Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

કોરોના કેસ વધતા સુરતમાં ખાનગી હોસ્પીટલોના આઈસીયુ વોર્ડ ફુલ

રાજકોટ, તા. ૧ :. કોરોના મહામારીના કેસ દિવસેને દિવસે વધતા લોકોમાં ચિંતા પ્રસરી ગઈ છે. સુરતમાં પણ કોરોના મહામારીના કેસ વધતા સુરતની તમામ ૩૪ પ્રાઈવેટ કોવીડ હોસ્પીટલોના આઈસીયુ વોર્ડ ફુલ થઈ ગયા છે. તેમ સુરતના રેડીયો મિર્ચીના આર.જે. હર્ષએ સોશ્યલ મીડીયામાં વાયરલ કરેલ વિડીયોમાં જણાવ્યુ છે.

આર.જે. હર્ષ દ્વારા સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલા ઓડિયોમાં પણ દર્દીના સગા-સંબંધીઓ જ્યારે હોસ્પીટલના સત્તાવાળાઓને ફોન કરીને પ્રાઈવેટ હોસ્પીટલમાં આઈસીયુમાં જગ્યા છે કે નહિ ? તેની પૂછપરછ કરે છે ત્યારે જવાબ 'ના'માં આવે છે. દરરોજ જુદા જુદા વિસ્તારોમા પોઝીટીવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

સુરતમાં કોરોનાનો કહેર શરૂ થતા લોકોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. તંત્રમાં પણ દોડધામ વધી ગઈ છે, તો બીજી તરફ સુરતમાં કોરોના રસીકરણ કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે.

સુરતમાં કોરોના કેસ વધતા તંત્ર દ્વારા અને જાગૃત નાગરીકો દ્વારા લોકોને કોરોના મહામારીથી બચવા માટે સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

કોરોના પ્રસરતો અટકાવવા માટે સોશ્યલ ડીસ્ટન્સ, માસ્ક પહેરવુ, ભીડભાડવાળી જગ્યામાં જવુ નહિ, કામ વગર ઘરની બહાર ન નિકળવુ, સેનેટાઈઝનો ઉપયોગ કરવો સહિતના નિયમોનું પાલન કરવા માટે પણ અપીલ કરી છે.

આવી જ પરિસ્થિતિ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા અને કોરોના વેકસીન લેવા અપીલ કરવામાં આવી છે.

(4:14 pm IST)