Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

મારી પત્ની સવારે સ્કૂલમાં જાય છે તો સવારનો નાસ્તો હું બનાવુ છુઃ ગુજરાતના જાણીતા ગાયક અરવિંદ વેગઠાઍ પત્નીને મદદ કરવાની વાતને સમર્થન આપ્યુ

અમદાવાદ: ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાના એક નિવેદનથી વિવાદ સર્જાયો છે. ગુજરાતમાં પુરુષોના રસોડામાં કામ કરવાનો મુદ્દો ગાજ્યો છે. પુરુષોએ સ્ત્રીઓને ઘરકામમાં મદદ કરવી કે નહિ તે અંગે બે ફાંટા પડ્યા છે. એક રિવાબાના તરફેણમાં અને બીજા તેમની વિરુદ્ધમાં વાત કરી રહ્યાં છે. ગુજરાતના જાણીતા સિંગર અરવિંદ વેગડાએ પણ પત્નીને મદદ કરવાની વાતને સમર્થન આપ્યું. સાથે જ તેમણે બતાવ્યું કે, કેવી રીતે તેઓ પોતાની શિક્ષિકા પત્નીને મદદ કરે છે.

મારા દીકરા માટે સવારનો નાસ્તો હું જ બનાવું છું

રિવાબાના નિવેદનને લઈને ગુજરાતી ફિલ્મ જગત સાથે જોડાયેલા અનેક લોકોએ સમર્થન આપ્યું છે. જાણીતા સિંગર અરવિંદ વેગડા પણ કહી રહ્યાં છે કે, તેઓ પણ પોતાના ઘરમાં કામ કરે છે. તેમના પત્ની એક શિક્ષિકા છે. તેથી તેમના પત્ની વહેલી સવારે સ્કૂલે જતા રહે છે. ત્યારે તેમના દીકરા માટે સવારનો નાસ્તો બનાવવાથી લઇને ઘણા બધા કામ તેઓ કરતા હોય છે.

સમય સાથે બદલાવ પણ જરૂરી છે

આ કામ કરવામાં તેઓ જરા પણ નાનપ અનુભવતા નથી. તેમનું માનવું છે કે, આ પોતાનું ઘર છે અને પોતે કામ કરવાનું છે તેમાં શરમ ન અનુભવવાની હોય. દીકરો હોય કે દીકરી તમામ કામ કરતા આવડવું જ હોવું જોઈએ. હવે સમય બદલાયો છે. સમયની સાથે બદલાવ પણ જરૂરી છે. તેથી હું રિવાબાની વાત સાથે સહમત છું.

દીકરાને પણ અત્યારથી જ ઘરકામ શીખવાડી રહ્યો છું

સાથે જ તેમણે કહ્યું કે, દરેકે સ્વાવલંબી બનવાની જરૂર છે, પછી તે સ્ત્રી હોય કે પુરુષ હોય. ભૂખ લાગે તો ભૂખ્યા ન રહો, કોઈ બનાવી આપશે તેની રાહ ન જુઓ, પણ જાતે જ રસોઈ બનાવીને ખાઓ. હું ઘરનું બધુ જ કામ કરી જાણું છું. મારી દીકરી વિદેશમાં એકલી રહે છે, તે પણ પોતાનું કામ જાતે જ કરે છે. તેથી જ હાલ હું મારો દીકરો નાનો છે, તેને પણ હું ઘરકામ કરાવવાની આદત પાડી રહ્યો છું. જેથી તે આગળ જઈને પોતાના કામ જાતે કરે.

(4:32 pm IST)