લાના ઉમરગામ શહેરમાં રહેતા બિલ્ડર જીતુભાઇ પટેલનું 22 માર્ચની રાત્રીએ અપહરણ થયું હતું. બનાવની જાણ ઉમરગામ પોલીસને થતા તાત્કાલિક વલસાડ SP ડો. રાજદીપસિંહ ઝાલા અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. વલસાડ SP ડો. રાજદીપસિંહ ઝાલાએ તાત્કાલિક 11 ટીમો બનાવી તમામ દિશાઓમાં આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

પોલીસને ગુમરાહ કરવા અલગ અલગ જિલ્લામાંથી ખંડણીના ફોન કર્યા

વલસાડ પોલીસની ટીમે 750 કિમિ વિસ્તારમાં આવેલા ખાનગી તેમજ સરકારી ફૂટેજ મેળવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આરોપીઓએ વલસાડ પોલીસની ટીમને ગુમરાહ કરવા માટે અલગ અલગ શહેરોમાંથી ખંડણી માંગવા ફોન કર્યા હતા. અન્ય જિલ્લામાં જાવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ રેલવે નો ઉપયોગ કરતા હતા. આરોપીઓ ટ્રેનમાં ટીકીટ લીધા વગર યાત્રા કરી રેલવે સ્ટેશન આવે તે પહેલાં યાર્ડ વિસ્તારમાં ચાલુ ટ્રેને ઉતરી જતા હતા.

આરોપીઓ ગામઠી મરાઠી ભાષામાં વાત કરતા હતા. બિલ્ડર જીતુ પટેલને રોજ લમણે પિસ્તોલ મૂકી બીવડાવતા રહેતા હતા. આ ગેંગના 2 સાગરીતોને બોરીવલ્લી રેલવે સ્ટેશન પાસેથી વલસાડ પોલીસે દબોચી લીધા હતા. તેની પ્રાથમિક પૂછપરછ અને તપાસ કરતા આરોપીઓ પાસેથી 2 મોબાઈલ મળી આવ્યા હતા. જેના આધારે વલસાડ પોલીસે સંપૂર્ણ ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. વલસાડ પોલીસના બતમીદારોની મદદ વડે સંપૂર્ણ ભેદ ઉકેલવામાં વલસાડ પોલીસને મહત્વની સફળતા મળી હતી. આરોપીઓએ અપહરણ કરવા માટે ચોરી કરેલી લકઝરીયસ કારનો ઉપયોગ કર્યો હતો.

(4:33 pm IST)